• આનંદ લહાણી (વિભાગ - ૨)

ઘરેઘર હરિભક્તોને લાભ આપતા એક રાત્રે બાપાશ્રી સોમચંદભાઈની ઓરડીએ પધાર્યા. આનંદના સાગરમાં પૂનમની ભરતી ! એ આનંદનું વર્ણન કરવું અશક્ય છે, આનંદ ગંગાને સોમચંદભાઈએ ધરાઈ ધરાઈને પીધી. બાપાશ્રી કહે : ‘આ ભૂરાભાઈના ભાણેજ તે અમારા ય ભાણેજ ! અને આ ભાણેજની શી વાત !’ પોતાના બે હાથમાં સોમચંદભાઈનું માથું લઈ બાપાશ્રીએ અતિ વહાલ બતાવ્યું.

સોમચંદભાઈની ઓરડીની પાછળ જ આવેલી રાત્રિશાળામાં બાપાશ્રી કૃપાની લહાણી કરવા પધાર્યા, સૌ વિદ્યાર્થીઓની પરીક્ષાનું નિમિત્ત કરી સૌને પોતાની કૃપાના ધોધમાં ડુબાડી દીધા. અને નિસ્પૃહીપણે કેવળ શ્રીજીપ્રસન્નતા અર્થે વિદ્યાર્થીના સદ્‌સંસ્કારની ખેવના રાખનાર શિક્ષક સોમચંદભાઈને આત્યંતિક કલ્યાણી પરબ ચલાવવાનું પ્રમાણપત્ર તે રાત્રે બાપાશ્રીએ રાજી થઈને આપી દીધું ! મુક્તોને નિમિત્ત કરી અનેકનું રૂડું થાય તે માટે મહાપ્રભુ પોતાની કલ્યાણકારી લીલા વિસ્તારતા રહે છે.

માતુશ્રી અંબાબા તો આનંદથી તરબોળ હતાં, પણ ઊંડે ઊંડેથી એક સંકલ્પ મોઢા સુધી આવે ને પાછો વળી જાય ! રખેને દીકરો ત્યાગી થઈ સાધુ થઈ જાય ! બાપાશ્રી અંતર્યામીપણે જાણી ગયા ને રાત્રિશાળામાં સૌને પ્રસાદનું મહાદાન દઈને પાછા વળતા અંબાબા પાસે ઊભા રહ્યા, ને કહે : ‘બાઈ ! સંકલ્પ મ કરજો ! સોમચંદભાઈને અમારે સાધુ થવા દેવો નથી, એ તો અનાદિકાળથી સાધુ જ છે. તેને ત્યાગી થવા નહીં દઈએ. એ તો અમારી સેવામાં અખંડ વર્તે છે.’ પછી સોમચંદભાઈને કહે : ‘નૈષ્ઠિકવ્રત અમે નહિ તોડાવીએ, પણ ત્યાગી મ થાજો. આ આશ્રમથી અનેકને લાભ થશે.’ મા ને દીકરા - બંનેને રાજી કરી બાપાશ્રી મંદિરે પધાર્યા.

કરાંચીના હરિભક્તોને દસ દિવસ સુધી શ્રીહરિજીના સુખમાં તરબોળ કરી બાપાશ્રી તથા સંતો રેલવેમાર્ગે અમદાવાદ પધાર્યા. સૌ હરિભક્તોના આધ્યાત્મિક વિકાસના પુરુષાર્થમાં કૃપાનો જે વરસાદ વરસ્યો તેનાથી સૌ કોઈને અહો ! અહો ! થઈ ગયું. લાલુભાઈ, મહાદેવભાઈ, વગેરે મુક્તોની સાથોસાથ સોમચંદભાઈ અનેકવિધ રીતે સૌને બાપાશ્રીના જોગ-સમાગમનો લાભ અપાવતા.

વર્ષોવર્ષ કરાંચીના હરિભક્તોનાં મંડળ કચ્છમાં બાપાશ્રીનાં દર્શન-સમાગમ માટે જાય. સોમચંદભાઈ તો તેમાં હોય જ. બાપાશ્રીની સેવાનો લાભ લે. સાથે આવેલા હરિભક્તોને સેવાનો લાભ અપાવે, બાપાશ્રીને પ્રાર્થના કરી સૌ કોઈનું વધુ ને વધુ શ્રેય થાય તે માટે અથાક પ્રયત્ન કરે. બાપાશ્રીના યોગે કરીને સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં કેવી રીતે જીવ જોડાય તેના પ્રયત્નમાં સોમચંદભાઈએ રાહ જોઈ નથી, દિવસ જોયો નથી, ટાઢ જોઈ નથી, તડકો જોયો નથી, થાક જોયો નથી, ઊંઘ જોઈ નથી ! એક જ તાન - શ્રીજીને પ્રસન્ન કરવાનું.

સં. ૧૯૮૨ (ઇ. સ. ૧૯૨૬)ના માગશર માસમાં બાપાશ્રી અમદાવાદ પધાર્યા હતા. તે અરસામાં કરાંચીમાં લાલુભાઈ બીમાર થઈ ગયેલા. તબિયત સુધરતા તેઓને બાપાશ્રીનાં દર્શન કરવાની અંતરમાં તાલાવેલી થઈ. તે વાત તેમણે સોમચંદભાઈને કરી. સોમચંદભાઈ તો સેવાની મૂર્તિ, તરત જ તૈયાર ! લાલુભાઈને લઈને સોમચંદભાઈ અમદાવાદ આવ્યા. ત્યાં જાણ્યું કે બાપાશ્રી તો ઝાલાવાડ (સુરેન્દ્રનગર જિલ્લો) પધાર્યા છે, તો પાછળ પાછળ નીકળ્યા. વઢવાણ, ધ્રાંગધ્રા થઈને હળવદ ગયા ત્યારે ત્યાં દર્શન થયાં. લાલુભાઈના ભાવથી ને સોમચંદભાઈની સેવાવૃત્તિથી બાપાશ્રી અતિ પ્રસન્ન થયા.

સં. ૧૯૮૨ના ચૈત્ર માસમાં બાપાશ્રીએ વૃષપુરમાં સત્સંગિજીવનનું પારાયણ બેસારી મોટો બ્રહ્મયજ્ઞ કર્યો ત્યારે કરાંચીના હરિભક્તોના મંડળે સહિત સોમચંદભાઈ અગાઉથી સેવામાં વૃષપુર આવીને રહ્યા હતા. એક વખત ફૂલ લેવા વાડીઓમાં ગયા. અહીં મંદિરમાં - ઉતારે બાપાશ્રી પૂછે કે સોમચંદભાઈ ક્યાં ગયા ? વારે વારે પૂછે અને કહે અહીં અમારા દેશમાં ચિતરા (ચિત્તા) બહુ, તે ખણી જાય (લઈ જાય). સોમચંદભાઈ હજી આવ્યા નહિ, તો આવું બને તો અમે શું મોઢું દેખાડીએ ? બધા પ્રેમલા થઈ જાઓ છો, પણ પૂછવું તો જોઈએ ને ? એમ વઢતા જાય. બાપાશ્રીની આ લીલા જોઈ સૌ આશ્ચર્ય પામે. પછી તો બાપાશ્રી પોતે એમને ગોતવા નીકળ્યા ! થોડી વાર થઈ ત્યાં તો સોમચંદભાઈ ફૂલનો મોટો ગાંસડો બાંધીને હસતા હસતા આવ્યા. બધાંએ કહ્યું કે બાપા ક્યારની રાહ જુએ છે. સોમચંદભાઈ બાપાશ્રી જે રસ્તે ગયા હતા તે બાજુ ગયા. વાડીના રસ્તે બાપાશ્રી પાસે પહોંચી રસ્તામાં દંડવત્‌ કરવા માંડ્યા. રડતા જાય ને દંડવત્‌ કરતા જાય ! બાપાશ્રી કહે : ‘હવે રાખો, રાખો. તમને આટલું તો ભાન જોઈએ કે નહિ ? ચિતરા ખણી જાત તો ? તમે અજાણ્યા, તમને ખબર ન પડે !’ પણ પછી બાથમાં ઘાલી ખૂબ હેતથી મળ્યા, માથે હાથ મૂક્યા ને અતિશય રાજીપો જણાવ્યો. સોમચંદભાઈ માટે ઉત્તમ સંભારણું થઈ રહ્યું.

ગઢડા પ્રથમ પ્રકરણના ૭૩મા વચનામૃતમાં - જે હરિભક્તો અમને મન અર્પણ કર્યું હોય તેનાં લક્ષણનું નિરુપણ કરતાં શ્રીજીમહારાજ કહે છે કે અમે આજ્ઞા કરીએ તો એ બુરાનપુર તથા કાશી જ્યાં મૂકીએ ત્યાં રાજી થકો જાય. સોમચંદભાઈને થાય કે ભગવાન અને ભગવાનના આવા અનાદિ મહામુક્ત અબજીબાપાને આપણે મન અર્પણ કર્યું છે, તેથી તેઓ કહે તેમ મારે રાજી થકી કરવું. તેમનો એવો ભાવ જોઈ એક દિવસ વૃષપુરમાં મુક્તરાજ બાપાશ્રીએ સભામાં પૂછ્યું કે અમારે ભૂજમાં નિર્ગુણાનંદ બ્રહ્મચારી મહારાજને તાકીદના સમાચાર પહોંચાડવા છે. તે કોણ જાશે ? સોમચંદભાઈ તો આવા પ્રસંગની રાહ જોઈ રહેલા હતા. તરત ઊભા થઈ પ્રાર્થના કરી : ‘બાપા ! આપ આજ્ઞા કરો તો હું જાઉં.’ બાપાશ્રીની આજ્ઞા મળતા ભૂજ જવા નીકળ્યા. તે વખતે હાલના જેવા ડામરના રસ્તાઓ, વિજળી દીવાની સગવડ વગેરે નહિ. ડુંગરાળ રસ્તામાં પગદંડીએ જવાનું. ઉતાવળા ઉતાવળા ભૂજ મંદિર પહોંચી બ્રહ્મચારી મહારાજને સમાચાર કહ્યા. બ્રહ્મચારી મહારાજ કહે : ‘રાત પડવા આવી છે અહીં, સવારે જજો.’ સોમચંદભાઈને મનમાં ઉમંગ, તેથી થયું કે જરા ઉતાવળા ચાલીને પહોંચી જઈશ. તેથી રજા લઈને વૃષપુર જવા નીકળ્યા. ભૂજ શહેર બહાર નીકળ્યા ત્યાં તો અંધારું થઈ ગયું. થોડી વારે તો પગદંડી પણ ન દેખાય તેવું ઘોર અંધારું થયું. તેથી સોમચંદભાઈ નીચે બેસી પગદંડી ગોતવા જમીન પર હાથ ફેરવવા લાગ્યા. એમ ફંફોસતા થોડું ચાલ્યા, ત્યાં એક પથ્થર ઉપર હાથ પડ્યો. એટલામાં એક માણસ ત્યાં થઈ નીકળ્યો. તેને પૂછ્યું કે આ કયું ગામ ? તો કહે : બળદિયા. આમ ભૂજથી નીકળી ૨-૩ કિલોમીટર પણ પણ ચાલ્યા ન હતા ત્યાં પાધરું બળદિયા આવી ગયું. વચ્ચે દવાખાનું કે બારાપર ગામ કાંઈ ન આવ્યું ! ઉમંગમાં ને આશ્ચર્યમાં મંદિર પહોંચ્યા ને ઠાકોરજીનાં દર્શન કરી બાપાશ્રી આવ્યા. બાપાશ્રી કહે : ‘ભગત ! ઊડીને આવ્યા કે શું ?’ આમ રાજીપો બતાવી, મળ્યા. સોમચંદભાઈએ ધન્યતા અનુભવી.

વળી, સં. ૧૯૮૨ની જ સાલમાં આસો માસમાં બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો હતો, તે વખતે સેવાનો લાભ લેવા સોમચંદભાઈ કરાંચીથી વૃષપુર આવ્યા હતા. અતિશય અનુવૃત્તિનું અંગ અને સેવા કરવાની સૂઝ, તેથી બાપાશ્રી અવારનવાર સોમચંદભાઈ ઉપર રાજીપો બતાવે, ને મંદવાડના ખાટલે સૂતા સૂતા પણ પાસે બોલાવી માથે હાથ ફેરવે ને આનંદ આપે.

સોમચંદભાઈને રજા દીધી, પણ તેમનું મન માનતું ન હતું. વૃષપુરથી કરાંચી જવાને બદલે વાંટાવદર ગયા. મુક્તરાજ ભૂરામામાનો સમાગમ કર્યો. બંને અરસપરસ માહાત્મ્ય સમજતા. શ્રીહરિજીની મૂર્તિના આનંદના અનુભવની વાતોની રસલહાણ બંને મુક્તો કરતા સં. ૧૯૮૩ની કારતક સુદ પૂનમે સોમચંદભાઈ વાંટાવદરથી અમૃતલાલભાઈ, શિવલાલભાઈ, આદિ હરિભક્તોની સાથે ફરી વૃષપુર બાપાશ્રીનાં દર્શન-સેવાસમાગમ માટે આવ્યા. મુક્તરાજ ભૂરાભાઈ તથા સરાવાળા મુક્તરાજ મનસુખભાઈએ બાપાશ્રી ઉપર પત્રો લખીને આપેલા તે બાપાશ્રી પાસે વાંચી સંભળાવ્યા. બાપાશ્રીએ અતિશય રાજીપો બતાવ્યો. પત્રમાં શિવલાલભાઈને શરણે લેવાની પ્રાર્થના હતી. સોમચંદભાઈએ પણ પ્રાર્થના કરી. બાપાશ્રીએ ઈશ્વરચરણદાસજી સ્વામી તથા વૃંદાવનદાસજી સ્વામી - એ બંને સદગુરુઓએ સહિત શિવલાલભાઈનો હાથ ઝાલી વર્તમાન ધરાવી, તેમના ગુના માફ કર્યા. તેમનું કાંડું ઝાલીને બોલ્યા : અનંત કોટિ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાન વિના ગુના માફ કરનાર કોણ છે ? એમ કહી બાપાશ્રીએ સોમચંદભાઈની ખૂબ પ્રશંસા કરીને કહ્યું : આ પંડ્યો અમે પ્રમાણ કર્યો છે, તે ઠાવકો પંડ્યો છે. માટે આ પંડ્યાનો ને લાલુભાઈનો જોગ કરજો ને મહારાજની આજ્ઞામાં રહેજો. હરિભક્તોએ બાપાશ્રીની અને સદગુરુઓની ચંદન ચર્ચી ફૂલના હારથી પૂજા કરી; મગફળી, ટોપરાં, ખારેકોના હાર પહેરાવ્યા, ને હથેળીમાં કંકુમ લઈને ભાલમાં મોટો ચાંદલો કર્યો. તે વખતે બાપાશ્રીનું નવીન દર્શન થતું હતું. તેથી સ્વામી વૃંદાવનદાસજી રમૂજે યુક્ત હિંદી ભાષામાં બોલ્યા : ‘અવધૂત જોગી ! કહાંસે આયે હો ?’ ત્યારે બાપાશ્રી બોલ્યા : ‘સૌને વશ કરું રે, સૌનો કારણ હું ભગવાન’ - યહાં સે આયે હૈં, યહ મૂર્તિ હમેરે ખાવંદ હૈ.’ પછી સૌને પ્રસાદી આપતાં બોલ્યા : ‘લ્યો ! લ્યો ! આ પ્રસાદી દુર્લભ છે.’

‘‘નહિ આવે ફેરી, નહિ આવે ફેરી;

આ અવસર નહિ આવે ફેરી.’’

એમ કહી ખૂબ પ્રસન્નતા જણાવી.

શ્રીહરિજીની મૂર્તિમાં રસબસ રહેવારૂપી અનાદિમુક્તની સ્થિતિ તો બાપાશ્રીએ કૃપા કરીને કરાવી જ દીધી હતી, પણ જેમ વધુ રાજીપો, પ્રસન્નતા પામતા ગયા તેમ તેમ તે રસબસભાવે મૂર્તિના નવીન નવીન સુખનો અનુભવ કરવા લાગ્યા અને એથી વધુ ને વધુ રાજીપો - પ્રસન્નતા મેળવવાનો આગ્રહ પણ વધતો ચાલ્યો !