• દિવ્ય પમરાટ (ખુશ્બો) (વિભાગ - ૫)
કોઈ વાર સોમચંદભાઈ હેતવાળા હરિભક્તોની રમૂજમાં પરીક્ષા કરી લેતા. એક હરિભક્ત સોમચંદભાઈને ગામની ભાગોળ સુધી વળાવવા માટે ગયા. તેમણે માત્ર બંડી ને ટૂંકું ધોતિયું પહેરેલા. ગામની બહાર પહોંચ્યા તો ય સોમચંદભાઈએ એમને પાછા વળવા ન કહ્યું. તે તો ચાલતા ચાલતા છેક રેલવે સ્ટેશને પહોંચ્યા. ત્યાં પહોંચી કહે : બે ટિકિટ અમદાવાદની લઈ આવો ! પેલા હરિભક્તને એમ કે હમણાં બીજા કોઈ સેવક આવવાના છે તેની રાહમાં આડું અવળું જોયા કરે. સોમચંદભાઈ કહે : કોની રાહ જુવો છો ? કોઈ આવવાનું નથી, આ બે ટિકિટ તો આપણા બેની છે ! થયું ! ગાડી આવી, ને બંને જણા તેમાં બેસી અમદાવાદ ઊતર્યા. ત્યાં પહોંચી કહે : બે ટિકિટ પંડોળીની લઈ આવો ! પેલા હરિભક્ત હતા વિશ્વાસુ, તેથી તેઓ તો તરત ઊપડ્યા. થોડે દૂર ગયા ત્યારે સાદ પાડી પાછા બોલાવ્યા. કહે : એક ટિકિટ લાવો ને તમારી એક ટિકિટ તમારા ગામની લાવો. તમે આ પહેરેલે લૂગડે કેવાક આવવા તૈયાર થઈ જાવ છો તેની પરીક્ષા કરી, ને તેમાં તમે પાસ થયા.
કોઈ હરિભક્ત માંદા હોય, તકલીફ હોય તો સોમચંદભાઈ તેમની ખૂબ ખબર-અંતર રાખતા-રખાવતા. એક વખત એક હરિભક્તને ગાંઠ થયેલી ને એટલો સખત દુખાવો કે પડખું પણ ફરાય નહિ. કોઈ હરિભક્તે આવી સોમચંદભાઈને આ સમાચાર દીધા. તેમણે તરત કાળી દ્રાક્ષ મંગાવી તેને ઘસીને ચોપડવા મોકલાવી ને બીજે દિવસે તે ભાઈના ખબર જોવા તેમના ગામ પણ પધાર્યા.
કોઈ હરિભક્તોમાં તકરાર - કજિયા થાય તે સોમચંદભાઈને સહેજ પણ પસંદ નહિ. જો તે હરિભક્તો પોતાનું માને તેમ હોય તો તો સમજાવી સંપ કરાવે, જો ન સમજે તેમ હોય તો તેવી જગ્યાએ જવાનું જ ટાળે. એક વખત સોમચંદભાઈ પોતાનાં બહેન સાથે એક ગામ જવા નીકળ્યા. રસ્તામાં જાણ થઈ કે ગામમાં તો આગલી રાત્રે બહુ કજિયો થયો હતો. સોમચંદભાઈ તે જ વખતે ગાડીમાંથી ઊતરી ગયા. પાછા વળવાની ટ્રેન ચાર કલાકે મળી ત્યારે તેમાં બેસી પાછા વળી ગયા, ને જે ગામ જવા નીકળ્યા હતા ત્યાં ન જ ગયા.
સોમચંદભાઈ મંદવાડમાં પણ રમૂજ કરી હરિભક્તોને હસાવતા. એક વખત એક હરિભક્ત કહે : હું તમારી સેવા માટે નવરો થઈને બેઠો છું માટે મને જરૂર પડે ત્યારે તેડાવજો. ત્યારે સોમચંદભાઈ કહે : તેડાવવા પડે સારું કે ન તેડાવવા પડે તે સારું ? હરિભક્તને સેવાની બહુ ઇચ્છા છતાંય એમ જ જવાબ આપવો પડ્યો કે ન તેડાવવા પડે તે જ સારું !
સોમચંદભાઈ જ્યાં જ્યાં પધારે ત્યાં સમૈયા જેવો આનંદ વર્તવા માંડે. કોઈ વાર તો હેતવાળા હરિભક્તોનો સંઘ લઈને નીકળે. તે રીતે એક વાર હળવદ પાસે ઘાંટીલાથી ટેલિફોન કરી બાજુના ગામ જેતપુર જણાવ્યું કે અમે સંઘ લઈને તમારે ગામ આવીએ છીએ, જાગતા રહેજો. ત્યાંના હરિભક્તો પણ એવા વિશ્વાસુ ને હેતવાળા કે ગામમાં વિજળીની લાઇટો નહીં, તેથી પેટ્રોમેક્ષો પ્રગટાવી બાઈ-ભાઈનાં મંદિરોમાં સૌ રાહ જોઈ રહ્યા. સંઘ લઈને સોમચંદભાઈ પધાર્યા ને કીર્તન-ધૂનની રમઝટ અને સભામાં કથા-વાર્તાની અમીવર્ષામાં સૌ કોઈ ભીંજાઈ ગયા ! સમય તો જાણે થંભી જ ગયો !
સોમચંદભાઈ એટલે હરિભક્તોને શ્રીહરિમાં આકર્ષી રાખવાનું જાણે કેન્દ્ર ! તેઓ સરસપુરમાં હોય ત્યારે આજુબાજુના ગામના હરિભક્ત દર્શન-સમાગમે આવે તો છેલ્લામાં છેલ્લી બસના સમય સુધી તેમની પાસેથી ઊઠી ન શકે ! કોઈક હરિભક્ત તો નોકરીએથી બારોબાર સમાગમે આવેલા હોય, ને સમાગમ કરી છેલ્લી બસમાં રાત્રે ઘરે જઈ ઠાકોરજી જમાડવાનું બહુ મોડું થતું હોય, તેથી રોજે એવો સંકલ્પ કરે કે આજે તો સાંજની પાંચની બસમાં ઘરે જતું જ રહેવું છે ! પણ સોમચંદભાઈનાં દર્શન-સમાગમથી એટલી શાંતિ થતી કે એમ કરી જ ન શકે ! મોડી રાત્રે જ ઘરે પહોંચી શકે.
એક વખત સોમચંદભાઈ અમદાવાદમાં બિરાજે. નજીકના ગામના હેતવાળા હરિભક્ત આવીને કહે : અમારા ગામના એક સેવાભાવી હરિભક્ત બહુ માંદા છે તો દર્શન દેવા પધારશો ? આવા કામ માટે તો પોતે સદૈવ તૈયાર રહેતા હોવાથી પોતે એક પુસ્તિકાનું પ્રૂફ સુધારવાનું કામ તે વખતે કરતા હતા તે મૂકી તરત ઠાકોરજીને થાળ જમાડી, આવેલા હરિભક્ત સાથે તેમના ગામ પધાર્યા. માંદા હરિભક્ત પાસે શ્રીજીમહારાજના મહિમા અને સ્વરૂપનાં કીર્તનો ગાઈ તેમની વૃત્તિ ભગવાનમાં જોડી દીધી. ત્યાંથી નીકળતા સેવામાં રહેલાને ભલામણ કરતા ગયા કે બાર વાગ્યા સુધી સેવામાં બરાબર હાજર રહેજો. તે પ્રમાણે રાત્રે બાર વાગ્યે સેવામાં રહેલા હરિભક્તે સંત રસિકદાસજી કૃત ‘માળા’ ગાઈ. તે માળા પૂરી થઈ કે તરત તે હરિભક્તે દેહ મૂકી દીધો ! સોમચંદભાઈએ પણ અમદાવાદમાં તે વખતે (રાતના બાર વાગ્યે) પોતાની પાસેના હરિભક્તને જણાવ્યું કે જેમની પાસે અમે આજે ગયેલા તે હરિભક્ત અત્યારે દેહ મૂકી ગયા.
એક હરિભક્તને સોમચંદભાઈને પોતાના ગામ અને પોતાના ઘરે તેડી જવાનો અંતરમાં ખૂબ જ ભાવ હતો. તેમનો ભાવ જોઈ સોમચંદભાઈએ તેમને ચાર દિવસ પછી રવિવારે સવારે ગાડું લઈને તેડવા આવવા કહ્યું. પેલા હરિભક્ત પોતાના ગામ ગયા ને વરસાદ શરૂ થયો, તે સતત ચાર દિવસ વરસ્યો. પેલા હરિભક્તને તો સોમચંદભાઈને તેડી લાવવાનો આગ્રહ બહુ હતો, તેથી વરસાદ હોય તો ય ગાડી ઉપર તાડપત્રી બાંધીને પણ તેડી લાવવાનો સંકલ્પ કર્યો, પણ રવિવારે સવારે વરસાદ રહી ગયો. ગાડું લઈને તે હરિભક્ત તો તેડવા ગયા. આ દરમિયાન સોમચંદભાઈ જે ગામ હતા તે ગામના હરિભક્તો કહે આવા વરસાદમાં કોણ તેડવા આવશે ! શા માટે ઠાકોરજીના થાળ વહેલા કરો છો ? પણ સોમચંદભાઈ તો જાણતા હતા કે હમણાં ગાડું આવી પહોંચશે. તેઓ તો ઠાકોરજીને થાળ કરી તૈયાર થયા ને તે હરિભક્ત ગાડું લઈને આવી પહોંચ્યા ! તેમની સાથે સોમચંદભાઈ તેમના ગામ પધાર્યા. મંદિરમાં સભા થઈ. શ્રીજીમહારાજના મહિમાની ને જ્ઞાન-વૈરાગ્યની વાતોથી એવા તો સૌને રીઝવી દીધા કે તે સભા સતત છ કલાક ચાલી ! ગામના હરિભક્તોને આનંદ આનંદ થઈ ગયો.
પોતાના હેતવાળા હરિભક્તોને સોમચંદભાઈ શિખામણનાં વચન કહી સતત ખટકો રખાવે. કહે : ‘આપણે આ લોકના ડોડ, ડહાપણ, કોઠારા, પંચાત વગેરે મૂકીને શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહેવા માંડે તેવા જ ઉપાયો હરહંમેશ કરવા ને ધ્યાન-ભજન કર્યા કરવું. ‘‘પ્રેમાનંદ ઠરીને બેઠા ઠારણે’’, તેમ શ્રીજીમહારાજની મૂર્તિમાં ઠરીને બેસવું, બીજે ક્યાંય કલ્યાણ માટે ધોડા કરવા નહિ.
સોમચંદભાઈ એવા અપરિગ્રહી હતા કે કોઈની પાસેથી કશું જ લે નહિ. કદાચ કોઈ બહુ ભાવથી કાંઈક લઈને આવે તો તેને કાંઈ ને કાંઈ દઈને તેનું સારું થાય તેમ કરે. એક વાર કોઈ હરિભક્ત સોમચંદભાઈનાં બહેન દિવાળીબા માટે સપાટ (પગરખાં) લાવ્યા. સોમચંદભાઈ કહે : ‘કેટલા પૈસા આપે ?’ તેઓ કહે : ‘મારે સેવા કરવી છે.’ સોમચંદભાઈએ દિવાળીબા પાસેથી પૈસા લઈ તે વખતે હાજર મુક્તોની હાજરીમાં પાછા દિવાળીબાના હાથમાં આપ્યા, ને કહ્યું કે, ‘બેય હાથમાં ભેગા કરીને પૈસા ખખડાવીને એમને આપો !’ આ રીતે વસ્તુ લાવ્યા તેના પૈસા ય દીધા ને સંભારણું કરી દીધું.
કોઈ હરિભક્તના ઘરે વિવાહ કે કારજ જેવા પ્રસંગે જમવા માટે ઘણા માણસો આવે તેમ હોય, ત્યારે સોમચંદભાઈ શ્રીજીમહારાજની પ્રસાદીની છપૈયાની ચરણરજ તે હરિભક્તને આપે, ને કહે કે આ તમારે ત્યાં જે મીઠાઈ બને તેમાં નાખજો, જેથી જે જમે તેનો મોક્ષ થાય !
સં. ૧૯૯૯ના જન્માષ્ટમીના સમૈયે સદગુરુ સ્વામીશ્રી વૃંદાવનદાસજી મૂળી પધાર્યા હતા. સોમચંદભાઈ સેવામાં સાથે હતા. તે વખતે સ્વામીશ્રીએ સોમચંદભાઈને આજ્ઞા કરી કે રામપુરાના હરિભક્તોને પોષણ આપવા તમારે રામપુરા જવું. સમૈયા પછી સોમચંદભાઈ રામપુરા ગયા, મંદિરમાં ઊતર્યા, સાંજે આરતી પછી હરિભક્તોની સભા થઈ. તેમાં સોમચંદભાઈ સ. ગુ. ભૂમાનંદ સ્વામીશ્રીનું કીર્તન :
‘‘કહું વાત અલૌકિક રે, સાંભળ સૈયર મારી,
મુક્તિના માર્ગની રે, ઉઘાડી દઉં બારી.’’
- આ કીર્તનનાં આઠ પદ બોલ્યા. ગામના હરિભક્તોને તો પહેલો જ પ્રસંગ હતો. પછી તો સોમચંદભાઈએ શ્રીજીમહારાજના મહિમા-પ્રતાપની વાતો કરવા માંડી ને હરિભક્તોને આનંદમાં તરબોળ કરી દીધા.
એ જ રીતે વસંતપંચમીના સમૈયે મૂળીમાં સદગુરુ સ્વામીશ્રી શ્વેતવૈકુંઠદાસજીએ સોમચંદભાઈને સ્નેહને લીધે આગ્રહપૂર્વક ભલામણ કરી કે ગામ અંકેવાળિયા (મોટા)ના હરિભક્તોને પોષણ મળે તે માટે તમારે ત્યાં જવું. મહા સુદ સાતમે ધ્રાંગધ્રા - જસાપુર થઈ મોટા અંકેવાળિયા પધાર્યા. ત્યાં જઈ મહા સુદ આઠમથી સાત દિવસ સુધી વચનામૃત (રહસ્યાર્થ)ની પારાયણ પોતે વાંચી અને શ્રીજીમહારાજનો દિવ્યભાવ તથા અનાદિ મુક્તની સ્થિતિ સમજાવી હરિભક્તોને સુખિયા કરી દીધા. ગામના કૂવામાં - તળાવમાં, આજુબાજુના ગામે જતાં રસ્તામાં કૂવા - તળાવ - વાવમાં શ્રીજીમહારાજની ચરણરજની પ્રસાદી પધરાવી, તેનું પાણી પીવે તે સૌ જીવોનું શ્રીજીમહારાજ રૂડું કરે તેવો શુભ સંકલ્પ કર્યો ને મુક આશીર્વાદથી સૌને ન્યાલ કરી મૂક્યા. તે જ રીતે નારીચાણા - ખાંભડા - ધોળી - મેથાણ વગેરે ગામોમાં હરિભક્તોને દિવ્ય સુખના સમૈયામાં ઝીલાવ્યા.
કોઈ હરિભક્ત શ્રીજીમહારાજનાં કીર્તન બનાવતા હોય તો તેમને સોમચંદભાઈ પોષણ આપે, તેમનાં કીર્તન સાંભળી રાજી થાય, નવાં નવાં કીર્તન કરવાની પ્રેરણા આપે. કોઈ હરિભક્ત વચનામૃતને કાવ્યમાં રૂપાંતર કરે છે તેવું જાણે તો તેમને બોલાવી તેમની તે કાર્ય માટે પ્રશંસા કરે, ને નવો ઉત્સાહ રેડે. સમૈયો હોય કે સભા ભરીને બેઠા હોય ત્યારે તે કવિ હરિભક્ત પાસે તેમના બનાવેલાં કીર્તન ગવરાવી સભામાં હાજર રહેલા મુક્તોને સંભળાવી રાજી કરે.
જળઝીલણી એકાદશીના સમૈયે હેતવાળા હરિભક્તોને લઈને સોમચંદભાઈ ગઢડા દર્શને જતા. પોતાના હેતવાળા હરિભક્તોને અગાઉથી પત્ર લખી જણાવેલું હોય તેથી ઘણાં હરિભક્તો આ લાભ લેવા ગઢડા આવી પહોંચે. સોમચંદભાઈ પોતે મોજમાં આવી કીર્તન બનાવે ને સૌને આનંદ કરાવે. અમદાવાદથી સંઘ આવે, ને ગવરાવે :
શ્રીપુરનો સંઘ આવીયો રે,
ઝાલાવાડી પણ સાથે રે, વાલમજી વહેલા વહેલા પધારજો !
આમ કીર્તનો ગવરાવતા મંદિરે, દાદા ખાચરના ઓરડે, લક્ષ્મીવાડીએ, ઘેલા ગંગાએ - દર્શન કરવા જાય. ગાડાં જોડાવી રાધાવાવ, સદગુરુશ્રીના સ્મારકરૂપ છત્રીઓ, સહસ્રધરો, વગેરે સ્થળે દર્શન કરે. સહસ્રધરામાં જળની ધારાઓની અંદરના ભાગમાં બેસારી સૌ હરિભક્તો સાથે સ્નાન કરે. ગળા સુધી પાણીમાં બેસારી કલાક - કલાક ધ્યાન કરે - કરાવે. સૌ હરિભક્તોને આનંદ - કિલ્લોલ થઈ જાય.
એક વખત સોમચંદભાઈ ટીંબા પધારેલા. ત્યાંના હરિભક્તના ભાઈ પાસેના ટુવા ગામ રહે. તેમને સોમચંદભાઈને પોતાના ઘેર તેડી જવાનો ભાવ હતો. સોમચંદભાઈને થયું કે તેમનો ભાવ સાચો છે, તો તેનું સંભારણું કરીએ તો તે હંમેશ યાદ કરે. તેમણે માણસ મોકલીને રામપુરા સમાચાર કહેવરાવ્યા કે આખું સત્સંગમંડળ ઝાંઝ-મૃદંગ લઈને ટુવા આવો. રાત્રે બધા હરિભક્તો ટુવા ગયા. ત્યાં કથા-વાર્તા-ધૂન કર્યા પછી તે હરિભક્તના ઘરના ફળિયામાં રાસ ગવરાવ્યા. તે વખતે ટુવાના બીજા હરિભક્તોને ભાવ થઈ આવ્યો કે સોમચંદભાઈ અમારા ઘરે પધારે તો સારું, તેથી છ-સાત હરિભક્તોના ઘરે રાત્રે જ પધાર્યા, કથા-વાર્તા-ધૂન-આરતી-થાળ કરી સૌને રાજી કરી દીધા. આમ ટુવા ગામમાં રાતના બે વાગ્યા સુધી ફરી સૌને મહારાજાના આશીર્વાદથી સુખિયા કર્યા.
કરાંચીના એક અગ્રગણ્ય હરિભક્ત ભારતની આઝાદી પછી રાજકોટમાં આવી વસેલા. તેમને શ્રી સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરીપણાની ઉપાસના હતી, પણ અક્ષરરૂપે થઈ ભગવાનના સન્મુખપણે સાક્ષાત્કારની સમજણ હતી. તેમને સોમચંદભાઈ જોડે ખૂબ ભાવ થઈ ગયેલો, પણ મુક્તો મૂર્તિમાં સળંગ રસબસ રહીને અનાદિ મુક્તની સ્થિતિએ સુખ ભોગવે છે તે સમજણ બરાબર બેસતી ન હતી. તે હરિભક્તને ધામમાં જવાના સાત દિવસ અગાઉ શ્રીજીમહારાજ, અબજીબાપાશ્રી, વગેરેનાં દિવ્ય દર્શન થવા લાગ્યાં. ધામમાં જવાનો એક દિવસ બાકી રહ્યો ત્યારે સોમચંદભાઈ રાજકોટ તેમના ઘરે પધાર્યા. તે હરિભક્ત તો હેતે કરીને સોમચંદભાઈને ગદગદ કંઠ થઈ ભેટી પડ્યા. સોમચંદભાઈને થયું કે હવે છેલ્લામાં છેલ્લી - અનાદિ મુક્તની - સ્થિતિનું જ્ઞાન બરાબર સમજાવી દેવાની ઘડી આવી ગઈ છે. તેમણે તે હરિભક્ત પાસે રહી, આખી રાત શ્રીજીમહારાજના અદભુત પ્રતાપની અને અનાદિમુક્તની અદભુત સ્થિતિની વિગતથી વાત કરી, અને તે સ્થિતિની શ્રેષ્ઠતા સમજાવી. તે વખતે તે હરિભક્તને તે સ્થિતિ જેમ છે તેમ સમજાઈ ને અનુભવાઈ ! કહે : ‘‘મારા વાલીડા ! તમે મારી ઉપર ખૂબ અનુગ્રહ કરી, મારું અજ્ઞાન ટાળ્યું ન હોત તો આ જન્મે કાચું રહી જાત.’’ સવારે સોમચંદભાઈએ જવાની રજા માગી, તો તે હરિભક્ત કહે : ‘‘હવે તમે મને નિર્ભય બનાવી દીધો છે, તેથી કાંઈ વાંધો નથી, પધારો.’’ તે જ રાત્રે તે હરિભક્ત શ્રીજીમહારાજના સુખે સુખિયા થઈ ગયા.