પત્ર : ૮૭

આપણે શ્રીજીમહારાજને રાજી કરીએ તેમાં બધાં આવી જાય, પણ મોટા મુક્ત શ્રીજીમહારાજના હજૂરી પૃથ્વી ઉપર પ્રત્યક્ષ વિચરતા હોય ત્યારે તેમની પ્રસન્નતામાં મહારાજ વધુ રાજી થાય છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી તથા સદગુરુ નિર્ગુણદાસજી સ્વામી આદિ સદગુરુઓએ તેમના બોધવચનમાં ઘણે ઠેકાણે આ રહસ્ય સમજાવેલ છે. અ. મુ. અબજીબાપાએ પણ પોતાની વાતોમાં મહારાજ તથા મુક્તોનો મહિમા ઘણો સમજાવેલ છે, કેમ કે મોટા પુરુષને આવરણ ભેદ્યાની ગતિ છે. એટલે મુમુક્ષુને શ્રીજીમહારાજ પાસે પહોંચાડવામાં એમની સહાયતા લેવી પડે છે. મચ્છરથી કેટલું ઉડાય ! પણ ગરુડની પાંખમાં બેસતાં કાંઈ પણ પ્રયાસ વિના ઉડાય ! તેમ મોટા પુરુષને વિષે આત્મબુદ્ધિ રાખતા આત્યંતિક કલ્યાણરૂપ કાર્ય બહુ સુગમ થાય છે :

‘‘મુક્તાનંદ કહે હરિ - હરિજનની ગતિ છે ન્યારી.

માયાનો જન તો જ મટે જો હરિજન શરણે જાય;

બ્રહ્માનંદ કે વાર ન લાગે તરત જીવ શિવ થાય.’’

અ. મુ. બાપાશ્રી કહે છે કે મહાપ્રભુના લાડીલા મળ્યા એટલે આપણાં દારીદ્ર કપાઈ ગયાં. આ રીતે બધા મુક્તોના અભિપ્રાય જણાય છે. શ્રીજીમહારાજ પોતે પણ એમ કહે છે કે અમારા સંત બ્રહ્મસ્વરૂપ વર્તે છે, એવા સંત મોક્ષમાર્ગમાં સેવ્યાથી મારી સેવા થઈ માનું છું. આ રીતે આત્યંતિક મોક્ષ થવામાં શ્રીજીમહારાજ તથા મોટા મુક્ત બેની દરેક સમયે જરૂર રહે છે. આપણને એ વાત બરાબર સમજાણી છે, તેથી સદાય આનંદમાં રહેવું. અક્ષરધામના ધણી શ્રી પુરુષોત્તમ નારાયણ આપણા ભાગ્યમાં આવ્યા, આપણા કપાળે એમનો ચાંદલો થયો, આપણા પર એ કૃપાળુની અમૃતનજર પડી, આપણા પર તેમના સદાય અભય હાથ છે - એથી અધિક જાણવા-પામવાનું કાંઈ નથી.