શ્લોક : ૯
तानुल्लंध्याऽत्र वर्तन्ते ये तु स्वैरं कुबुद्धय: ।
त इहामुत्र च महल्लभन्ते कष्टमेव हि ॥ ૯ ॥
અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે ને આ લોક તથા પરલોકને વિષે નિશ્ચે મોટા કષ્ટને જ પામે છે. ॥ ૯ ॥
ભાવાર્થ
જે પુરુષો દેહ-ઇંદ્રિયોને લાડ લડાવવાને અર્થે વિષયાસક્તિથી ધર્મમર્યાદાનું ઉલ્લંઘન કરે છે, અને એમ કર્યે સતે અવશ્ય મહા કષ્ટ થશે, તે પ્રકારનું જ્ઞાન તેને વિષે અંધબુદ્ધિવાળા થયા સતા જેઓ હરિગીતા, શિક્ષાપત્રી, ધર્મામૃત તથા નિષ્કામશુદ્ધિમાં કહેલા ધર્મનું ઉલ્લંઘન કરીને આ લોકને વિષે મનસ્વીપણે વર્તે છે, તે પુરુષો આ લોકને વિષે તેમ જ પરલોકને વિષે નિશ્ચે મહા કષ્ટ પામે છે એટલે કે મોક્ષમાર્ગથી પડી જાય છે. માટે દ્રવ્યના લોભે કરીને અથવા કામભોગના લોભે કરીને, સર્વ મનોરથની સિદ્ધિને આપનારો ધર્મ તેનો ક્યારેય ત્યાગ ન કરવો.