દિવ્ય સંભારણાં

સોમચંદભાઈ તણાં સંભારણાં રે,

સુણી સુણી સાંભરે શ્રીજી સુખદાય. સો. ટેક.

બ્રહ્મચર્ય વ્રત પાળ્યું હરિને ગમતું રે,

ઘર જેનું સત્સંગનો સમુદાય. સો. ૧

સંત હરિભક્ત સહુને રાજી કરે રે,

સહુ પર રાખે અખંડ દિવ્યભાવ;

હરિવર સંભારે જે હેતથી રે,

તે સંગ અંતરનો ઉછાવ. સો. ૨

જેને બીજી વાત જરી ગમતી નહિ રે,

વહાલા એક સહજાનંદ સુજાણ;

સત્સંગ રત્નાકર સમ લેખતા રે,

હરિ હરિજન સંગે ઓળખાણ. સો. ૩

મહિમા સ્વામિનારાયણ નામનો રે,

ગાતા ગવરાવતા સહુ સ્થાન;

આવે પોતા પાસે જેહ જાચવા રે,

આપે દિવ્ય મૂર્તિનું દાન. સો. ૪

હરિસંગ હેત ભરેલી એ મૂર્તિ રે,

જોતાં સૌને હેત ઊભરાય;

રસબસ થઈ રહ્યા હરિ મૂર્તિમાં રે,

દીનદાસ સર્વે હરિગુણ ગાય. સો. ૫