સારંગપુર : ૧૬
જેમ સૂર્ય સર્વને પ્રકાશ કરી આપવા ઉદય થાય છે, પણ સૂર્યથી વિપરીત બુદ્ધિવાળા જે ઘુવડ તથા અંધને કામ નથી આવતો તેમ નરનારાયણ ભગવાન સર્વ જીવનાં કલ્યાણ સારુ તપ કરે છે, પણ ભગવાનથી વિમુખ ઘુવડ તુલ્ય જીવોને તથા અંધવત અજ્ઞાની જીવોને ઉપયોગમાં નથી આવતું, ભક્તને જ ઉપયોગમાં આવે છે. જેમ સૂર્ય તથા મશાલના પ્રકાશમાં પાપી પાપને માર્ગે ચાલે છે અને પુણ્યવાળા પુણ્યને માર્ગે ચાલે છે તેને સૂર્ય તથા મશાલ સમદૃષ્ટિએ પ્રકાશ કરી આપે છે, તેમ નરનારાયણ ભગવાન સમદૃષ્ટિએ મશાલવત તપ રૂપી પ્રકાશ કરી આપે છે, પણ પ્રેરણા કરતા નથી, તેમાં જે જીવ જેવાં કર્મ કરે છે તેવા ફળને પમાડે છે. (૯૪)