૨. પ્રારંભ : જન્મ અને બાલ્યકાળ

સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના વાંટાવદર ગામમાં મુક્તરાજ સોમચંદભાઈનો જન્મ. પિતાશ્રી જીવરાજભાઈ અમરશીભાઈ મહેતા. માતુશ્રીનું નામ અંબાબા. જીવીબહેન સૌથી મોટાં, દિવાળીબહેન તેમનાથી ત્રણ વર્ષએ નાનાં, સોમચંદભાઈ દિવાળીબહેનથી ત્રણ વર્ષે નાના.

જીવરાજભાઈની આર્થિક સ્થિતિ સાવ સાધારણ હતી. થોડો વખત કુટુંબે સહિત કરાંચી વસેલા, ને વ્યવહાર થોડો સારો થયો એટલે વાંટાવદર પાછા આવેલા. ૨૫-૩૦ કિલોમીટર દૂર ચુંપણી ગામ અજારે ખેતી માટે રાખ્યું હતું. લીંબુ, ચીભડાં, વગેરેની ખેતીમાંથી ગુજરાન ચાલે, પરંતુ ભક્તિ ને સત્સંગ સાધુ જેવા રાખતા. ચુંપણીથી માથક ૪-૫ કિલોમીટર. વાંટાવદર-માથકમાં સાધુનાં મંડળ બાર-બાર મહિના રહેતાં. જીવરાજભાઈ એટલે જાણે સેવાની મૂર્તિ. તન-મન-ધનથી સેવામાં સદાય તત્પર રહેતા.

માતુશ્રી અંબાબા તો મુક્તરાજ ભૂરાભાઈ ગોવિંદભાઈ શાહનાં બહેન. મુક્તરાજ ભૂરાબાપા અનાદિમુક્તરાજ અબજીબાપાશ્રીની કૃપાથી, શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સ્વરૂપમાં રસબસ રહેનારા - અનાદિમુક્તની સ્થિતિને પામેલા સિદ્ધ મુક્ત હતા. એમના યોગથી અંબાબાને જીવમાં સત્સંગ. અંબાબાનું જીવન અતિશય પવિત્ર. આંતરિક ને બાહ્ય શુદ્ધિ - શોળેબોળે - શ્રીહરિની પ્રસન્નતાના અર્થે બરાબર જાળવતા. ભક્તિના ગાઢ રંગે એવા તો તરબોળ જણાતા કે તેમના મુખ ઉપર દિવ્ય આનંદ હંમેશ તરવરતો જણાતો.

રત્ન જેવાં સંતાનો તો દિવ્ય સંસ્કારે યુક્ત માબાપને જ હોય ને ?

શ્રીહરિસેવા - પ્રસન્નતામાં સદાય મસ્ત માબાપને ત્યાં મુક્તરાજ સોમચંદભાઈનો જન્મ સંવત ૧૯૫૦ના જેઠ વદ પાંચમ ને શનિવાર, તા. ૨૩ જૂન, ૧૮૯૪ના રોજ વાંટાવદર મુકામે થયો, જાણે અનેક મુમુક્ષુઓની જીવનવાડી ઉપર અનરાધાર અમીવર્ષા કરનારી વાદળી સાગરમાંથી દિવ્યાકાશમાં ચઢી હોય ને ?

જે જુવે તેને વહાલા લાગી જાય તેવા બાળક સોમચંદ સુદૃઢ બાંધાના ને સહેજ શ્યામ શરીરના હતા. પાડોશી કાશીબા તો તેમને ખૂબ રમાડે, હસાવે-ખવડાવે ને પોતાનાં પહેરવાનાં કીનખાબનાં કપડાંની બાંયોમાં બાળક સોમચંદભાઈના પગ નાખી, વાંસે તેની કસો બાંધી ચોરણી જેવું કરતાં તે પહેરાવી રમાડે, ઉછાળે ને ખૂબ રાજી કરે. રંગે સહેજ શામળા તેથી ‘કાનુડો’ કહીને સૌ વહાલથી બોલાવે !

ફૂલ ખીલતું જાય તેની સાથે તેની સૌરભ ને રંગની છટા પણ ખીલે, તે રીતે જેમ જેમ સોમચંદભાઈ મોટા થતા ગયા તેમ તેમ ભક્તિભાવ ને સત્સંગનો રંગ ખીલતો ગયો. બાળપણથી જ શ્રીજીમહારાજની મૂર્તિ સામું એકીટશે જોઈ રહે, હસે ને એમ કરતાં એ મૂર્તિના ધ્યાનમાં લીન થઈ જાય, સૌને એમ લાગે કે ઊંઘી ગયા છે ! ક્યારેક કોઈ ટોકે કે આ શું આટલું બધું ઊંઘે છે ! પણ ઊંઘમાંથી ઉઠાડે તો જાણે ઊંઘ્યા જ નથી એવા સ્વસ્થ લાગે - ઊંઘ, આળસ કે સુસ્તી તો જરાય નહિ.

એક વખત મૂળીથી સદગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામીનું મંડળ વાંટાવદરના મંદિરમાં આવ્યું. પિતાશ્રી જીવરાજભાઈના મનમાં થયું કે આવા મોટા સદગુરુશ્રી પાસે વર્તમાન ધરાવી નામકરણ કરાવવું. બાળમુક્તરાજને લઈને મંદિરમાં આવી સ્વામીશ્રીને પ્રાર્થના કરી : ‘‘બાપજી ! આ પુત્રને આપના હાથે વર્તમાન ધરાવીને, આપની પાસે નામ પડાવવું છે, જેથી અમો સૌને આપની સ્મૃતિ કાયમ રહે.’’ સદગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામીએ શ્રીહરિસ્મૃતિએ સહિત વર્તમાન ધરાવ્યાં. બાળમુક્તના મુખની કાંતિ ચંદ્રમા જેવી શીતળ અને શાંત હોવાથી સ્વામીશ્રીએ તેમનું નામ ‘સોમચંદ’ એવું પાડ્યું. સ્વામીશ્રીએ કહ્યું : ‘‘જેમ ચંદ્રમા ઔષધિમાત્રનું પોષણ કરે છે તેમ આ બાળમુક્ત અનેક જીવોને ભગવાનના દિવ્ય સુખમાં જોડવાની ઉત્તમ સેવા કરશે.’’ પિતાશ્રીએ રાજી થઈને એ માંગલિક પ્રસંગે સાકર વહેંચી.

સેવા ને ભક્તિભાવથી ભર્યું ભર્યું ઘરનું સમગ્ર વાતાવરણ હતું. ખેતીપ્રધાન ને વસ્તારી કુટુંબમાં સૌ કોઈ સતત કાર્યરત રહેતા, પણ કીર્તનભક્તિની રમઝટ સૌને મુગ્ધ કરે. ઘરમાં છાણ-વાસીદા. ઘંટી-વલોણાંનાં બહોળાં કામને લીધે બહેનોને નિશાળે જઈ લખવા-વાંચવાનું ભણતર ન બન્યું, પણ કીર્તનોની રસલ્હાણ એવી કરે કે સૌને આશ્ચર્ય થાય કે આટલાં આટલાં કીર્તનો કેવી રીતે ને ક્યારે શીખીને મોઢે કર્યાં હશે ? પ્રેમભરી માએ સોમચંદભાઈને સેવા ને ભક્તિ ગળથૂથીમાં જ પાઈ દીધા હતા ! એ ગરવી ગળથૂથી સોમચંદભાઈના રુંવાડે રુંવાડેથી સતત વહીને અનેકને રસતરબોળ કરી ગઈ !

સોમચંદભાઈની ઉંમર બે વર્ષની થઈ ને પિતાશ્રી જીવરાજભાઈ કરાંચીએ નોકરી કરવા ગયા, ત્યારે કુટુંબ કરાંચીમાં બે-ત્રણ વર્ષ રહ્યું. વાંટાવદર પાછા આવ્યા પછી સોમચંદભાઈએ પ્રાથમિક શાળામાં ભણવાનું શરૂ કર્યું. સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો, પણ તે દરમિયાન જે શિસ્ત, ખંત અને એકનિષ્ઠાના ગુણો શીખ્યા તે તેમના સમગ્ર જીવન ઉપર છાઈ ગયેલા જણાતા.

મૂળ તો કુટુંબ ધર્મનિષ્ઠ ને ભક્તિભીનું, ને તેમાં અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રીની કૃપાનજરમાં આવી ગયું. તેથી સૌનું અલૌકિક પરિવર્તન થઈ ગયું. મોસાળમાં સોમચંદભાઈના મામા ભૂરાબાપા અબજીબાપાશ્રીના યોગથી શ્રીહરિજીની કૃપાદૃષ્ટિમાં આવી ગયેલા સમર્થ મુક્ત હતા. પોતાને નિરાવરણ દૃષ્ટિ હતી. પોતાના ઘરે રસોઈ બનતી હોય ત્યારે અગાઉથી કોઈ સમાચાર વિના આવી રહેલા મહેમાનોને અંતર્યામીપણે જાણી લઈ વધુ રસોઈ બનાવવાની સૂચના દેતા, ને જમવા વખતે એટલા મહેમાનો આવી ચઢ્યા જ હોય ! અબજીબાપાશ્રી પાસે અવારનવાર કચ્છમાં વૃષપુર જઈ જોગસમાગમ કરી, સેવાએ કરીને બાપાશ્રીને ખૂબ રાજી કરતા. બાપાશ્રી પોતે પણ પ્રસન્ન થઈ વાંટાવદર, માથક, ચુંપણી પધારેલા એ ગામના હરિભક્તો ઉપર બાપાશ્રીએ પ્રસન્ન થઈ મૂર્તિના સુખના આશીર્વાદ આપેલા. એ બધું ભૂરાબાપા ને જીવરાજબાપાના અથાક દાસત્વભાવનું પરિણામ. ગામના ને આજુબાજુના પ્રદેશના અનેક મુમુક્ષુઓને શ્રીહરિજીના પરમસુખરૂપ સ્વરૂપમાં જોડવારૂપી સેવાયજ્ઞ અવિરત ચાલતો. ભૂરાબાપાનાં પુત્રવધૂને એક વાર ગાંડપણ થઈ ગયેલું, તે એટલી હદ સુધી કે ઓરડામાં પૂરી રાખવા પડે ! ગામના લોકોને થાય કે ભૂરાભાઈ આવા ભક્ત ને દીકરાની વહુને આવું ગાંડપણ ! સોમચંદભાઈનાં બહેન દિવાળીબાને થયું કે બીજું તો કાંઈ નહિ, પણ ગામના લોકોને ભૂરામામાનો અભાવ આવશે તો તે લોકોના જીવનું બગડી જશે. તેમણે મામાને ત્યાં જઈ સીધી માગણી જ મૂકી : ‘જ્યાં સુધી મહારાજને કહીને વહુને સાજી નહિ કરો ત્યાં સુધી હું અહીંથી જવાની નથી !’ તે જ રાત્રે તેમની ગાયની નાની વાછરડી, જેને કોઈ રોગ હતો નહિ તે દેહ મૂકીને ગઈ ને પરોઢિયે ઓરડામાંથી વહુ વિનંતી કરે કે, ‘બા ! મને બહાર આવવા દો, હવે હું ગાંડી મટી ગઈ, મને સારું થઈ ગયું છે ! ભગવાને મને સાવ સાજી કરી દીધી !’ ઘરનાએ જોયું તો જાણે વહુને તો જીવનભર કાંઈ પણ થયું જ ન હોય એવી સાજીનરવી થઈ ગયેલી ! દિવાળીબા કહે : ‘મામા ! આટલા દિવસ કેમ રાહ જોવરાવી ?’ ભૂરાભાઈ કહે : ‘તમે અરજી કરી, એટલે મહારાજે વહુના જીવને ધામમાં મૂકી દીધો ને વાછરડીનો જીવ વહુના દેહમાં મૂકી દીધો, તેથી વાછરડીનો દેહ પડી ગયો, ને વહુ સાજી થઈ ગઈ !’ શ્રીજીમહારાજનો આવો અદભુત પ્રતાપ !

કુટુંબના આવા ઉત્તમ સંસ્કાર, અને તેમાં અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રીની કૃપારૂપી સુગંધ ભળી, તેથી સોમચંદભાઈની સર્વે ક્રિયામાં અલૌકિકતા આવી. સર્વે ક્રિયા શ્રીજીમહારાજની પ્રસન્નતા માટે, શ્રીજીમહારાજની સોંપેલી હોય તેવી ચીવટથી અને શ્રીજીમહારાજની મૂર્તિનો અખંડ સંબંધ જાળવીને કરવી - એ સોમચંદભાઈનું જીવનસૂત્ર બન્યું. ખેતીમાં મદદ કરતા હોય, છાણ વીણતા હોય કે બહેનોને ઘંટીએ અનાજ દળાવતા હોય - સદાય પ્રસન્નવદને, ખંતથી, ઉત્તમ કામ કરે. સવારે વહેલા વહેલા પરવારી મંદિર જાય, ત્યાં સાફસૂફી કરે, કચરા-પોતા કરે, સંતો હોય તેમની સેવા, ઠાકોરજીની સેવા - જે કોઈ સેવા કરવાની હોય તે પ્રીતિપૂર્વક કરે. કોઈ કામ હલકું ન ગણે, કોઈ કામમાં આળસ ન કરે, કોઈ કામમાં વેઠ ન ઉતારે, કોઈ કામ બેદરકારીથી ન કરે. નાના ભાંડરુને કીર્તનો શીખવે તે એક એક કડી અનેક વખત કહેવામાં આધીરા-આકળા ન થાય. કથા કરે, કીર્તનોની રમઝટ મચાવે, ઉત્સવમાં ભાગ લેવા ખડા પગે ઊભા રહે, સોમચંદભાઈની સર્વે ક્રિયા શ્રીજીમહારાજના સંબંધે કરીને દિવ્ય ભાસતી. પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય !