શ્લોક : ૧૯૦

न्यासो रक्ष्यो न कस्यापि धैर्यं त्याज्यं न कर्हिचित

न प्रवेशयितव्या च स्वावासे स्त्री कदाचन ॥ ૧૯૦ ॥

અને કોઈની થાપણ ન રાખવી અને ક્યારેય પણ ધીરજતાનો ત્યાગ ન કરવો; અને પોતાના ઉતારાની જાયગા, બંધીની હોય તો, તેને વિષે ક્યારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહિ. ॥ ૧૯૦ ॥

ભાવાર્થ

શ્રીહરિના આશ્રિત ત્યાગીઓએ પરિચિત અથવા અપરિચિત એવા કોઈ પણ મનુષ્યની જે થાપણની વસ્તુ તે સાચવવા માટે ન રાખવી. એટલે કે હું સાચવીશ એવી પ્રતિજ્ઞા કરીને, પોતાની પાસે બીજાની વસ્તુ રાખવી નહિ; કારણ કે તેથી પોતાના મનનો ક્ષોભ થવાનો અને વૃથા ક્લેશ થવાનો સંભવ છે.

અને તે ત્યાગીસાધુઓએ ક્યારેક દેશ તથા કાળના વિષમપણામાં, અગર ભિક્ષા વગેરે ન મળે ત્યારે પણ, 'ધીરજ'નો ત્યાગ કરવો નહિ. ને તે ધીરજતાનો ગુણ કેળવવા માટે સર્વભૂતો ઉપર યથોચિત દયા, મૈત્રી અને વિનય રાખવાનું શીખવું; તથા ભગવદ્ ભક્તોમાં સુહૃપણું કરવું; સ્થાવર અને જંગમ તીર્થોની સેવા કરવી. તેમાં પણ મોટા ભાગવત સંતોની સેવા કરતાં શીખવું, તેમની સાથે શ્રીહરિના પવિત્ર યશનું પરસ્પર સંભાષણ કરતાં શીખવું. તેમાં પણ સ્પર્ધા આદિનો ત્યાગ કરી, પ્રેમ, સંતોષ અને સમગ્ર દુઃખની નિવૃત્તિનો ઉપાય તે શીખવા અને ક્ષમા ધારતા શીખવું, કેમ જે ક્ષમા સાધુ-પુરુષોનું આ લોકમાં પરમ ભૂષણ છે.

વળી તે ત્યાગીસંતોએ પોતાનાં સ્થાનકને વિષે, સ્ત્રીઓનો પ્રવેશ થવા દેવો નહિ; તથા અપેક્ષિત અન્નજળ વગેરે સ્ત્રી દ્વારા કદાપિ મંગાવવું નહિ; કિંતુ પુરુષ પાસે જ મંગાવવું. અને પોતે જ્યાં રહેતા હોય એવા મંદિર કે ધર્મશાળામાં, વાળવું-લીંપવું વગેરે પણ, સ્ત્રી પાસે કદાપિ ન જ કરાવવું; કિંતુ પોતે કરવું અથવા બીજા પુરુષ પાસે કરાવવું. અને જે જે સ્થળે સ્ત્રીઓની જે સ્નાન-આર્જન આદિ ક્રિયાઓ થતી હોય, તે સ્થળમાં તે તે ક્રિયા બ્રહ્મચર્યનું પાલન કરનારા ત્યાગીઓએ કરવી નહિ. અને પોતાને તથા સ્ત્રીને રહેવાના ઘર જુદા હોય, પણ વચ્ચે એક ભીંતમાત્ર વ્યવધાન હોય તેવા ઘરમાં શ્રીહરિના આશ્રિત ત્યાગીઓએ, રાત્રીએ આપત્કાળ પડ્યા વિના રહેવું નહિ તથા સૂવું પણ નહિ.