જેતલપુર : ૫

સર્વ સાધન કરવાથી અમને ભજવા એ મોટી વાત છે. અમારું જ કર્યું સર્વે થાય છે. અમારે પ્રતાપે કરીને આ સભાનું કર્યું પણ થાય. અમને ભજવામાં કસર રહે તેટલી બરકત થતી નથી. અમે તો અમારા સત્સંગીને સર્વ પીડાથી રહિત કરીએ છીએ. આંહીં બેઠા થકા સર્વેને જાણીએ છીએ. અમે ભગવાન છીએ અને મહાપાપી જીવ અમારે આશરે આવીને ધર્મ, નિયમમાં રહે તેને અમારું અક્ષરધામ પમાડીએ છીએ. અમે પાખંડી મતનું ખંડન કરવા, અધર્મના વંશનો નાશ કરવાને, ધર્મના વંશને પુષ્ટ કરવાને, ધર્માદિક અંગે સહિત ભક્તિને પૃથ્વીને વિષે વિસ્તારવા, ધર્મ-ભક્તિ થકી પ્રગટ થઈને આ સભાને વિષે વિરાજીએ છીએ. અમને મેલીને બીજા દેવને ભજે તે જારને ભજે તેમ છે. અમે આ અમારા સંત સહિત જીવોનાં કલ્યાણ કરવાને અર્થે પ્રગટ થયા છીએ. અમારા વચનમાં રહેશો તો અમારા ધામમાં તેડી જઈશું અને તમે પણ તમારું કલ્યાણ થયું છે એમ જાણજો. અમારો દૃઢ વિશ્વાસ રાખશો ને અમે કહીએ તેમ કરશો તો ઊગર્યાનો આરો નહિ હોય એવા કષ્ટમાં પણ રક્ષા કરશું. સત્સંગ નહિ રાખો ને નિયમ નહિ પાળો તો અમારે તમારે લેવાદેવા નથી. આ જેતલપુરગામ, સરોવર તથા સીમ જેવું રમણ સ્થળ કર્યું છે તેવું કોઈ કર્યું નથી. આ દેવો નિત્યે અમારાં ને આ સભાનાં દર્શન કરવા આવે છે એવી રીતે સભાની પ્રશંસા કરી છે. (૨૩૪)