શ્લોક : ૧૩૬

मात्रा स्वस्रा दुहित्रा वा विजने तु वय: स्थया ।

अनापदि न तै: स्थेयं कार्यं दानं न योषित: ॥ ૧૩૬ ॥

અને તે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે યુવા અવસ્થાએ યુક્ત, એવી જે પોતાની મા, બેન અને દીકરી તે સંગાથે પણ, આપત્કાળ વિના એકાંત સ્થળને વિષે ન રહેવું. અને પોતાની સ્ત્રીનું દાન કોઈને ન કરવું. ॥ ૧૩૬ ॥

ભાવાર્થ

શ્રીહરિના આશ્રિત ગૃહસ્થાશ્રમી પુરુષોએ યુવા અવસ્થામાં આવેલી પોતાની માતા, બહેન અને પુત્રી સાથે એકાંતમાં આપત્કાળ વિના ન રહેવું; જો આપત્કાળ આવે અને બીજે ક્યાંય જઈ શકાય તેમ ન હોય તો, દેશ તથા કાળને અનુસરીને પોતાને જેટલું પ્રયોજન હોય તેટલો જ પ્રસંગ રાખવો. વળી એકાંત ન હોય તો પણ યુવાન સ્ત્રીનું દર્શન જ શૃંગારરસનું ઉત્તેજક હોઈ વિચક્ષણ એવા ગૃહસ્થ પુરુષોએ યાવત્પ્રયોજન જ તેમની સાથે વ્યવહાર રાખવો. અને સ્ત્રીની જેમ જ સ્ત્રીલંપટ જનોનો પ્રસંગ પણ બંધનકારી છે, માટે તેવા જનોના સંગનો પણ ત્યાગ કરવો.

અને મંદ વૈરાગ્યવાળા પુરુષે સમાનજાતિની ને સારાં લક્ષણવાળી સ્ત્રીનું 'પાણિગ્રહણ' કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો અને સ્ત્રી સાથે 'પાણિગ્રહણ' કર્યા પછી પણ, કામાસક્તિથી મનસ્વીપણે ક્યારેય વિષયભોગમાં પ્રવર્તવું નહિ; પરંતુ પરમાત્માએ બાંધેલી શાસ્ત્રમર્યાદાનું પાલન કરવું. અને ફક્ત ઋતુકાળમાં જ સ્ત્રીસમાગમ કરવો. તે ઋતુકાળ, ઋતુપ્રાપ્તિદિવસ થકી સોળ રાત્રિરૂપ માન્યો છે. તેમાં પણ 'યુગ્મ' (બેકી) રાત્રિઓ, પુત્રાર્થી માટે શ્રેષ્ઠ કહી છે અને 'અયુગ્મ' (એકી) રાત્રિઓ કન્યાર્થી માટે શ્રેષ્ઠ માની છે. તે યુગ્મ - અયુગ્મ રાત્રિઓમાં પણ, ઉત્તરોત્તર, આગળ-આગળ વર્તતી રાત્રિઓ શ્રેષ્ઠ છે. વળી ઋતુદર્શનરાત્રિ થકી આરંભી, સોળ રાત્રિ માંહેલી પ્રથમની ચાર રાત્રિઓ, શ્રાદ્ધદિન તથા શ્રાદ્ધદિનની પહેલાંનો દિવસ, અમાવાસ્યા, પૂર્ણિમા - આદિ સર્વ પર્વો, દશમી, દ્વાદશી, વ્રતદિન, સંક્રાન્તિ - આ સર્વ તિથિઓ સ્ત્રીસંગમાં ર્વજ્ય છે. અને દિવસે સ્ત્રીસંગ તો સદા ર્વજ્ય જ છે.

વળી તે ગૃહસ્થાશ્રમી તેમણે પોતાની સ્ત્રીનું દાન કોઈને કરવું નહિ; એટલે પોતાની પત્ની કોઈને દાનમાં આપવી નહિ; કેમ કે તેમાં પત્નીના પતિવ્રતાપણાનો ભંગ થવાથી પતિને મોટું પાપ લાગે છે, તેથી પોતાની સ્ત્રીનું દાન ક્યારેય ન કરવું.

અને જેમ નિદ્રામાં દેખાયેલ સ્વપ્નસૃષ્ટિના તથા તેના ભોગ તે જાગ્રત અવસ્થામાં નાશ પામેલા જણાય છે, તેમ સ્ત્રીપુત્રાદિક સર્વે પોતાના શરીરની સાથે નાશ પામે છે; અર્થાત્, જીવાત્માની સાથે જતાં નથી, માટે સ્ત્રી-પુત્રાદિક પણ સ્વપ્નસૃષ્ટિ તુલ્ય મિથ્યા માની તેમાં બંધાવું નહિ ને શ્રીહરિની સેવામાં પોતાનાં સ્ત્રી, પુત્ર તથા આશ્રિતોને જોડી દઈને, પોતે શ્રીહરિની સેવા મન, વાણી અને દેહથી કરવી.