૧. ઠાવકા પંડ્યા

ભારતના પડવાની કે કોમી હુલ્લડો થવાની હજી કોઈને સ્વપ્ને ય ખબર ન હતી, ત્યારે કરાંચી બંદર એ વેપારધંધાનું વડું મથક હતું, અને કચ્છ-કાઠિયાવાડ-ગુજરાત-સિંધનાં ઘણાં કુટુંબો કામધંધા અંગે કરાંચી આવી વસેલા. ઘણાં મુમુક્ષુઓ અને હરિભક્તો કરાંચીમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન-સમાગમ કરી લાભ લેતા.

વિક્રમ સંવત ૧૯૭૯ એટલે ઇસવી સન ૧૯૨૩. કરાંચીમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરની નજીકના મોટા મકાનમાં ચાલતી રાત્રિશાળામાં આજે અતિ આનંદનો દિવસ છે. નિસ્પૃહીપણે છતાં પોતની ફરજ જાણી ખૂબ મહેનત કરી જમીન ખેડીને તૈયાર કરી હોય ને અનરાધાર વરસાદથી જમીન તરબોળ બની જાય ને ખેડનારને આનંદ-આનંદ થઈ જાય, તેવી આનંદની ઘડી આજે રાત્રિશાળામાં છે. સિંહાસનમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન સભા વચ્ચે બિરાજમાન છે. બાજુમાં, આસન ઉપર શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પથી કચ્છ દેશમાં પ્રગટેલા અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રી બિરાજ્યા છે. રાત્રિશાળામાં ભણનારા સત્સંગી વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ રીતે બેઠેલા છે. તેમના શિક્ષક તો ગરીબડા સ્વભાવના હોવાથી એક બાજુ બેસી ગયા છે. અબજીબાપાશ્રી તો અતિ પ્રસન્ન છે. સૌ વિદ્યાર્થીઓને કહે : ‘‘આજ તો અમે તમારી સૌની પરીક્ષા લઈશું.’’

બોલો, આપણા ભગવાન કોણ ?

વિદ્યાર્થી : શ્રી સ્વામિનારાયણ ભગવાન.

અબજીબાપા : જાઓ, પાસ ! તમે કહો, તે ક્યાં જન્મ્યા ?

વિદ્યાર્થી : છપેયામાં.

અબજીબાપા : જાઓ, પાસ ! ભગવાનને ભાઈ હતા ?

વિદ્યાર્થી : હા.

અબજીબાપા : કેટલા ?

વિદ્યાર્થી : બે ભાઈ. મોટા રામપ્રતાપભાઈ ને નાના ઇચ્છારામભાઈ.

અબજીબાપા : જાઓ પાસ ! ભગવાનનાં મા-બાપનાં નામ આવડે ?

વિદ્યાર્થી : ધર્મપિતા ને ભક્તિમાતા.

અબજીબાપા : જાઓ પાસ ! હેં છોકરાઓ ! તમારા પંડ્યા (શિક્ષક) કોણ ?

સૌ વિદ્યાર્થીઓ : આ સોમચંદભાઈ અમારા પંડ્યા છે.

ત્યારે અબજીબાપાશ્રી અતિ પ્રસન્નતા બતાવી બોલ્યાં : આ ગરીબડા જેવા થઈને બેઠા છે, પણ આ અમારા ઠાવકા પંડ્યા છે. આ પંડ્યાને અમે પ્રમાણ (પાસ) કર્યા છે.

રાત્રિશાળાના એ શિક્ષક શ્રી સોમચંદભાઈ જીવરાજભાઈ મહેતાને અબજીબાપાશ્રીએ અતિ પ્રસન્નતાથી નજીક બોલાવી માથે હાથ મૂક્યા, ને સોમચંદભાઈના રોમ-રોમમાં જાણે અલૌકિક આનંદના ઓઘ વળ્યા !

શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે તેમણે સંકલ્પ કરેલો કે અનંત કોટિ મનવારો ભરી-ભરીને આ જગતના જીવોને અમારી મૂર્તિના સુખે સુખિયા કરવા લઈ જવા છે. પોતાની સાથે આવેલા મુક્તોએ પણ એ જ કર્યું છે. અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રી પણ કોઈ સહેજ સેવા કરે તેટલામાં તેના ઉપર રાજી થઈ મૂર્તિના સુખમાં જોડી દે. પરીક્ષા લેવાના નિમિત્તે સાવ સરળ પ્રશ્નો પૂછી સૌ વિદ્યાર્થીઓ ઉપર પોતાનો રાજીપો ઉતારી, એ વિદ્યાર્થીમાં ધર્મના સંસ્કાર સિંચન માટે ખંતથી જોડાયેલા સોમચંદભાઈ ઉપર અઢળક ઢળી, અનંત જીવોને ભગવાનના સ્વરૂપમાં જોડવાના સેવાયજ્ઞમાં જોડી દીધા.

અનંત જીવોને શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં જોડવાના સેવાયજ્ઞમાં જોડાનારાનું જીવન કેવું હોવું જોઈએ તે માટે પણ શ્રી સોમચંદભાઈનું જીવન ઉદાહરણરૂપ છે.