શ્લોક : ૧૬૭

धनं च धर्मकार्येऽपि स्वनिर्वाहोपयोगि यत् ।

देयं तामिर्न तत् क्वापि देयं चेदधिकं तदा ॥ ૧૬૭ ॥

અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના ઘરમાં, પોતાના જીવનપર્યંત દેહનિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો, તે ધન જે તે ધર્મકાર્યને વિષે પણ ન આપવું; અને જો તેથી અધિક હોય તો આપવું. ॥ ૧૬૭ ॥

ભાવાર્થ

શ્રીહરિ આશ્રિત એવી વિધવા સ્ત્રીઓએ પોતાના દેહના નિર્વાહ પૂરતું જે દ્રવ્યાદિ હોય, તે ધર્મસંબંધી કાર્ય માટે પણ આપવું નહિ; પરંતુ તેથી વિશેષ હોય તો આપવું; કારણ કે સ્વનિર્વાહ પૂરતું જ જે ધન, તેનું દાન કરવાથી પોતાના નિર્વાહને અર્થે બીજાઓની સેવા વગેરે કરવી પડે, અને તેથી, સ્વધર્મનો નાશ થવાનો સંભવ ઉત્પન્ન થાય. પણ જો પોતાના નિર્વાહ કરતાં અધિક ધન હોય તો તે અવશ્ય ધર્મકાર્યમાં આપવું; નહિતર દ્રવ્ય હોવા છતાં ન આપવાની શઠતાને લીધે અધર્મ પ્રાપ્ત થાય છે.