શ્લોક : ૧૨૭

भाद्रशुक्लचतुर्थ्यां च कार्यं विघ्नेशपूजनम् ।

इषकृष्णचतुर्दश्यां कार्यार्चा च हनुमत: ॥ ૧૨૭ ॥

અને ભાદરવા સુદિ ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી, તથા આસો વદિ ચતુર્દશીને દિવસે હનુમાનની પૂજા કરવી. ॥ ૧૨૭ ॥

ભાવાર્થ

ગણપતિ શ્રીકૃષ્ણ ભગવાનના અંશાવતાર કહેવાય છે અને હનુમાનજી રામચંદ્રજી ભગવાનના શ્રેષ્ઠ એકાંતિક ભક્ત ગણાય છે. આથી પરોક્ષના ઉપાસકો જેમ ગણપતિનું ભાદરવા સુદી ચતુર્થીને દિવસે અને હનુમાનજીનું આસો વદિ ચતુર્દશીને દિવસે પૂજન કરે છે, તેમ સર્વાવતારી પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રીહરિના ઉપાસકોએ શ્રીહરિની મૂર્તિમાં રસબસભાવે જોડાયેલા મહા અનાદિ મુક્તોનું પૂજન કરવું, સેવા કરવી અને તેમની અનુવૃત્તિમાં રહી તેમનો રાજીપો મેળવવો. કેમ જે એવા મુક્તો દ્વારા શ્રીહરિ પોતે સ્વયં તે ભક્તની પૂજા, સેવા વગેરે અંગીકાર કરે છે.

વળી જેમ ગણપતિ તથા હનુમાનજી પરોક્ષના ઉપાસકોના સર્વે વિઘ્નો દૂર કરે છે તેમ પ્રગટ શ્રીહરિના અનાદિમુક્તો પોતાના જોગમાં આવેલા મુમુક્ષુઓની કાળ-કર્મ-માયા થકી રક્ષા કરે છે અને શ્રીહરિની મૂર્તિના સુખમાં જોડી દે છે.

નોંધ : (૧) સાચા અનાદિમુક્તની તેમના દિવ્ય-કલ્યાણકારી ગુણો જાણીને ઓળખ કરી તેઓ મનુષ્યરૂપે પ્રગટ હોય ત્યારે તેમનો સર્વ પ્રકારે જોગ કરવો. તેઓ મનુષ્યરૂપે પ્રગટ ન હોય ત્યારે શ્રીજીમહારાજની સાથે તેમને સંભારી દિવ્યભાવે જોગ કરવો, પરંતુ એવી સ્થિતિ ન હોય અને પોતાને મુક્ત કહેવડાવતા હોય તેવા દંભી ગુરુઓનો જોગ ન કરવો, નહિતર મોક્ષ બગાડી દુર્ગતિ થવાનો પૂરો સંભવ છે. માટે જોગ-સમાગમ કરવામાં વિવેક રાખવો.