ગઢડા પ્રથમ : ૬૩
અમારા નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે અમારું સામર્થ્ય ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય અને પોતાને ભૂંડા ઘાટ થાતા હોય તે ટળે નહિ ત્યારે અમારે વિષે દોષ પરઠે જે મારા ઘાટ કેમ ટાળતા નથી. અમારો પરિપક્વ નિશ્ચય હોય તે એમ જાણે જે આ મહારાજ છે ત્યાં જ અક્ષરધામ ને મુક્ત છે. પોતાને યથાર્થપણે જાણવાની રીત કહી છે. જે પૃથ્વીથી લઈને મૂર્તિમાન મૂળઅક્ષર પર્યંત એકબીજાથી મોટા ને એકબીજાના કારણ ને એકબીજાથી સૂક્ષ્મ ને મૂર્તિમાન કહ્યા છે. એ મૂળઅક્ષરને ધામ નામે કહ્યા છે ને અતિ મોટા કહ્યા છે ને એના એકેકા રોમમાં એટલે તેની કિરણોમાં અસંખ્યાત બ્રહ્માંડ ઊડતાં ફરે છે. એ મૂળઅક્ષરને વિષે અમે સદા વિરાજમાન છીએ એમ કહ્યું છે તે કાંતિએ કરીને રહ્યા છે. અમે અમારી કાંતિએ કરીને એટલે અમારા તેજરૂપ અક્ષરધામ તે દ્વારે કરીને કહી ગયા તે અક્ષરધામ જે મૂળ અક્ષર તથા અનંતકોટિ બ્રહ્માંડ અને તે બ્રહ્માંડોના ઈશ્વરો તે સર્વેને વિશે અન્વયપણે રહ્યા છીએ એવી રીતે મૂળઅક્ષરથી લઈને વિષ્ણુ, બ્રહ્મા, શિવાદિકને વિષે અન્વયપણે રહ્યા છીએ અને તે અમારી કાન્તિરૂપ જે અક્ષરધામ તેમાં કોટાનકોટિ સૂર્યના જેવા પ્રકાશમાન એવા અમારા મુક્તોએ સેવ્યા થકા વિરાજમાન છીએ એવા અતિ સમર્થ ને અતિ પ્રકાશે યુક્ત જે અમે તે જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થયા છીએ, આવો અમારો મહિમા સમજે તેને અમારો અડગ નિશ્ચય થાય ને તે કાળ, કર્મ, માયાના બંધનથી મુકાય છે ને તેને કાંઈ કરવું રહેતું નથી. અમે અનુક્રમે તથા અનુક્રમ વિના પણ મનુષ્યાકૃતિ ધારીએ છીએ. અતિ દૃઢ નિશ્ચયવાળા ભક્તનાં લક્ષણ કહ્યાં છે. અને એવો નિશ્ચય ન હોય તેના કલ્યાણમાં ફેર કહ્યો છે.