ગઢડા મધ્ય : ૨૧

કેવળ વર્ણાશ્રમ ધર્મે કરીને સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે. અમને સર્વ કર્તાહર્તા જાણે તો જ કલ્યાણ થાય. જેમ રામ, કૃષ્ણાદિક પરોક્ષ અવતાર થયા છે તેમને વૈકુંઠ, ગોલોકના પતિ જાણે છે અને તેમના ભક્તોને તે તે ધામના પાર્ષદો જાણે છે તેમ અમને અક્ષરધામના ધામી સમજે અને અમારા ભક્તોને અમારા ધામના પાર્ષદો જાણે અને અમને સર્વ કર્તાહર્તા જાણે તો કોઈ કાળે કલ્યાણના માર્ગથી પડે જ નહિ. જીવ, વૈરાજપુરુષ ને પ્રધાનપુરુષ એ સર્વેને સ્વપ્ન સૃષ્ટિ તથા સ્વપ્ન સૃષ્ટિના ભોગ તે મૂળપુરુષ દ્વારે અમે સ્ત્રજી આપીએ છીએ અને દેશકાળાદિકનું અમે ચાલવા દઈએ તેટલું જ ચાલે. જેને ગામ, ગરાસ, ધન, દોલત હોય તે દુઃખિયો છે અને ન હોય તે સુખિયો છે. દેવને શ્રદ્ધાએ કરીને ધરતી, વાડી, ગામ, ગરાસ કોઈ આપે તો ભલે પણ આગ્રહપૂર્વક બળાત્કારે પ્રેરણા ન કરવી. જે પોતાને બ્રહ્મરૂપ માનીને પરબ્રહ્મ એવા જે અમે તે અમારી સ્વધર્માદિક અંગે યુક્ત ભક્તિ તથા ધ્યાન, સ્મરણ ને ઉપાસના કરે અને જેટલાં વર્તમાન અમે કહ્યાં છે તેમાં ફેર પડવા દે નહિ તે અમારો એકાંતિક ભક્ત છે. જ્યારે અમે પ્રગટ થઈએ ત્યારે એકાંતિક ભક્તિ પ્રવર્તાવીએ છીએ. બીજા મતોમાં તો એકાંતિક ભક્તિ નથી. (૧૫૪)