શ્લોક : ૨૧૨

निजाश्रितानां सकलार्तिहन्ता सधर्मभक्तेरवनं विधाता

दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णोऽखिलमङ्गलं न: ॥ ૨૧૨ ॥

અને પોતાના આશ્રિત જે ભક્તજન તેમની જે સમગ્ર પીડા, તેનો નાશ કરનારા એવા; અને ધર્મે સહિત જે ભક્તિ-તેની રક્ષાના કરનારા એવા; ને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા-એવા જે શ્રીકૃષ્ણભગવાન તે જે તે, અમારા સમગ્ર મંગળને વિસ્તારો. ॥ ૨૧૨ ॥

ભાવાર્થ

હવે શિક્ષાપત્રીની સમાપ્તિ કરતાં શ્રીહરિ અંતિમ મંગળાચરણ કરે છે :- પોતાના આશ્રિત ભક્તજનોના સમગ્ર કહેતાં, ઇંદ્રિયો - અંતઃકરણ ભગવાનની મૂર્તિને મૂકીને, માયિક પંચવિષયમાં તથા નાના પ્રકારનાં ઐશ્વર્યની ઈષણામાં તણાઈ જાય છે તે રૂપી; તથા અંતરમાં કામ, ક્રોધ, લોભ, માન, મસ્તરાદિક અનેક દોષો, ભગવાનની ભક્તિમાં વિઘ્ન કરે છે તે રૂપી; સકળ જે દુઃખો તેની નિવૃત્તિ કરનારા એવા; અને એકાંતિક ધર્મે સહિત ને માહાત્મ્યજ્ઞાને સહિત જે ભક્તિ તેનું રક્ષણ કહેતાં, તેનો સાક્ષાત્કાર કરાવનારા; અને મનમાં જે કાંઈ ધર્મે સહિત ઇચ્છા હોય તેવા સુખના આપનારા; અર્થાત્ સકામ ભક્તને ઈશ્વરકોટી આદિનાં સુખ અને નિષ્કામ ભક્તને પોતાના અક્ષરધામને વિષે પોતાની મૂર્તિનું સુખ આપનારા; અને રામ, કૃષ્ણ, નરનારાયણાદિક અવતારના અવતારી; ને એકાંતિક, પરમ એકાંતિક ને અનાદિમુક્તના સ્વામી; એવા અનાદિ કૃષ્ણનામક શ્રી હરિકૃષ્ણ મહાપ્રભુ, કે જેઓશ્રી પોતાના સર્વે આશ્રિતો પ્રત્યે શિક્ષાપત્રી લખી રહ્યા છે; તે જ પોતે પોતાને એમ કહે છે કે, 'શ્રીકૃષ્ણ ભગવાન અમારા સમગ્ર મંગળને વિસ્તારો.' - આમ કહેવાનો હેતુ શું છે? તો, શ્રી હરિકૃષ્ણ સહજાનંદ સ્વામી મહાપ્રભુ, સર્વ મુમુક્ષુજીવોના સમાસને અર્થે ભક્તભાવે, તેમ જ સ્વાશ્રિતને પોતાને વિષે સ્વામીસેવકપણું તથા દાસપણું દૃઢ કરાવવા માટે 'અમારું મંગળ વિસ્તારો' - એમ કહે છે; પરંતુ સર્વ ભક્તનું મંગળ કરનારા તો પોતે જ છે એમ જાણવું. અર્થાત્ શ્રીજીમહારાજના જે જે આશ્રિત હોય તે સર્વેનું સર્વકાર્યને વિષે, એમના અનુગ્રહથી અમંગળ થતું જ નથી. કેમ જે સર્વના કારણ, સર્વેશ્વર, સર્વ કર્તા તથા સર્વનું મંગળ કરનારા શ્રીહરિ જ છે. અને તે શ્રીહરિ જ નરનારાયણને મિષે કરીને પૃથ્વી પર પ્રગટ થયા છે ને તે તેમના સ્વરૂપને જ તેમણે અમદાવાદને વિષે પ્રથમ પધરાવેલ છે. અને જે મનુષ્ય, શિક્ષાપત્રી આદિકમાં, મૂળપુરુષાદિ ઈશ્વરના પણ ઈશ્વર એવા સહજાનંદ સ્વામીએ કહેલા, અહિંસાદિક ધર્મોનું પાલન કરવાપૂર્વક તેમનું ભજન કરે છે, તે મનુષ્યને અંતકાળે પોતાના ધામમાં લઈ જવા, મુનિજનોથી વીંટાયેલા એવા શ્રીહરિ તે તત્કાળ આવશે - એવા શ્રીહરિએ આશીર્વાદ આપ્યા છે.