પત્ર : ૧૧૩
મહારાજની ને મોટાની કૃપાનો પાર નથી. તે કૃપાના સાગર છે, તેનો જો વિચાર આવે ને મહિમા સમજાય તો વિસાર્યા વિસરે નહિ, તેવી એ દિવ્યમૂર્તિ છે. એવા આપણને ઓળખાણા, તેમણે આપણો હાથ ઝાલ્યો, ટાણે ટાણે રક્ષા કરે એ કાંઈ સાધારણ વાત ન કહેવાય. આપણે પણ સદાય એમને ભેગા ને ભેગા જ રાખવા ને આપણે જન્મસંગાથી એ જ રાખવા. આ લોકની રક્ષામાં તો ઝાઝું ન મળે, પણ જીવને માયામાંથી કાઢી મૂર્તિમાં રાખવા રૂપી ઉપકાર કરવા બીજો કોણ સમર્થ છે ? જીવ શરણે આવે એટલામાં અનંત જન્મનાં કર્મ શ્રીજીમહારાજને ચરણે. આવા અનંત કાળનાં કર્મ બાળવાનું સદાવ્રત શ્રીજીમહારાજે ઉઘાડ્યું. કોઈ અવતારમાં આટલી દયા વાપરી લખાણી નથી. આ અવતારે તો ‘‘જોવા રાખી નહીં જોડ, પુરુષોત્તમ પ્રગટી’’ એવું કર્યું છે.