ગઢડા મધ્ય : ૧૭

સાંખ્યમત કહેવા પૂર્વક પોતાનો સિદ્ધાંત કહ્યો છે, જે અમે સર્વેને વિષે અંતર્યામીપણે રહ્યા છીએ પણ આકાશની પેઠે નિર્લેપ છીએ. અમને તત્ત્વે સહિત અને રહિત સમજનાર પાપી છે. અમારે વિષે ભાગ ત્યાગ નથી. અનંત બ્રહ્માંડના આત્મા છીએ અને અમારા સ્વરૂપને વિષે ઉત્થાને રહિત ભક્ત નિર્વિકલ્પ સમાધિવાળો ને સ્થિતપ્રજ્ઞ છે. એને અમે સર્વ પાપ થકી મુકાવીએ છીએ. જેમ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને મુકાવ્યા તેમ. જેમ સાંસારિક સ્વાર્થવાળા સંબંધીનો અવગુણ લેતા નથી તેમ અમારા થકી અભયપદ રૂપી સ્વાર્થ જાણ્યો હોય તેને અમારો અવગુણ આવે નહિ, જેમ શુકજી આદિકને ન આવ્યો તેમ. જેને અમારો અચળ આશ્રય હોય તેની મતિ ભ્રમે નહિ ને અમારા દૃઢ ભક્તને ઓળખે ને પરસ્પર માહાત્મ્ય જાણે, જેમ ઉદ્ધવજી તથા ગોપીઓએ જાણ્યું તેમ. મૂળ અક્ષરાદિક સર્વે ક્ષેત્રજ્ઞના ક્ષેત્રજ્ઞ છીએ તો પણ નિર્વિકાર છીએ. આત્મનિષ્ઠને વિકાર નથી અડતો તો પુરુષોત્તમ એવા જે અમે તે અમને તો અડે જ કેમ ? એમ સમજનાર ભક્તને સ્થિતપ્રજ્ઞ જાણવો. આત્માને વિષે સ્થિતિવાળો સ્થિતપ્રજ્ઞ કહેવાય તેમ અમારા યોગ્ય અયોગ્ય ચરિત્રમાં સંશય ન કરે તેને અમારે વિષે સ્થિતપ્રજ્ઞ જાણવો. (૧૫૦)