લોયા : ૧
શાંત મૂર્તિ એવા જે અમે તે અમારા ઉપાસકોએ રજોગુણી, તમોગુણી દેવમાં હેત ન કરવું. ક્રોધી મનુષ્ય તથા દેવતા તે અમને ગમતા નથી. થોડોક ક્રોધ પણ દુઃખદાયી છે. આત્મનિષ્ઠા, બ્રહ્મચર્યાદિક પંચવર્તમાન અને અમારો મહિમા એ ત્રણ અતિશય દૃઢ થાય તો કામનું મૂળ ઊખડી જાય અને અતિશય કામનું મૂળ ઊખડ્યાનો ઉપાય તો અમારો સારી પેઠે મહિમા સમજવો તે જ છે. ત્યાગીના ત્રણ પ્રકારના વૈરાગ્યનાં લક્ષણ કહ્યાં છે. ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ જ્ઞાનનાં લક્ષણ કહ્યાં છે. અમારો નિશ્ચય હોય પણ કામાદિક વિકાર ન ટળ્યા હોય તો કૃતાર્થપણું મનાય નહિ. ઇંદ્રિયોને તપે કરીને દમે અને અંતઃકરણને વિચારે કરીને દમે તો વિકાર નાશ પામે ને કૃતાર્થપણું મનાય. આત્મનિષ્ઠા અતિ દૃઢ હોય અને પંચવર્તમાન પાળે અને અમારી સ્વામીસેવકપણે દૃઢ ઉપાસના કરે અને પ્રત્યક્ષ ભગવાન જે અમે તે અમને અતિશય અસંગી ને અતિશય નિર્વિકારી ને સર્વેના સ્વામી ને સર્વના કર્તાહર્તા સમજે અને અમારી નવધા ભક્તિ કરે તથા અમારા ભક્તની સેવા કરે તેનો સંપૂર્ણ સત્સંગ કહેવાય. દેહાભિમાનીથી સંતની શિખામણ ગ્રહણ ન થાય ને સામો અવગુણ લે ને વિમુખ થાય. અતિ દીન થઈને તે સંતને પ્રસન્ન કરે તો અવગુણ આવ્યો હોય તે ટળી જાય છે. (૧૦૯)