અમદાવાદ : ૭
રામાનંદ સ્વામીને વિષે કેટલાકને ભગવાનપણાનો નિશ્ચય થયેલો તે ટળાવવા સારુ રામાનંદ સ્વામી શેષનારાયણમાં લીન થઈ ગયા એમ વાત કરી પછી પોતાનો મહિમા કહ્યો છેઃ જે અમે નંદીશ્વર અને ગરુડની અસ્વારી કરીને ધામોમાં જતાં ગરુડ ઊડી શક્યો નહિ, તેને પડ્યો મૂકીને સર્વથી પર અમારા ધામમાં ગયા. ત્યાં પણ અમે જ પુરુષોત્તમ છીએ. અમારા વિના કોઈ મોટો દીઠો જ નહિ. સર્વે બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા અમે જ છીએ. અસંખ્યાત કૈલાસ, વૈકુંઠ, ગોલોક, બ્રહ્મપુર ને તેથી પર ભૂમિકાઓ આદિ સર્વ અમારે તેજે તેજાયમાન છે, આવો મહિમા સમજીને અમારો નિશ્ચય કર્યો હોય તેને ડગમગાટ ન થાય. અમારે શરણે જે આવ્યા છે ને આવશે ને અમને આવા સમજશે તે સર્વને ઉપર કહી ગયા જે કૈલાસથી આરંભીને ભૂમિકાઓ પર્યંત તે સર્વથી પર એવું અમારું અક્ષરધામ તેને પમાડીશું ને ઉત્પત્ત્યાદિક કરે એવા સમર્થ કરીશું. તે સામર્થ્ય અમારી કૃપાએ આવ્યું છે એમ જાણવું. (૨૨૭)