પત્ર : ૧૬૪

‘‘દેહભાવમાં જણાય દુઃખ, મૂર્તિ આકારે વરત્યે સુખ.

સુખમાં ઊતરે સુખ જ થાય, અંતરમાંહી સ્નેહ ઊભરાય.

મૂર્તિમાં છે દિવ્ય આનંદ, સુખ આપે છે આનંદ કંદ.

એના સામી દૃષ્ટિ થાય, પ્રાપ્તિ અલૌકિક તો સમજાય.

મૂર્તિમાં છે મુક્ત અનેક, સૌના કારણ સ્વામી એક.

આશ્રય એનો જે જન કરે, મૂર્તિમાં રહી ધ્યાન જ કરે.

તેને લખવાનું નહિ કામ, ભેળા જાણે પૂરણકામ.

પૂરણ પદવી પામ્યા એહ, એને સમજણ આવી તેહ.

પ્રગટ મળ્યા જેને બહુનામી, ભાંગી જન્મોજન્મની ખામી.

પ્રગટ મૂર્તિ પ્રગટ મુક્ત, દિવ્યભાવે જોવાની જુક્ત.

આંહીંની ઉપમા લાગે ખોટી, વાત મળી જેને બહુ મોટી.

તેના સરિયા સર્વે કાજ, જેને મળિયા શ્રી મહારાજ.

લૌકિકમાં અલૌકિક વાત, મૂર્તિ પામ્યા જે સાક્ષાત્‌.

સુરતી જેની ગગને ચડી, તે તો ભૂલે કેમ એક ઘડી.

અન્યને જુવે નહિ એહ, પામ્યા પ્રાપ્તિ પૂરણ તેહ.

પૂરણ પ્રાપ્ત પૂરણકામ, સદાય સાથે શ્રી ઘનશ્યામ.

મૂર્તિ મનોહર મંગળકારી, તેજોમય છે ભવભયહારી.

એ મૂર્તિમાં રહેવું ગમે બીજું તનમન ચિત્ત ન ભમે.

ચૈતન્ય તો મૂર્તિમાં રહે, મુક્ત અનાદિ તેને કહે.’’