શ્લોક : ૨૪
स्ववर्णाश्रमधर्मो य: स हातव्यो न केनचित् ।
परधर्मो न चाचर्यो न च पाषंडकल्पित: ॥ ૨૪ ॥
અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ, તે કોઈ સત્સંગીએ ત્યાગ કરવો નહિ; અને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિતધર્મનું આચરણ ન કરવું. ॥ ૨૪ ॥
ભાવાર્થ
બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ, પોતાના વર્ણનો જે ધર્મ તે વર્ણધર્મ કહેવાય. અને આશ્રમ, જે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ આદિનો ધર્મ, તે આશ્રમધર્મ કહેવાય. તે વર્ણાશ્રમધર્મ 'કોઈએ' ભક્તિ અને જ્ઞાનના અવલંબને કરીને પણ, ત્યાગ ન કરવો. તેનો ત્યાગ કરવાથી આ લોકમાં તથા પરલોકમાં અનર્થની પ્રાપ્તિ થાય છે; તે હેતુ માટે સર્વપ્રકારે સ્વધર્મનું જ પાલન કરવું. કારણ કે સ્વધર્મ છે તે સર્વેને ભક્તિ તથા મુક્તિ આપનારો છે.
બ્રાહ્મણના અહિંસાપ્રધાન ધર્મ કરતાં, જો કે ક્ષત્રિયનો ધર્મ અહિંસારૂપ જે ગુણ તેનાથી રહિત છે તો પણ, 'પોતાનો' એટલે, ક્ષત્રિયનો ધર્મ, ક્ષત્રિય માટે અતિશય શ્રેષ્ઠ છે. અને સ્વધર્મ, જે યુદ્ધાદિ ક્ષત્રિયધર્મનું જે પાલન, તેનું આચરણ કરતાં તેમાં કદાચ મરણ થાય, તો પણ તે પરલોક સુધારનારું શ્રેષ્ઠ કર્મ છે. અને ક્ષાત્રભાવે યુક્ત ક્ષત્રિયને, અહિંસાપ્રધાન બ્રાહ્મણધર્મ પરધર્મ હોઈ, છેવટે ભય ઉપજાવનારો જ થાય છે. આમ સ્વધર્મ ઓછા ગુણવાળો હોય તો પણ શ્રેષ્ઠ છે, જ્યારે પરધર્મ, સારી રીતે આચરણ કરાયેલો હોય તો પણ તે શ્રેયસ્કર નથી.
વળી પાપના ચિહ્ન જે ધર્મને વિષે રહ્યાં હોય તે 'પાષંડ' કહેવાય અને સૌનું રક્ષણ કરે એવી જે ધર્મમર્યાદા, તેનું ખંડન કરે તે 'પાખંડ' કહેવાય; એટલે કે, શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ ધર્મ, તે રૂપી પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા મનઃકલ્પિત એવો નાસ્તિકનો ધર્મ, તેનું પણ આચરણ કરવું નહિ.