ગઢડા મધ્ય : ૩૯
અમારા એકાંતિક ભક્તને અમારા વિના બીજા પદાર્થનો ઘાટ થાતો નથી ને સ્વપ્નમાં પણ આવતાં નથી ને પ્રવૃત્તિમાં રહ્યા હોય પણ અંતર્દૃષ્ટિ કરે ત્યારે આત્મસ્વરૂપને પામીને પરમ સુખરૂપે વર્તાય ને અમને સદા સાકાર જાણે. જે દંભે કરીને અમારી ભક્તિ કરતો હોય તેના ઉપર રાજી ન થાય ને સાચા ભક્તને દેખીને જ રાજી થાય એવા સ્વભાવિક ગુણ અમારા એકાંતિક ભક્તને વિષે રહ્યા છે. મોટેરા હોય તેને નિષ્કામ વ્રતની અતિશય દૃઢતા કરવી. પરોક્ષ શ્રીકૃષ્ણને દૃષ્ટાંતે કરીને પોતાનો મહિમા કહ્યો છે, જે જેમ દશમસ્કંધમાં અનેક નામે કરીને વાસુદેવના પુત્ર શ્રીકૃષ્ણને જ કહ્યા છે અને સર્વકર્તા કહ્યા છે તેમ વચનામૃત, સત્સંગિજીવન, સત્સંગીભૂષણ, હરિલીલા કલ્પતરુ, હરિદિગ્વિજય આદિક સાંપ્રદાયિક ગ્રંથોમાં નારાયણ, વિષ્ણુ, પરમાત્મા, પુરુષોત્તમ, વાસુદેવ નરનારાયણ, નીલકંઠ, હરિ, હરિકૃષ્ણ, શ્રીકૃષ્ણ, ઘનશ્યામ, સહજાનંદ, નારાયણ મુનિ, બ્રહ્મ, પરબ્રહ્મ, પૂર્ણબ્રહ્મ ઇત્યાદિક વિશેષણોએ કરીને સાક્ષાત્ દિવ્યવિગ્રહ સદા સાકાર મૂર્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાન જે અમે તે અમને જ કહ્યા છે એમ જાણવું. પંચમસ્કંધમાં જેમ એ શ્રીકૃષ્ણ ભગવાનનું માહાત્મ્ય કહ્યું છે તેમ અમારા સાંપ્રદાયિક સર્વે ગ્રંથોમાંથી અમને સર્વ કર્તા સમજવા. સર્વેને આત્યંતિક મોક્ષરૂપી સુખ દેવાને અર્થે અનેક પ્રકારે અનંત બ્રહ્માંડમાં મૂર્તિઓ ધારણ કરીને ધર્મ મર્યાદા બાંધીએ છીએ. તેમાં જે રહે તે અતિ મોટપ પામે ને તે મર્યાદા લોપે તો અતિ મોટા હોય તે પોતાની સ્થિતિમાંથી પડી જાય છે ને સાધારણ હોય તે અધોગતિને પામે છે. અમારા જન્મ, કર્મ દિવ્ય છે તે અમારા ચરિત્રનું ગાન, શ્રવણ કરે તે સર્વ પાપથી મુકાઈને પરમપદ જે અમારું અક્ષરધામ તેને પામે છે. સર્વ નામના નામી, સર્વ અવતારોના કારણ અવતારી અને મૂળપુરુષ જે ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ, મૂળઅક્ષરકોટિ ને તેથી પર જે અમારા મુક્ત તે સર્વથી પર ને તે સર્વના નિયંતા પ્રત્યક્ષ અમે જ ભગવાન છીએ. આવી રીતે અમારો મહિમા જાણીને નિષ્ઠા રાખે તે અંતે અક્ષરધામને પામે છે. (૧૭૨)