પત્ર : ૫૦
સદગુરુ દેવજીવનદાસજી સ્વામીને અશક્તિ વધુ પ્રમાણમાં છે. અનાજ પંદર દિવસ થવા આવ્યા મુદ્દલ લેવાતું નથી, છતાં શરીરમાં કોઈ પ્રકારની ઉપાધિ નથી. ધ્યાનસ્થ પુરુષ ધ્યાનમાં ઊતરી જાય તેમ અખંડ એક સ્થિતિ બતાવે છે. કોઈ કોઈ વાર જાગ્રત જણાય ત્યારે ‘જય સ્વામિનારાયણ’ કહે, માથે હાથ મૂકે, એમ કરે છે. સૌને સ્વામીશ્રીના મંદવાડમાં નવીનતા લાગે છે. શ્રીજીમહારાજ તથા તેમના મુક્તોની દિવ્ય લીલા છે. એમનું માહાત્મ્ય આ લૌકિક દૃષ્ટિએ સમજાય નહીં. જેમણે શ્રીજીમહારાજ વિના બીજું કાંઈ રાખ્યું નથી તેમને મૂર્તિનું જ અનુસંધાન હોય. મૂર્તિ આકારે રહેનારને મૂર્તિનો આનંદ અને દિવ્ય સુખ હોય. મુક્ત ને મહારાજ અરસપરસ છે. બાપાશ્રીએ વાતોમાં આ મર્મ ઘણાં વચનોથી સમજાવ્યો છે, પણ આ લોકમાં મનુષ્યભાવ જણાવે તે સમજ્યા પછી સદાય દિવ્યભાવ વર્તે. સ. ગુ. ઈશ્વરચરણદાસજી સ્વામી, સ. ગુ. ભગવત્સ્વરૂપદાસજી સ્વામી, સ. ગુ. શ્વેતવૈકુંઠદાસજી સ્વામી, સ. ગુ. વૃંદાવનદાસજી સ્વામી જેવા મહાસમર્થ મુક્તોએ પણ પોતના જીવનમાં જુદા જુદા પ્રકારની મંદવાડની લીલા બતાવી અનેકના આત્યંતિક મોક્ષ કર્યા છે. મુક્તોની સાથે શ્રીજીમહારાજનું દિવ્ય સ્વરૂપ હોય એટલે બધી ક્રિયા મહારાજની પ્રસન્નતારૂપ થાય. એ સેવામાં મોટી મોજ મળે. આપણે આવો દિવ્યભાવ સમજ્યા એ મોટાની તથા મહારાજની કૃપા વડે, નહિ તો ‘ક્યાં જીવ ને ક્યાં જીવન !’ અનંત આવરણ એ મૂર્તિ સુધી પહોંચવામાં છે, તે બધાં આવરણો દૂર કરી પોતાના દિવ્ય મુક્તોએ સહિત પોતે આ લોકમાં દૃષ્ટિગોચર થયા એ તો કેવળ કૃપા. દેહધારીને દિવ્ય મૂર્તિની ભેટ ક્યાંથી થાય ? તેમાં પણ,
‘‘થયા મનોહર રે મોહન મનુષ્ય જેવા,
રૂપ અનુપમ રે નિજજનને સુખ દેવા.’’
એ નિત્ય પ્રત્યે બોલીએ છીએ. આવું દિવ્ય સુખ આપણને પ્રાપ્ત થવામાં એ મનોહર દિવ્ય મૂર્તિની જ કૃપા છે. આપણા અહોભાગ્ય થયા કે બાપાશ્રી ઓળખાણા. તે જ રીતે મૂર્તિના સુખભોક્તા સદગુરુઓ ઓળખાણા, આપણને પોતાના કર્યા, નવાં નવાં સુખ આપ્યાં, અનેક કલ્યાણકારી ચરિત્રો બતાવ્યાં, પોતાના કહી બોલાવ્યા, રમાડ્યા, જમાડ્યા. આ બધું આપણને મૂર્તિનું સુખ આપવા કર્યું. કથા વાર્તારૂપ બ્રહ્મયજ્ઞ તો અખંડ થતા પણ મહામોટા યજ્ઞો કરીને આપણને સૌને પોતાને ઘેર તેડાવ્યા. સૌને સુખડી, શીરા જમાડી આત્યંતિક મોક્ષના કોલ આપ્યા. મૂળીના પાટોત્સવમાં તો ન ભુલાય એવો પ્રતાપ બતાવ્યો. ભૂજ, મૂળી, અમદાવાદ, ગઢપુર જેવા ધામમાં કચ્છી સંઘે સહિત વિચરી, મહારાજનાં પ્રસાદી સ્થળોમાં મહારાજની દિવ્ય સ્મૃતિઓ કરાવી સૌને સુખિયા કર્યા. અનેકને જમાડ્યા, માથે હાથ મૂક્યા, છાતીસરસા ચાંપી મળ્યા. વળી પોતે જ વાતો કરે કે, ‘‘આ મળવું બહુ મોંઘું છે. અક્ષરધામમાં જાય તે મળે. આપણે ધુણીપાણી ભેળા કર્યા હશે.’’ આવાં અનેક વચનો કહી મહિમા સમજાવતા. આપણને એ દિવ્ય લાભ મળ્યો તે કાંઈ સાધારણ વાત નથી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે મહારાજ પ્રગટ થયા તે વખતે જેના જન્મ થયા તેના ભાગ્યનું વર્ણન કોણ કરી શકે ? તેમ આપણા જન્મ સમયમાં બાપાશ્રીનું પ્રગટપણું થયું એટલે અલૌકિક દિવ્ય લાભ સહેજે મળ્યો. બાપાશ્રી કહેતા કે મહાપ્રભુના લાડીલા મળ્યા એટલે આપણાં દારિદ્ર્ય કપાઈ ગયાં. આવો લાભ આપણને મળ્યો છે. આત્યંતિક મોક્ષના આશીર્વાદ મળ્યા છે, તે સંભારી સદાય આનંદમાં રહેવું. મૂર્તિમાં રાખ્યા છે એ આશીર્વાદમાં તો બધુંય આવી ગયું. કાંઈ બાકી ન રહ્યું, એવી કૃપા થઈ છે. આવી પ્રસન્નતાનું બળ રાખી સદાય આનંદમાં રહેવું.