શ્લોક : ૧૦૪

वैराग्यं ज्ञेयमप्रीति: श्रीकृष्णेतरवस्तुषु ।

ज्ञानं च जीवमायेशरु़पाणां सुष्ठु वेदनम् ॥ ૧૦૪ ॥

અને શ્રીકૃષ્ણભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહિ તે વૈરાગ્ય જાણવો. અને જીવ, માયા અને ઈશ્વર તેમના સ્વરૂપને જે રૂડી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ. ॥ ૧૦૪ ॥

ભાવાર્થ

શ્રીજીમહારાજને વિષે જ મહાત્મ્યજ્ઞાને સહિત ગાઢ સ્નેહના વશપણાથકી, દેહ ને દેહના સંબંધીમાં તથા પંચવિષયમાં, તેમ જ પ્રકૃતિપુરુષના કાર્યમાં, જે જે વિષયભોગ સંબંધી સુખ છે તેમાં અરુચિ એ 'વૈરાગ્ય' કહેવાય. અને મહાપુરુષ, મહાકાળ, વાસુદેવબ્રહ્મ ને મૂર્તિમાન અક્ષરબ્રહ્મ તેમનાં ઐશ્વર્યનો જે આનંદ છે, તેમાં મહત્તા કે સારપ રહે નહિ- એ 'પરમ વૈરાગ્ય' કહેવાય. ચાર પ્રકારના પ્રલયની જે રીત જાણવી તે વૈરાગ્ય ઊપજવાનો હેતુ છે. અને કાળે કરીને સર્વત્ર કાળ-માયાનો ક્લેશ છે અને શ્રીજીમહારાજની સમીપે અખંડ અવિચળ સુખ છે - આવી સમજણ એ જ વૈરાગ્યનો હેતુ તથા વૈરાગ્યનું સ્વરૂપ છે અને શ્રીજીમહારાજના સુખથી ઓરાં જે સમગ્ર સુખ-ઐશ્વર્ય તે પ્રાપ્ત થાય, પણ તેને ભોગવવાનો સંકલ્પ ન થાય તે 'વૈરાગ્યનું ફળ' છે.

જીવ, માયા, બ્રહ્માદિક ઈશ્વર, વૈરાજ, પ્રકૃતિ, પુરુષ, કાળ, મહામાયા, મૂળપુરુષ, હિરણ્યગર્ભ, અક્ષર તથા પરબ્રહ્મ પુરુષોત્તમ, - એ સર્વેનાં લક્ષણો પૃથક્‌પૃથક્ જાણવાં, તેનું નામ 'જ્ઞાન' કહેલું છે.