• દિવ્ય પમરાટ (ખુશ્બો) (વિભાગ - ૪)

એક વખત પોતાનાં બહેન દિવાળીબા તેમનાં નાનાં બાળકોના તોફાનથી કંટાળી જઈ એવું બોલ્યાં કે, ‘‘આ છોકરાં તો લોહી પી ગયાં.’’ આ શબ્દ સોમચંદભાઈ સાંભળી ગયા. જમવાનો સમય થયો, ત્યારે તેઓશ્રી કહે : ‘‘આજે મારે જમવાનું નથી.’’ કારણ પૂછતાં ખબર પડી, તેથી દિવાળીબાને પોતાની ભૂલ જણાઈ. તેઓ કહે : ‘‘વાંક મારો છે તેથી મારે ઉપવાસ કરવો જોઈએ, તમારે નહિ. મહારાજ પાસે માફી માગું છું. હવેથી આવું કદીય નહિ બોલું.’’ આમ વર્તનનો દોષ તો નહિ જ, પણ વાણીનો દોષ પણ ન થઈ જાય તેનું સતત ધ્યાન રખાવતા.

એક નિર્મળ - નિષ્કામી હરિભક્ત દંપતી સોમચંદભાઈને ખૂબ પ્રસન્ન કરતું. એક વખત તેમના ઘેર જઈ સોમચંદભાઈએ અનાદિ મુક્તરાજ બાપાશ્રીના જીવનના કેટલાક દિવ્ય પ્રસંગો વર્ણવ્યા. ત્યારે તે બહેનને એવો ઓરતો થયો કે જો આપણે અબજીબાપાશ્રી સત્સંગમાં વિચરતા હતા ત્યારે જન્મ્યા હોત તો આપણને પણ તેમનાં દર્શન- સેવાનો લાભ મળત, પણ હવે શું થાય ? આવા સંકલ્પ કર્યા કરતાં. એવામાં એક વાર ઘરમાં કામકાજ કરતાં એકાએક તે બહેન પડી ગયાં ને બેશુદ્ધ થઈ ગયાં. એ વખતે સોમચંદભાઈ ઘેર પધારેલા હતા, સૌ ધૂન કરતાં કરતાં પંખો નાખવા લાગ્યા. થોડી વારે બહેન શુદ્ધિમાં આવ્યાં ત્યારે કહે : ‘‘તમે બધાં કેમ મને પંખો નાખો છો ?’’ સોમચંદભાઈ કહે : ‘‘તમે પડી ગયાં ને બેભાન થઈ ગયેલાં જાણીને હવા નાખીએ છીએ.’’ ત્યારે તે બહેન કહે : ‘‘હું તો કાંઈ બેભાન નહોતી ! મને તો શ્રીજીમહારાજ અને બાપાશ્રીનાં દિવ્ય દર્શન થતાં હતાં. મને તો આનંદનો પાર ન હતો.’’ એ બહેને સોમચંદભાઈને કહ્યું : ‘‘રાજીપા ને સંકલ્પથી મારો મનોરથ પૂર્ણ કર્યો. એવો આનંદ સદાય વર્તે એવી દયા રાખજો.’’ એ બહેનનું આવું નિર્મળ અંગ જોઈ સોમચંદભાઈ ઘણા રાજી થયા.

એક વખત હરિભક્તો સાથે કચ્છમાં બાપાશ્રી છત્રીએ દર્શને જતા, ભૂજમાં એક બહેનનો મંદવાડ થઈ આવ્યો, ને પેટમાં ચૂંક ને ઝાડા થઈ ગયા. બહેનને એવો તો દુખાવો થાય કે રડવા લાગ્યાં ! સોમચંદભાઈ કહે : ‘‘મહારાજ મટાડી દેશે. તમારું દર્દ કોઈ લઈ લે તો કેવું ?’’ બહેન કહે : ‘‘એમ કોઈ કોઈનું દર્દ થોડું લઈ લે છે ?’’ સોમચંદભાઈ કહે : ‘‘હું તમારું દર્દ લઈ લઉં.’’ ને થોડી વારમાં જ તે બહેનને ઝાડા મટી ગયા ને સોમચંદભાઈએ ઝાડા ગ્રહણ કરી લીધા. બહેનને તો નવાઈ લાગી ને સોમચંદભાઈને વારે વારે નહાવા જતા જોઈઆને આંખમાં અશ્રુ સાથે હસવા લાગ્યાં. સોમચંદભાઈ કહે : ‘‘પહેલાં કેવાં રડતાં હતાં ને હવે કેવાં હસો છો ?’’ ત્યારે બહેન કહે : ‘‘આપ તો સમર્થ છો. આપનો આવો દયાળુ સ્વભાવ જોઈને મારી આંખમાં આંસુ આવી ગયાં ને આપના આવા પ્રભાવથી આશ્ચર્ય થતાં હસી જવાયું.’’ આમ હંમેશ સૌને રાજી કરવાનું ને સુખી કરવાનું જ સોમચંદભાઈને તાન હતું.

કોઈ હરિભક્ત ક્યારેક પાણી ગાળતા બરાબર ધ્યાન ન રાખતા હોય એમ જણાય, તો સોમચંદભાઈ રમૂજમાં કહે : ‘‘પાણી તમને એમ નહિ કહે હું અનગળ રહી જાઉં છું ! માટે કાળજી રાખી પાણી ભરવું. તો મહારાજની આજ્ઞા બરાબર પળે ને મહારાજ રાજી થાય.’’ સોમચંદભાઈની રમૂજ સાથે સમજણના આવા શબ્દો સાંભળી હરિભક્ત હંમેશાં પોતાની ભૂલમાંથી જાગૃત થઈ જતા.

એક વાર કોઈ હરિભક્તના ઘરે સોમચંદભાઈ પધાર્યા હતા. ત્યાં તેમના ઘરના ચોકના કૂવામાં એક નાની વાછરડી પડી ગઈ તેનો ધૂબાકાનો અવાજ થયો. સોમચંદભાઈએ તે જાણ્યું. તરત ત્યાં દોડી જઈને પાસે રહીને કૂવામાંથી તેને બહાર કઢાવી. તેને વર્તમાન ધરાવ્યા ને કહ્યું : ‘મહારાજ આને દશમે દહાડે ધામમાં તેડી જશે.’ દશમે દિવસે વાછરડીએ દેહ છોડી દીધો.

કોઈ હરિભક્તને સોમચંદભાઈએ ધ્યાનની લટક શીખવેલી તે મુજબ ધ્યાન કરતા, ને શ્રીજીમહારાજના સુખનો અનુભવ કરતા. એ અરસામાં કોઈ લગ્ન પ્રસંગવશાત્‌ તેમને ત્રણચાર દિવસ રસોઈયા બ્રાહ્મણે કરેલી રસોઈ જમવી પડી ને પરિણામે ધ્યાનમાં મૂર્તિનાં દર્શન થતાં બંધ થઈ ગયાં ! મૂંઝવણમાં પડી ગયા, ને એવામાં સોમચંદભાઈ આવી પહોંચ્યા. વાત જાણી વઢ્યા. કહે : ‘‘બેત્રણ દિવસ થાળ હાથે બનાવી ન શકાય ? મૂર્તિનો ખપ હોય તો મહારાજની એક એક આજ્ઞા પાળવી પડે. અશુદ્ધ ને અપવિત્ર માણસના હાથની રસોઈ સાધનકાળમાં કેટલી નડે છે તે અનુભવ્યું ને !’’ સવારે નહાઈ, પૂજા કરી સોમચંદભાઈ તે ભાઈને ઉઘાડા ડિલે ભેટ્યા, ને જાણે ચમત્કાર થયો : તેમના અંતરમાં મૂર્તિનાં ફરી દર્શન થવા લાગ્યાં.

એક વખત સોમચંદભાઈ સ્ટેશને જતા હતા. હરિભક્તો વળાવવા જતા હતા. સોમચંદભાઈના સામાનનો કોથળો લઈને ચાલતા ભાઈએ રસ્તામાં કોઈ ઘોડાગાડીનો ઘોડો બેભાન થઈ પડી ગયેલો ને લોકોનું ટોળું ભેગું થઈ ગયેલું તે જોયું. તેઓ જિજ્ઞાસાથી ત્યાં જોવા ઊભા રહ્યા. સોમચંદભાઈ તો બીજા હરિભક્તો સાથે શ્રીજીમહારાજના મહિમાની વાતો કરતા આગળ નીકળી ગયા. થોડી વારે પેલા ભાઈ સામાન લઈ સાથે થઈ ગયા. સોમચંદભાઈ કહે : ‘ભાઈ ! પાછળ કેમ રહી ગયા ?’ તે ભાઈ કહે : ‘ઘોડાગાડીનો ઘોડો બેભાન થઈ પડી ગયેલો તે જોવા ઊભો રહેલો.’ સોમચંદભાઈ કહે : ‘તેને ઊભો કરવામાં મદદરૂપ થયા ?’ પેલા ભાઈ તો સ્તબ્ધ થઈ ગયા. સોમચંદભાઈ કહે : ‘બાળકિયા સ્વભાવનો ત્યાગ કરી ખટકો રાખી સેવા કરે તો જ મહારાજ ને મુક્ત રાજી થાય.’

કોઈ હરિભક્તના ઘરે સોમચંદભાઈ સવારે પધાર્યા તો તે હરિભક્તના મોટા દીકરા નાહ્યા-ધોયા વગર છાપું વાંચવામાં મશગૂલ હતા. સોમચંદભાઈએ હસતાં હસતાં પૂછ્યું, ‘ભાઈ ! પેપરમાં શું સમાચાર છે ?’ તે કહે : ‘ટ્રેન અકસ્માતમાં ૭૫ માણસો મરી ગયા.’ સોમચંદભાઈએ ગંભીર બનીને પૂછ્યું : ‘તેમના આત્માના કલ્યાણ અર્થે મહારાજને પ્રાર્થના કરી ?’ પછી પોતે કલ્યાણકારી સંકલ્પ કરી બોલ્યા : ‘સવારે વહેલા ઊઠી પ્રથમ નાહીધોઈ શ્રીજીમહારાજની પૂજા-ધ્યાન વગેરે કરવું જોઈએ. તે પછી જ વ્યાવહારિક કામકાજ કે અન્ય વાચન થાય.’ આમ પ્રસંગને અનુરૂપ વાત કરી જ્ઞાનોપદેશ કરી દેતા.

એક વખત કોઈ ગામમાં એક સત્સંગી છોકરાને કોઈ સાધુએ સમાધિ કરાવેલી, ત્રણ દિવસ થયા તો ય તેને સમાધિ ઊતરી નહિ. સાધુ પણ મૂંઝાયા. ત્યાં સમાચાર આવ્યા કે સોમચંદભાઈ ગાડીમાં પસાર થવાના છે. હરિભક્તો સ્ટેશને જઈ સોમચંદભાઈને વિનંતી કરી ગામમાં લઈ આવ્યા. સોમચંદભાઈએ એ છોકરાને જોયો, ત્યાં ‘સ્વામિનારાયણ’ નામની ધૂન એક કલાક કરાવી, ને છોકરો સમાધિમાંથી જાગૃત થયો. ગામમાં સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છવાઈ રહ્યો.

કોઈ હરિભક્ત ગાડામાંથી પડી જતા સાથળમાંથી પગનો સાંધો ખડી ગયો, ને ઊભા ન રહેવાય ને ખૂબ પીડા થાય. સોમચંદભાઈ ત્યાં ગયા ને તેમનું દુઃખ જોઈ દ્રવી ગયા. સણાથો (લાકડાનું બે પાંખડાવાળું ખેતીકામનું ઓજાર) બગલમાં રાખીને તેને ટેકે ટેકે ધીરે ધીરે ખેતરમાં મહારાજાની સ્મૃતિ યે સહિત આંટો મારી આવવાનું કહ્યું. તે હરિભક્ત ખૂબ વિશ્વાસુ, તે વચન પ્રમાણે ફર્યા ને દર્દ - પીડા દૂર થઈ ગયા અને બધું ઠીક થઈ ગયું. એવો પ્રતાપ જણાવ્યો.

એક વાર અનાદિમુક્તરાજ અબજીબાપાશ્રીના પુત્ર અ. મુ. કાનજીબાપા સાથે ઘાંટીલાથી હળવદ જતા હતા. સોમચંદભાઈ કહે : ‘ગાડું જોડો.’ સાથેના હરિભક્તો કહે : ‘બસમાં જઈએ.’ પણ સોમચંદભાઈએ ગાડું જોડાવ્યું. હળવદના રસ્તે રાયસંગપર ગામ આવ્યું. ત્યાં એક વૃદ્ધ માજી શ્રીજીમહારાજ ને અબજીબાપાશ્રીના અતિ મહિમાવાળાં હતાં, તેમને ત્યાં દર્શન દેવા પધાર્યા. તે માજીને ઘેર બેઠા ગંગા આવી ! કાનજીબાપાએ માજીનો ભક્તિભાવ જોઈ આશીર્વાદ આપ્યા. સોમચંદભાઈ કહે : ‘બસમાં જાત તો આ માજીને દર્શન-સમાગમનો લાભ મળત ? આ માજીના સારુ ગાડું જોડાવ્યું હતું.’

સોમચંદભાઈ એટલે આત્મનિષ્ઠાની મૂર્તિ. એક વાર દાંતમાં અસહ્ય દુખાવો થયો. કોઈ હરિભક્ત કહે : ‘દાંતના ડૉક્ટરને બોલાવી લાવું.’ સોમચંદભાઈ કહે : ‘ના, કોઈની જરૂર નથી.’ એમ કહી પોતે પોતાના હાથે દાંતને હલાવી હલાવીને મૂળમાંથી ખેંચી કાઢ્યા. લોહી પણ ઘણું નીકળ્યું, પણ પીડાના ભાવ બિલકુલ જણાયા નહિ.

કોઈ વાર સોમચંદભાઈને ટાઇફોઇડ થઈ ગયેલો. એક સેવાપરાયણ, અનન્ય નિષ્ઠાવાળા સત્સંગી ડૉક્ટરને ઘરે રહ્યા. તાવના કારણે ડૉક્ટરી રીતે નહાવાની મનાઈ, પણ પોતે તે મરક મરક હસે, ને નહાય. વળી તેમાં ઝાડા થઈ ગયા ! એક તો નહાવાની મનાઈ તેમાં ૮-૧૦ વાર નહાવાનું થાય ને મુક્તરાજ નહાયા વગર ન રહે. ડૉક્ટર મૂંઝાયા. ડૉક્ટરની મૂંઝવણ જાણી સોમચંદભાઈએ મંદવાડને રજા દીધી ! મોટાનો મંદવાડ કેવળ સેવા ને સમાસ અર્થે જ હોય છે એમ દેખાડ્યું.

કોઈ એક પૂર્વના બળિયા હરિભક્તે બાળપણમાં સદગુરુશ્રી ઇશ્વરચરણદાસજી સ્વામીના મંદવાડ વખતે કીર્તનો ગાઈ બહુ રાજીપો લીધેલો, તેથી તેમને સત્સંગનો રંગ ખૂબ વધેલો. સોમચંદભાઈ તેમના ઉપર ખૂબ રાજીપો બતાવતા ને કહેતા : તમે તો સદગુરુશ્રીના બંદા છો, તમે સદગુરુશ્રીને બહુ રાજી કરી લીધા છે. એમ મોટાના રાજીપાની ફળશ્રુતિ જણાવી.

અનન્ય સેવાભાવી હરિભક્તો ઉપર તો સોમચંદભાઈ રાજી હતા જ, તેમનાં સગાંવહાલાંનું પણ સારું થાય તેવો સંકલ્પ કરતા. કોઈ વાર એવા એક હરિભક્તના સગાં ભાઈએ તેમને કહ્યું : ‘ભલે જાવ, પણ ધામમાં જતા રહ્યા હશે.’ હરિભક્તે વિનંતી કરી કે દેહ મૂકનારને એમ રહે કે આ સમયસર પહોંચ્યા નહિ, તેથી અમે પહોંચીએ તે પછી દેહ મૂકે તો સારું. સોમચંદભાઈ કહે : ‘ભલે, મહારાજ સારું કરશે.’ તે હરિભક્તે તે ગામ પહોંચી એ હરિભક્તની અંતિમ ઘડીએ ભગવાનની સ્મૃતિ રાખ્યા કરવાની વાત કરી ને પાંચ મિનિટે તેમણે દેહ મૂકી દીધો.

કોઈ હરિભક્તનાં પત્ની માંદા થયાં, ને શ્રીજીમહારાજ તથા મુક્તો ધામમાં તેડી જવા પધાર્યા. સાથે સોમચંદભાઈનાં દિવ્યરૂપે દર્શન થયાં. તે બાઈને સોમચંદભાઈ કહે : ‘ધામમાં તો હમણાં જ તેડી જઈએ, પણ અમારા હરિભક્તને રોટલા કોણ કરી દે ? તેમને અડચણ પડે એટલે ધામમાં નથી તેડી જતા.’ એમ કહીને શ્રીજીમહારાજ તથા મુક્તો અદૃશ્ય થઈ ગયા. બાઈ સાજાં થયાં.

સોમચંદભાઈ પોતાના હેતવાળા હરિભક્તોને શિખવવા માટે કહેતા કે અબજીબાપાએ સદગુરુઓને વાત કરેલી કે તમે ગમે તે કરજો, તેમાં શ્રીજીમહારાજ ભેળા જ છે, પણ કોઈ માયિક વસ્તુ માગે તો કહેજો કે તે કાળી વસ્તુ અમારી ઝોળીમાં નથી. સદગુરુઓ તો આ વાત જાણતા જ હતા, પણ તેમના નામે આપણને સમજાવ્યું છે કે તમે અમારા છો તો આ રીતે વર્તજો.

કોઈ હરિભક્તોમાં મિલકતના ભાગ વહેંચાય ત્યારે સોમચંદભાઈ તે કુટુંબમાં સંપ જળવાઈ રહે તેવી રીતે ન્યાયમુક્ત વહેંચણી કરી આપે. જો કોઈ ભાઈના હિસ્સામાં રહેવાનું મકાન ન આવે તો તેને આશીર્વાદ આપી રાજી કરે. જ્યારે તે હરિભક્તને મકાન થાય ને વાસ્તુ લેવાનો પ્રસંગ આવે ત્યારે સ્વાભાવિક રીતે સોમચંદભાઈને તે પ્રસંગે હાજર રહેવા વિનંતી કરે, પણ પોતે તે વખતે હાજર રહેવાનું ટાળે. ‘કુમકુમને પગલે પધારો હરિ, કુમકુમને પગલે’ એ રીતે મહાપ્રભુ તમારે બંગલે દિવ્યરૂપે પધારશે, તેવા આશીર્વાદ લખી મોકલે.

કોઈ હરિભક્ત નવા મકાનમાં રહેવા ગયા હોય ને સોમચંદભાઈને તેડાવાનો અંતરમાં બહુ ભાવ હોય, તો તે અંતર્યામીપણે જાણી જઈ, સરનામું ન જાણતા હોય તો ય પૂછતાં પૂછતાં, અણધાર્યા પહોંચી જાય ! સૌ હેતવાળાને રાજી કરી બળિયા કરે.

કોઈ હરિભક્તનાં સાસુ સત્સંગી નહિ. એક વખત સોમચંદભાઈ તે હરિભક્તને ત્યાં પધાર્યા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની મોટપની વાતો કરી કરીને સત્સંગનો ગુણ અંતરમાં ઘુસાડી દીધો. થોડા વખતે તે બાઈ પોતાને ગામ માંદાં થયાં, અંત સમય આવ્યો. શ્રીજીમહારાજનાં દર્શન થયાં, ને અક્ષરધામનાં સુખ અનુભવવા લાગ્યા ! તે વખતે તેમની પાસે બેઠેલા હરિભક્તોએ અંતવૃત્તિએ સોમચંદભાઈને સંભારી તેમને રાખવા પ્રાર્થના કરી તેથી શ્રીજીમહારાજ તે બાઈને કહે : ‘જુઓ ! અહીં તો તમોને બેસાડવાની જગ્યા જ નથી ! જુવે તો બધી તેજોમય સભા ખીચોખીચ ભરેલી જણાઈ ! બાઈનો જીવ પાછો દેહમાં આવ્યો, ને થોડા વખતે સાજાં થઈ ગયાં.