૫. જ્ઞાનગંગા રેલાવી

શ્રીજીમહારાજની મૂર્તિના સુખના કેફમાં સદાય મસ્તાના રહી સોમચંદભાઈ હવે કરાંચીમાં હરિભક્તોના મંડળને પોષણ આપી રહ્યા હતા. કરાંચીના સૌ મુમુક્ષુઓને એમ લાગે કે સોમચંદભાઈ તો અમારા છે, તેઓશ્રીના કારણે અમને મહામોટો લાભ મળ્યો છે. સોમચંદભાઈ એટલે સૌના આત્મીય; તો ય સૌના સેવક. સૌની ખૂબ ઝીણવટથી ખબર રાખે. સૌને મદદ કરવા સદાય તત્પર અને એકમાત્ર તાન- સૌને શ્રીજીની મૂર્તિમાં જોડવાનું. બાળક જેમ અન્નથી પોષાતું જાય ને મોટું થતું જાય, તેમ હરિભક્તોનું અંગ સોમચંદભાઈના સંગ-પ્રસંગથી નિત્ય વધતું જાય. કોઈ આડંબર નહિ, કોઈ ઘટાટોપ નહિ, બસ સરળતા, ઋજુતા ને સેવાભાવ. ઘરમાં જેમ માની હાજરી જરાય જણાય નહિ, તેનો ઉદ્‌ઘોષ નહિ પણ સૌને હૂંફ તો માની જ હોય, તેમ કરાંચીના સત્સંગને માતૃવત્‌ સોમચંદભાઈની હૂંફ હતી.

સોમચંદભાઈ અવારનવાર કરાંચીના હરિભક્તોને સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામી, વૃંદાવનદાસજી સ્વામી, ભગવત્સ્વરૂપદાસજી સ્વામી જેવા સિદ્ધમુક્તોનાં દર્શને લઈ જાય. એમના સેવા-સમાગમનો સૌને લાભ અપાવે. એવું તેમનું દયાળુ અંગ હતું.

સં. ૧૯૯૫માં સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીનું તેડું આવ્યું. સ્વામીશ્રીનાં દર્શન કરી પાસે બેઠા, ત્યારે સ્વામી કહે, ‘‘બાપાશ્રીનો તમે બહુ લાભ લીધો છે, બાપાએ તમને ઠાવકા પંડ્યાનું પ્રમાણપત્ર આપ્યું છે. હવે અમારી તબિયત સારી રહેતી નથી, અમારે બાપાશ્રીના જીવનના પ્રસંગો લખવાનો સંકલ્પ છે. તે કામ તમોને સોંપું છું.’’ સેવામૂર્તિ સોમચંદભાઈને સેવાની સોનેરી તક મળી આવી. સ્વામીશ્રીની આજ્ઞા શિરસાવંદ્ય ગણી તેની તૈયારી કરી.

ભગવાનની લીલાનું અપારપણું જણાવતાં સત્શાસ્ત્રો કહે છે કે સમગ્ર પૃથ્વી જેવડો કાગળ, દરિયાનાં પાણી જેટલી શાહી ને વૃક્ષમાત્રની લેખિની-કલમ કરીને સ્વયં સરસ્વતી લખ્યા જ કરે તો ય ભગવદ્‌લીલાનો પાર ન પમાય. તેમ ભગવાનના અનાદિ મુક્તોની લીલા પણ ભગવાનના સંબંધે કરીને અપરંપાર છે. એનું લેખન-શોધન-સંપાદન એટલે ભગીરથ કાર્ય. જે કાર્યને વિષે જે યોગ્ય હોય તેને તે કાર્યને વિષે પ્રેરવો - એવી પુરુષોત્તમનારાયણ શ્રીહરિજીની આજ્ઞા છે. બાપાશ્રીના જીવનલેખનના ભગીરથ કાર્ય માટે સદગુરુએ સોમચંદભાઈરૂપી સુયોગ્ય ભગીરથ શોધી કાઢ્યા !

એક તો પોતાને સેવાનું સંપૂર્ણ અંગે અને તેમાં પોતાને સોંપાયેલું શ્રીહરિજીના દિવ્યસુખમાં જોડી દેનારા મહામુક્તરાજનું જીવનવૃત્તાંત તૈયાર કરવાનું હેતભર્યું કામ - એથી સોમચંદભાઈના ઉત્સાહમાં કહેવાનું જ શું હોય ? કેવળ હેત જ નહીં, અત્યંત સૂક્ષ્મ સૂઝ પણ એટલી જ ! સૌ પ્રથમ તો બાપાશ્રીના જીવન વિષેની વધુમાં વધુ માહિતી એકઠી કરવાનું કામ શરૂ કર્યું. બાપાશ્રીના અંતરંગ પરિચયવાળા સૌ હરિભક્તોની લંબાણપૂર્વક મુલાકાતો લીધી. ઝીણામાં ઝીણી હકીકતો નોંધી લીધી. બાપાશ્રીનું વિચરણ કચ્છદેશમાં વિશેષ. ચાર મહિના સુધી વૃષપુરનિવાસી શ્રી હીરજીભાઈના પુત્ર પ્રેમજીભાઈને સાથે લઈને કચ્છના ગામેગામ ફર્યા. વૃદ્ધ હરિભક્તો પાસેથી માહિતી એકઠી કરી. વિચારી જોઈ. ખૂટતી કડીઓ મેળવી. બાપાશ્રીના ફોટાઓ ભેગા કર્યા. સં. ૧૯૯૬ (ઇ. સ. ૧૯૪૦)નું વર્ષ પૂરું થવા આવ્યું. માહિતી ઘણી એકઠી થઈ ગઈ હતી. હવે એક સ્થાને બેસી તે સઘળી માહિતીને ક્રમબદ્ધ ગોઠવવાની હતી, લખવાની હતી, એકસૂત્રતાથી બાંધવાની હતી. એકાંત સ્થાનની શોધમાં હતા. સાથે મદદનીશ સેવાભાવી હરિભક્તની પણ જરૂર હતી. તે અરસામાં સોમચંદભાઈનાં બહેન દિવાળીબા પોતાના કુટુંબે સહિત કરાંચીથી પાછા માથક આવી ગયાં હતાં. આર્થિક વ્યવહાર સુખી હતો. ઘરના સૌને સેવા ને સ્નેહનું અંગ અસાધારણ હતું. ઘર મોટું ને મેડીબંધ હતું. તેમાં મેડીએ કોઈનીય દખલ વિના કામ થઈ શકે તેવું હતું. શિવલાલભાઈ સેવામાં મદદ કરવા તૈયાર હતા. સોમચંદભાઈ માથક આવ્યા. અબજીબાપાશ્રીના જીવનની માહિતીનાં કાગળો આખી મેડીમાં પાથરી દીધાં. કયા પ્રસંગ પછી કયો પ્રસંગ - તેનો ક્રમ ગોઠવવાનું કઠીન કાર્ય પતાવી, એકસૂત્ર - એકધારી ભાષામાં તેને લખવા માંડ્યું. એ જીવનચરિત્ર માહિતીપ્રધાન હતું, તે છતાં બાપાશ્રીના સમગ્ર જીવનમાં શ્રીહરિજીની મૂર્તિમાં જોડાવારૂપી સર્વશ્રેષ્ઠ તત્ત્વજ્ઞાન છવાઈ ગયું હતું. સાદી ભાષા ને સીધી વાત. રેંટિયો કાંતતી ગામડાની ડોશીને પણ તરત સમજાઈ જાય તેવી શૈલી, તે છતાં હેતના ટેભે ભરી લીધેલું સમગ્ર વર્ણન. અમૃતના ઘૂંટડા ભરાવતા હોય તેવી સમર્થ રજૂઆત. દરિયાનાં મોજાં જેમ પાણીમાં તરવા પડેલાને ઊંડા જળમાં તાણી જાય છે તેમ બાપાશ્રીના જીવનચરિત્રનું વાંચન કરનાર મુમુક્ષુ બાપાશ્રીના અદભુત જીવનસાગરમાં ઊંડો ખેંચાઈ જાય છે. એ જેમનું જીવનચરિત્ર છે તેમનું વ્યક્તિત્વ જ એવું પ્રભાવશાળી છે; તે છતાં એ વ્યક્તિત્વનું વર્ણન એવું ચોટદાર છે કે હરકોઈ વાચકના અંતરમાં જડાઈ જાય.

સદાય સાંનિધ્યમાં રહેનારને જે વાત સહજ જણાતી હોય તે અન્યને માટે અતિ મહત્ત્વની બની રહેતી હોય છે. તે રીતે બાપાશ્રીના સાહજિક ગુણોથી માંડીને વિશિષ્ટ ગુણોનું યથાર્થ વર્ણન સોમચંદભાઈએ જીવનચરિત્રમાં કર્યું છે.

વળી, અનરાધાર વરસાદ પડતો હોય ત્યારે પાણીનું મહત્વ જણાતું નથી, પણ જ્યારે દુકાળ કે ઉનાળો હોય ત્યારે પાણીનું મહત્વ જણાઈ આવે છે. તે રીતે, જ્યારે બાપાશ્રીના અતિશય યોગમાં આવી સુખના અધિકારી થયા હોય તેમના તો અહોભાગ્ય ! પણ એ યોગ ન મળ્યો હોય તેઓને માટે આ વર્ણન અતિશય ઉપયોગી બની રહે છે, કારણ કે અબજીબાપાશ્રીનું જીવનચરિત્ર એ આત્યંતિક કલ્યાણની અખંડ વહેતી સરવાણી છે. તેને વહેતી મૂકવાનું શ્રેય છે સોમચંદભાઈ રૂપી ભગીરથને !

બાપાશ્રીના ઉપલબ્ધ બધા ફોટા પણ તેમાં છાપ્યા છે. આમ ડબલ ક્રાઉન (મોટી) સાઇઝના એક હજારથી વધુ પાનમાં છપાયેલું ને આર્ટપેપર ઉપર છાપેલા ચાળીસથી વધુ ફોટા સાથેનું ‘બાપાશ્રીનું જીવનચરિત્ર’ એ સત્સંગ પરત્વેનું સોમચંદભાઈનું પરમ યોગદાન છે.

અનેક મોક્ષભાગી જીવાત્માઓને શ્રીહરિજીના પરમ અદભુત સ્વરૂપમાં રસબસભાવે ઉત્તમ સ્થિતિ કરીને જોડવા રૂપી બાપાશ્રીના ઉત્તમ સેવાયજ્ઞમાં સોમચંદભાઈની છેવટની ઘડી સુધી જોડાયેલા રહ્યા હતા. ‘બાપાશ્રીના જીવનચરિત્ર’ના લખાણનું અતિ ઉદાત્ત ને અતિ પારમાર્થિક કાર્ય જે તેમણે કર્યું તે માટે સમગ્ર સત્સંગ સમાજ સદાકાળને માટે સોમચંદભાઈનો ઋણી રહેશે. ખુદ બાપાશ્રીએ પોતે આ જીવનચરિત્રના લખાણરૂપી સેવાનું કામ થતું હતું ત્યારે દિવ્યરૂપે બંને સેવકો- સોમચંદભાઈ અને શિવલાલભાઈને દર્શન દઈ પોતાનો રાજીપો બતાવ્યો હતો. વળી, સદગુરુ વૃંદાવનદાસજી સ્વામીએ પણ દિવ્ય દર્શન દઈ ‘અલબેલાજી આવો આજ મારે આંગણે’ એ કીર્તન ગાવાનું કહ્યું હતું. આમ, સોમચંદભાઈનો દાખડો તો લેખે લાગી જ ગયો હતો. એ તો આગામી ભાવિ પેઢીના મુમુક્ષુઓને સોમચંદભાઈ દ્વારા આત્યંતિક કલ્યાણનો રાજમાર્ગ દેખાડવાની બાપાશ્રીની કરુણા જ હતી.

આટઆટલા પરોપકારની કામગીરી પણ એનો કોઈ દેખાવ નહિ, દંભ નહિ - એ તો એવા ને એવા સેવાની મૂર્તિ - દાસાનુદાસ.

ત્યાર પછી સં. ૧૯૯૮ની શરૂઆતમાં આ પુસ્તક છપાવવાનું કામ રાજકોટમાં ચાલતું હતું. સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીએ ગંભીર મંદવાડ ગ્રહણ કર્યો હતો. સૌને અંતરમાં એમ થયા કરે કે સ્વામીશ્રિીને અતિ વહાલું આ પુસ્તક છપાઈ જાય ત્યાં સુધી સ્વામીશ્રી લીલા બંધ ન કરે તો સારું. સ્વામીશ્રી તો સ્વતંત્રમૂર્તિ ને સત્યસંકલ્પ પણ, પણ એ પુસ્તક છાપવામાં સમય સાથે હોડ ભરવાની થઈ. તેમાં ય સોમચંદભાઈ તો સેવામાં હાજર જ ! વળી પોતે છાપખાનાના કામના અતિશય માહિતગાર. રાતદિવસ કામ ચલાવ્યું. સોમચંદભાઈને પણ જાણે એ જ માત્ર કામ. યોગીઓના જેવોયોગ ને ધ્યાનીઓના જેવું ધ્યાન સોમચંદભાઈએ આ પુસ્તક છપાઈના કામમાં લગાવી દીધું : ઇચ્છા માત્ર શ્રીહરિપ્રસન્નતાની !

પુસ્તક છપાવાનું કામ પૂરું થયું ને તાત્કાલિક કાચું બાઇન્ડિંગ કરાવી તે પુસ્તક લઈ શેઠ હીરજીભાઈ તથા સોમચંદભાઈ અમદાવાદ સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામી પાસે આવ્યા. પુસ્તક જોઈ સ્વામી અતિ રાજી થયા ને હીરજીભાઈને કહે : ‘હવે અમને રાજકોટ ક્યારે લઈ જવા છે ?’ સંપૂર્ણપણે પથારીવશ ને તબિયતની કટોકટીભરી વૈદકીય પરિસ્થિતિ, પરંતુ હરજીભાઈ પણ અનન્ય નિષ્ઠા, વિશ્વાસ ને સેવાના અંગવાળા. સ્પેશિયલ ડબો રિઝર્વેશન કરાવી સ્વામીશ્રીને અમદાવાદ, કટોસણ, વીરમગામ, સુરેન્દ્રનગરથી રેલવે માર્ગે રાજકોટ લાવ્યા. હીરજીભાઈના બંગલામાં ‘બાપાશ્રીના જીવનચરિત્ર’ની પારાયણ થઈ. સ્વામીશ્રીનો સંકલ્પ યથાર્થ રીતે પાર પડ્યો. રાજકોટથી પાછા અમદાવાદ પધારતા પહેલાં સ્વામીશ્રીએ સોમચંદભાઈ ઉપર અતિ પ્રસન્નતા બતાવી. સં. ૧૯૯૮ના આસો સુદ પૂનમ - શરદ્‌પૂર્ણિમાએ રાજકોટમાં સ્વામીશ્રીના સાંનિધ્યમાં પ્રથમ પારાયણ થઈ, ને પંદરમે દિવસે સં. ૧૯૯૮ના આસો સુદ અમાવસ્યા દિવાળીને દિવસે સદગુરુ સ્વામીશ્રીએ પોતાની મનુષ્યલીલા સંકેલી લીધી !

અદભુતમાં અદભુત સ્વરૂપ હોય તો તે એક શ્રી સ્વામિનારાયણ ભગવાનનું છે ને તે સ્વરૂપમાં અતિ હેતે રસબસભાવે જોડાઈ જવું તે અનાદિ મુક્તની સ્થિતિ છે - ને તે જ આત્યંતિક કલ્યાણની સ્થિતિ છે. આવા આત્યંતિક કલ્યાણના માર્ગે જનારા માટે સોમચંદભાઈએ લખેલું : ‘‘અબજીબાપાશ્રીનું જીવનચરિત્ર’’ ઉત્તમ પથદર્શકની ગરજ સારે છે.