શ્લોક : ૮૮
जन्माशौचं मृताशौचं स्वसम्बन्धानुसारत: ।
पालनीयं यथाशास्त्रं चातुर्वर्ण्यजनैर्मम ॥ ૮૮ ॥
અને અમારા સત્સંગી એવા જે ચારે વર્ણના મનુષ્ય, તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક, તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું. ॥ ૮૮ ॥
ભાવાર્થ
શ્રીહરિએ જન્મસૂતકનો નિર્ણય આ પ્રમાણે જણાવ્યો છે : પુત્રનો જન્મ થતાં, પિતા વસ્ત્રસહિત સ્નાન કરે. અનંતર તેને દસ અહોરાત્રપર્યંત જન્મસૂતક પ્રાપ્ત થાય, જેથી તે પિતા પોતાના ઇષ્ટદેવ મહાપ્રભુની, મંત્રવિધિથી પૂજા આદિ કર્મમાં અનધિકારી થાય છે. પુત્રનો જન્મ આપનારી માતા, એકવીસ દિવસ પછી શુદ્ધ થાય. (આ ૨૧ દિવસ, તે દસ દિવસ વ્યતીત થયા બાદ જાણવા.) પુત્રીનો જન્મ આપનારી માતા એક માસે કરીને શુદ્ધ થાય (આ પણ દસ દિવસ પછી એક માસ જાણવો.) ત્યાં સુધી તે સ્પર્શ કરવા યોગ્ય નથી. તેમાં સાતમી પેઢી સુધીના જે સપિંડ કહેવાય તેમને દસ દિવસનું સૂતક કહેલું છે અને આઠમીથી ચૌદમી પેઢી સુધીના જે સોદક કહેવાય તેમને ત્રણ દિવસનું સૂતક કહેલું છે. વળી જન્મનાં સૂતકમાં, જન્મ આપનાર સ્ત્રીનો સ્પર્શ થાય નહિ. પ્રસવસ્ત્રીના સ્પર્શમાં તો સ્નાન કરવાનું કહ્યું છે. બાળકના જન્મના પહેલા દિવસે, છઠ્ઠા દિવસે અને દસમા દિવસે, પિતાને જાતકર્માદિ સંસ્કાર કરવામાં તથા દાન કરવામાં સૂતકનો બાધ નથી.
હવે મરણાશૌચની શુદ્ધિ શ્રીહરિ આ પ્રમાણે કહે છે : મરણમાં સપિંડોને દસ દિવસનું અને સોદકોને ત્રણ દિવસનું સૂતક પાળવાનું કહ્યું છે. જન્મેલો બાળ, જન્મદિવસ થકી દસ દિવસની અંદર જો મૃત્યુ પામે તો તેના બાંધવોએ મરણનું સૂતક પાળવું નહિ; ત્યારે તો જન્મસૂતક માત્ર જ પાળવું. નામકરણસંસ્કાર થકી અનંતર અને દંતોત્પતિ પહેલાં બાળક મૃત્યુ પામે તો સપિંડોએ સ્નાનમાત્ર કરવું. ત્રીજા વર્ષ પહેલા બાળક મૃત્યુ પામે તો એક દિવસ અને ત્રણથી પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં તથા ઉપવીતસંસ્કાર સુધીમાં મરણ પામે તો ત્રણ દિવસ સૂતક પાળવું. ઉપવીતથકી અનંતર તો દસ દિવસનું સૂતક પાળવું. વાગ્દાન થયેલ કન્યાના મરણમાં તો ત્રણ દિવસ સૂતક પાળવું. વિવાહ પછી, પુરુષના કે સ્ત્રીના મરણમાં પોતપોતાના વર્ણને અનુસારે સૂતક પાળવું. વિવાહિત સ્ત્રીના મરણથી તેના સસરાના કુળમાં સપિંડોને દસ દિવસ ને તેનાં માતા, પિતા અને ભ્રાતાને ત્રણ દિવસનું તથા પિતાના અન્ય સપિંડોને એક દિવસનું સૂતક પાળવું. પિતા વા માતાના અવસાનમાં પુત્રીએ ત્રણ દિવસનું સૂતક પાળવું.
મરણના સૂતકમાં જન્મનું સૂતક આવી પડે તો તે મરણના સૂતકથી જન્મસૂતક ટળી જાય, પરંતુ જન્મસૂતક મધ્યે પ્રાપ્ત થયેલું, મરણસૂતક તો, જન્મસૂતકથી ટળી શકે નહિ.
વળી દાન આપવા સમયે, વિવાહકાર્યનો આરંભ થઈ ગયો હોય તે સમયે, યજ્ઞની દીક્ષા લીધા પછી યજ્ઞનો આરંભ કર્યો હોય તેવા સમયે, યુદ્ધકાળમાં, દેશની અરાજકતાના સમયમાં તથા 'આપત્કાળમાં' એટલે કે, અતિ દુ:ખના સમયમાં, સૂતકની (સ્નાનમાત્રથી) તરત જ શુદ્ધિ થાય છે.