ગઢડા છેલ્લું : ૩૫

અમારા વિના બીજા સર્વેને તુચ્છ જાણે ને પોતાની પ્રકૃતિ મૂકીને અમે ને અમારા સાધુ કહીએ તેમ વર્તે તેને આપત્કાળે પણ અમારો આશ્રય ટળે નહિ. અમે તથા અમારા સાધુ પ્રકૃતિ મરોડીએ ત્યારે અમારો ને સાધુનો અવગુણ ન લે તો સારો ને અમારો ને સાધુનો અવગુણ લે તેના આશ્રયનો ઠા નહિ. જે વિષયનો બળવાન ઘાટ થાતો હોય ત્યારે એમ વિચારે જે આ પદાર્થનો મારે બળવાન ઘાટ છે ને તેમાં હું પ્રવર્તું છું તેમાંથી મને સાધુ મરોડશે ત્યારે મારે ઠીક નહિ રહે એમ પોતાનો નિશ્ચય થાય અને એની પ્રકૃતિને અમે કે સાધુ ન મરોડીએ તો તો એ પાર પડી જાય ને મરોડીએ તો મૂંઝાઈને વિમુખ થઈ જાય. સાધુને વિષે અમે સાક્ષાત્‌ રહ્યા છીએ માટે સાધુના દ્રોહથી અમારો દ્રોહ થાય છે તેથી સંતના દ્રોહનું અધિક પાપ છે. અમારા ઉપર વૈરભાવ રાખીને અમારો દ્રોહ કરે તે દૈત્યનો પક્ષ છે. અમારા ગમતા પ્રમાણે વર્તીને અમારી ભક્તિ કરવી એ ભક્તનો પક્ષ છે. અમને સદા દિવ્ય સાકાર સમજે, અમારી એકાંતિક ભક્તિ કરે, અમારું નામ સ્મરણાદિક કરતા હોય તેને દેખીને રાજી થાય, સ્વભાવનો ત્યાગ કરે પણ અમારા ભક્તના સમૂહથી છેટે ન રહે, સારું પદાર્થ અમારા ભક્તને આપીને રાજી થાય, સરલ સ્વભાવ હોય, વિમુખના સંગની અરુચિ વર્તે, આ છ લક્ષણે યુક્ત હોય તેને વિષે અમે સાક્ષાત્‌ વિરાજમાન છીએ માટે એવા સાધુનો દ્રોહ તે અમારા દ્રોહ તુલ્ય છે ને એવા સાધુની સેવા તે અમારી સેવા તુલ્ય છે. (૨૬૯)