શ્લોક : ૨૨
देवतायै भवेद्यस्य सुरामांसनिवेदनम् ।
यत्पुरोऽजादिहिंसा च न भक्ष्यं तन्निवेदितम् ॥ ૨૨ ॥
અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય, તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું. ॥ ૨૨ ॥
ભાવાર્થ
જે રજોગુણી-તમોગુણી એવા દેવ અને દેવીઓ તેમને, સુરા અને માંસ તેનું નૈવેદ્ય થતું હોય, તથા જે દેવ-દેવી આગળ બકરા, પાડા આદિક પશુની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેધ એવું અન્નાદિક પણ ખાવું-પીવું નહિ. નૈવેદ્યની વસ્તુ દારુ-માંસ હોય તો તો ખવાય - પીવાય જ નહિ, પરંતુ એવા દેવોની પ્રસાદીની વસ્તુઓ - જે ટોપરું, પકવાન્ન, ફળ, જળ વગેરે ભલે ધાર્મિક દૃષ્ટિએ તે ચીજો ગ્રાહ્ય હોય તો પણ ખાવી-પીવી નહિ; કેમ કે જેમનો પ્રસાદ લે, તેમના તરફ રુચિ થવાનો સંભવ છે; અને પરિણામે મદ્યમાંસ ભક્ષણ અને હિંસા આદિ તામસ આચરણો તરફ રુચિ થાય છે અને અંતઃકરણ ભ્રષ્ટ થાય છે; માટે તેનો પણ નિષેધ કરેલો છે.