પત્ર : ૬૮

આપણો હાથ શ્રીહરિએ ઝાલ્યો અને મૂર્તિમાં રાખ્યા છે એ દૃઢતા ખરી છે. પરમકૃપાળુ બાપાશ્રી કહે છે કે અમે તો સૌને મૂર્તિમાં રાખવા આવ્યા છીએ, અમારે એ એક જ કામ છે કે મૂર્તિ આપવી. તેથી કહે છે કે કોઈ મૂર્તિ લ્યો ! કોઈ મૂર્તિ લ્યો ! અમારે ઘેર એ એક વેપાર છે. આવા કૃપાના સમુદ્ર બાપાશ્રીના વચનની દૃઢતા રાખી, પ્રસન્નતાનાં સાધન, ધ્યાન વગેરે કર્યા કરવું, મોટાના બોલ ફરે નહિ. સત્યયુગમાં પણ માણસો ધારતા તેમ થતું ત્યારે આ તો મહારાજના સંકલ્પથી પ્રગટ થયેલા તે એમના વચન પ્રમાણે જ થાય. આપણને સત્સંગમાં સત્સંગ મળ્યો છે તે શ્રીજીમહારાજની મૂર્તિ છે, એને દિવ્ય ચિંતામણિ કહેવાય. પ્રથમના પહેલા વચનામૃતમાં આ વાત મહારાજે પોતે જ કરી છે. સર્વકારણના કારણ સર્વાધાર, સર્વના સ્વામી, સર્વ દિવ્યના દિવ્ય, અવતારના અવતારી, અનંત મુક્તના સ્વામી એવા જે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન મળ્યા તેથી અધિક (જાણવા-પામવાનું) કાંઈ નથી. અત્યારે પ્રતિમાભાવ એમની મરજીથી દેખાય છે, જેમ પ્રથમ મનુષ્યભાવ જણાતો તેમ. મૂર્તિનો અખંડ સંબંધ રાખ્યા કરવો. આપણા પર એમની અમૃત નજર છે, એમના મહામુક્તની કૃપા છે. આપણો એવે સ્થળે જન્મ થયો કે બધું સહેજે બની ગયું. હવે તો એમની મરજી પ્રમાણે સદાય આનંદમાં રહેવું. આજ્ઞા-ઉપાસના બેમાં સાવધાની રાખવી. પ્રાપ્તિમાં પૂર્ણ માનવું ને શ્રીજીમહારાજની પ્રસન્નતાને અર્થે જે કાંઈ બની આવે તે કરવું. મહારાજ કહે છે કે, ‘‘અનંત જન્મના સુકૃત ઉદય થવાના હોય, જેનો આ જન્મે જ આત્યંતિક મોક્ષ થવાનો હોય, તેને આ અમારી મૂર્તિની પ્રાપ્તિ થાય છે.’’ તે તો આપણા ભાગ્યમાં લખાઈ ગયા છે. આપણે મહારાજના ને મહારાજ આપણા, જેથી સદાય આનંદ રાખવો.