સારંગપુર : ૧૪

વૈરાગ્ય, આત્મનિષ્ઠા, પ્રેમલક્ષણા ભક્તિ ને બ્રહ્મચર્યાદિક ધર્મ એ ચાર સાધન સિદ્ધ કરે તે અમારા ધામમાંથી કોઈ કાળે પડે નહિ અને અમારી ઇચ્છાથી જીવોનાં કલ્યાણ કરવા સ્વતંત્રપણે આવે ને જાય. પ્રમાદ ને મોહ એ બે શત્રુને અમારો ભક્ત ખટકો રાખીને ટાળે તો જ ટળે. સ્થૂળ, સૂક્ષ્મ એ બે દેહની જાગ્રત ને સ્વપ્ન અવસ્થાને વિષે એકતા છે. સ્થૂળ, સૂક્ષ્મ બે દેહનું કર્મ સરખું છે પણ જીવને હિંમત દેવા સારુ સૂક્ષ્મ દેહનું પ્રાયશ્ચિત અલ્પ કહ્યું છે પણ જો અલ્પ પ્રાયશ્ચિત ન કરે તો સ્થૂળ દેહના જેટલું કર્મ લાગે. જેને સ્થૂળ તથા સૂક્ષ્મ દેહનું અભિમાન નથી એટલે તેને દેહની વિસ્મૃતિ છે ને કેવળ આત્મસત્તારૂપ એટલે પોતાના આત્માને જ આકારે વૃત્તિ રહેતી હોય ને જગતની કોરે ઉપશમ રહેતું હોય તેને સ્થૂળ, સૂક્ષ્મ દેહનું કર્મ લાગતું નથી. દેહાભિમાનીને કર્મ લાગે છે. અજ્ઞાની જીવ યમપુરીમાં જાય છે. અમારો જ્ઞાની ભક્ત ભાગવતીતનુએ કરીને અમારા ધામમાં રહે છે. (૯૨)