શ્રીસ્મરણાંજલિ

સંવત બે હજારને વીસના, માગશરની સુદ ચોથ;

બુધવારે પાંચ વાગે સવારે, લીધી શ્રીજી કેરી ઓથ;

સોમચંદભાઈ તમો રે, સદા મૂર્તિમાં રમો રે. ટેક. ૧

બે બહેનોને સાથમાં લીધાં, ગયા સાંઢાસાલ ગામ;

એકાંતનો તમે આશરો લીધો, કરવા ધાર્યું જે કામ. સો. ૨

પત્ર લખ્યો તમે પ્રેમથી સૌને, આવશોમાં કોઈ આંઈ;

શ્રીજીમહારાજ સારું કરી દેશે, ફિકર ના કરો કાંઈ. સો. ૩

કોઈને લખ્યું અમે આવશું, તમારે ત્યાં જરૂર જરૂર;

રોમે રોમે રહી મૂર્તિ ભેળા, જરી રહ્યા નહીં દૂર. સો. ૪

જાવા ધાર્યું જ્યારે અક્ષરધામે, શ્રીહરિ દાસાનુદાસ;

નાહીને મોકલ્યા ના’વા સહુને, બેનને રાખ્યા પાસ. સો. ૫

શોળે ને બોળે છેક સુધી, તમે પાળ્યું કરીને પ્રીત;

ધાબળી પહેરીને ધામમાં પધાર્યા, વાટ જોતા જેની નિત. સો. ૬

વાયદો દીધો સાજા તાજા, આવશું સૌની પાસ;

દયા ન આવી દિલમાં, અમો નાખતા રહ્યા નિસાસ. સો. ૭

ગમતું કીધું શ્રીજીનું એક તમે, સુણ્યું અમારું ના કાંઈ;

દીનદાસ કહે રાખજો ભેળા, સદાય મૂર્તિ માંઈ. સો. ૮