અમદાવાદ : ૬

અમે ભગવાન છીએ - સર્વે અવતારોના અવતારી, સર્વેના અંતર્યામી, અક્ષરધામને વિષે તેજોમય, સદા સાકાર, અનંત ઐશ્વર્યે યુક્ત ને અનંત બ્રહ્માંડના રાજાધિરાજ છીએ. અક્ષરબ્રહ્મ જે અમારું તેજ તેના પણ કારણ છીએ. અમારી ક્રિયામાં સર્વે અવતારોનાં ચરિત્ર જોઈને અમને સર્વે અવતારોના અવતારી જાણીને અમારો નિશ્ચય કરવો તોતે નિશ્ચય ડગે નહિ. આજ તમને અમે ભગવાન મળ્યા છીએ. અમે સર્વેના કારણ, અવતારી ને અક્ષરધામના ધામી છીએ. અમે નરનારાયણરૂપે એટલે નરનારાયણને મિષે કરીને ધર્મ ભક્તિ થકી પ્રગટ થયા છીએ તે અમારું રૂપ આ શ્રી અમદાવાદને વિષે પધરાવ્યું છે. અમારા તેજરૂપ જે અક્ષરબ્રહ્મ તે અનાદિ છે ને એને જ અમે બ્રહ્મમહોલ, અક્ષરધામ તથા ગોલોક નામે કહી છે. તે બ્રહ્મધામ તે અપાર છે ને તેને વિષે શોભાનું અધિકપણું છે. એ અક્ષરધામમાં અક્ષરાતીત એવા અમારા મુક્ત રહ્યા છે તે સાકાર, તેજોમય, સર્વના અંતર્યામી છે ને અમારી સેવામાં નિરંતર તત્પર રહ્યા છે. અમે સર્વેના સ્વામી છીએ. આવો અમારો નિશ્ચય હોય તે જ એ ધામને પામે છે. (૨૨૬)