પત્ર : ૨૪
આપણે વ્યવહારમાં રહી મોક્ષ સિદ્ધ કરવો છે, એ અનુસંધાન કાયમ રાખવું. આગળના મુક્તોએ આપણને પોતાના વૃત્તાંત બતાવી દીધાં છે. આ લોકમાં જે કામ માટે આપણે આવ્યા છીએ તે પૂરું કરી લેવું. વડતાલની સભામાં વડોદરાના શાસ્ત્રીઓએ શ્રીજીમહારાજને કહ્યું કે, ‘‘મહારાજ ! તમે મોટા માણસને ચમત્કાર દેખાડો તો ઘણો સમાસ થાય.’’ તેના ઉત્તરમાં મહારાજ કહે : ‘‘અમારે મોટા માણસ સાથે ઝાઝું બને નહિ, કેમ કે તેને રાજ્યનો ને ધનનો મદ હોય અને અમારે ત્યાગ ને ભક્તિનો મદ હોય તેથી કોઈ કોઈને નમી દે તેવું કામ નથી. અમારે તો નેત્ર મીંચીને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીએ તેમાં જેવું સુખ છે તેવું ચૌદ લોકનાં રાજ્યમાં સુખ નથી.’’ આ વચન શ્રીજીમહારાજે વડતાલના ૧૬મા વચનામૃતમાં કહ્યાં છે. એ અનુસંધાન આપણે રાખીએ તો મૂર્તિના ધ્યાનમાં કાંઈ બાકી રહેતું નથી, એમ સમજાય. સ. ગુ. શ્રીગોપાળાનંદ સ્વામી કહે છે કે અમે તો મૂર્તિ વિના કાંઈ દેખતા નથી. સ. ગુ. શ્રીગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અમે તો મૂર્તિ ભૂલીએ તો તાળવું ફાટી જાય. અ. મુ. પર્વતભાઈએ તથા અ. મુ. બાપાશ્રીએ તો મૂર્તિ વિના કાંઈ દેખતા નથી એવા સમ ખાધા છે. તેથી એ માર્ગ સનાતન છે, ને અનાદિ છે.