શ્લોક : ૧૮

व्यभिचारो न कर्तव्य: पुम्भि: स्त्रीभिश्च मां श्रितै: ।

धूतादि व्यसनं त्याज्यं नाद्यं भगादिमादकम् ॥ ૧૮ ॥

અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો; અને જૂગટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો. અને ભાંગ્ય, મફર, માજમ, ગાંજો એ આદિક જે કેફ કરનાર વસ્તુ તે ખાવાં નહિ અને પીવાં પણ નહિ. ॥ ૧૮ ॥

ભાવાર્થ

મારા આશ્રિત સ્ત્રી-પુરુષોએ 'વ્યભિચાર ન કરવો' કહેતાં પુરુષે પરદારાનું ગમન ન કરવું ને સ્ત્રીઓએ પરપુરુષનો સંગ ન કરવો. એવી શ્રીજીમહારાજે આ શ્લોકમાં આજ્ઞા કરી છે.

કોઈ પણ પુરુષે પરસ્ત્રીને ક્યારેય પણ કામભાવથી પામવી તો નહિ જ પણ ક્યારેય તેને કામભાવથી જોવી પણ નહિ. પરસ્ત્રી વિષેનો કામભાવ સર્વે સુકૃતનો નાશ કરી નાખે છે અને કલ્યાણના માર્ગમાંથી ભ્રષ્ટ કરે છે. આ લોકને વિષે જે પુરુષ અગમ્યા એવી સ્ત્રી, તેને પામે છે અને જે સ્ત્રી અગમ્ય એવો પુરુષ, તેને પામે છે, તે બેયને પરલોકને વિષે યમના દૂત, લોઢાના કોરડાથી તાડન કરતા થકા, લોઢાની તપાવેલી સ્ત્રીની જે પ્રતિમા, તેની સાથે પુરુષને આલિંગન કરાવે છે અને લોખંડનું પુરુષનું તપાવેલું જે પૂતળું, તેની સંગાથે સ્ત્રીને આલિંગન કરાવે છે, માટે મને કરીને પણ વ્યભિચાર ન કરવો.

આ લોકને વિષે પણ પરસ્ત્રીનું સેવન તે આયુષ્ય, કીર્તિ, તેજ, યશ ને લક્ષ્મી તેના વિનાશનું મુખ્ય કારણ છે. પરસ્ત્રીને વિષે કામભાવવાળા પુરુષો દીર્ઘર્રોગી થાય છે.

આ સામાન્ય પરસ્ત્રી સાથેનો વ્યભિચાર કહેલો છે; પણ ગુરુસ્ત્રી સાથેનો વ્યભિચાર તો મહાપાતક તથા બેન આદિ સાથેના વ્યભિચારને અતિપાતક કહેલું છે. સ્ત્રીઓને પણ ગુરુ, શિષ્ય વગેરે તેના ગમનને વિષે દોષનું અધિકપણું કહેલું છે. માટે પોતાની સ્ત્રી વિના બીજી સ્ત્રીઓનો કામભાવે પ્રસંગ ત્યાગ કરવો.

અને જૂગટું આદિક જે વ્યસન તેનો સર્વ પ્રકારે ત્યાગ કરવો. પરસ્ત્રી પ્રસંગ, જૂગટું રમવું, મૃગયા કરવી, મદ્યપાન કરવું, નૃત્ય, સંગીત, વાદ્ય, વૃથાટન, નિંદા અને દિવસની નિદ્રા આ દશ-મનુષ્યોને વ્યસન કહેલાં છે. માટે તેનો ત્યાગ કરવો. તદ્ઉપરાંત વૃથા સંભાષણ કરવું, અપશબ્દ બોલવા, બજારમાં તથા કોઈના હાટે (દુકાન ઇત્યાદિ) કામ વગરે વૃથા બેસવું, કુલટા સ્ત્રીનો સંગ અને ભક્તિ તથા ધર્મહીન શાસ્ત્રનું પરિશીલન કરવું ઇત્યાદિનો પણ ત્યાગ કરવો. તેમ જ નાટક, સીનેમા, ભાંડ, ભવાયા, તાયફા એ વગેરે મનમાં વિકાર ઉત્પન્ન કરનારા વિષયોનો; તથા ચોપાટ, ગંજીફો વગેરે રમતો; તથા ઠઠ્ઠા-મશ્કરી વગેરેનો પણ ત્યાગ કરવો.

અને ભાંગ, ગાંજો, અફીણ, ચરસ, માજમ, મફર, તમાકુ, છીંકણી આદિ માદક પદાર્થો એટલે કે શરીરનું ભાન ભુલાવનાર પદાર્થોનો સ્પર્શ પણ ન કરવો તો તેનું સેવન ન કરાય તેમાં શું કહેવું?