• આનંદ લહાણી (વિભાગ - ૩)

કરાંચી પાછા આવી મૂર્તિના રસના ઘૂંટડા ભરતા ભરતા અનેકને એ રસ લેતા કરવાનું કામ તો અવિરત ચાલતું જ હતું. સૌ હરિભક્તોને અંતરમાં સ્નેહનો એવો આગ્રહ કે આજ શ્રીજીમહારાજે અબજીબાપાશ્રી દ્વારા આત્યંતિક કલ્યાણનું સદાવ્રત વહેતું કર્યું છે તેથી કેમ કરીને બાપાશ્રીને રાજી કરી લેવા, કેવી રીતે એમનો વધુ ને વધુ લાભ લેવો. કચ્છમાં જવાનું વિષમ, દરિયો ઓળંગી જવું પડે, વૃદ્ધો હોય, બાળકો હોય, ગૃહસ્થી હોય - સૌને મુસાફરીનો થાક ખમાય - ન ખમાય, અનુકૂળ પડે - ન પડે, પણ બાપાશ્રીનો લાભ લેવાની તો સૌને ખરેખરી તાણ ! આથી સૌ મોટેરા હરિભક્તોએ ભેગા મળી વિચાર્યું કે બાપાશ્રી પોતે જો દયા કરીને કરાંચી પધારે, તો કૃપાની અષાઢી હેલી રેલાય. એ મુજબ સં. ૧૯૮૩ના ફાગણ માસની સુદ ૧૧એ કરાંચીથી શેઠ સાંવલદાસભાઈ અમદાવાદ આવ્યા ને સ. ગુ. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીને સરસપુર મંદિરમાં મળ્યા ને બાપાશ્રીને કરાંચી તેડી જવાની ને સંતોને સાથે લઈ જવાની હરિભક્તોની અંતરતમ ઇચ્છા વિષે વિનંતીપૂર્વક વાત કરી. અને તેમાં સ્વામીશ્રી જ મદદરૂપ થઈ શકે તેમ હતું. પછી સાંવલદાસભાઈ સાથે સ્વામીશ્રી પોતાના સંતો સહિત ભૂજ પધાર્યા. ત્યાંથી માંડવી જવાની મોટર ભાડે કરી વૃષપુર આવ્યા. બાપાશ્રીને અતિશય દીનભાવે વિનંતી કરી, તાત્કાલિક તૈયારી કરાવરાવી. હરિભક્તોએ સહિત માંડવી આવી બાપાશ્રી સ્ટીમર દ્વારા ફૂલડોલને દિવસે કરાંચી પધાર્યા.

સ. ગુ. શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીજીમહારાજનો મહિમા વર્ણવતા ‘પુરુષોત્તમ પ્રકાશ’ ગ્રંથ કર્યો ને છેલ્લે વધામણીનું ધોળ લખ્યું : ‘આનંદ આપ્યો અતિ ઘણો રે, આ સમામાં અલબેલ, પુરુષોત્તમ પ્રગટી રે.’ - તેમાં

અમૃતના સિંધુ ઊલટ્યા રે, રંગડાની વાળી છે રેલ;

અખંડઆનંદ આપી જીવને રે, કાપ્યાં ભારે ભવકૃંદ;

ખાતાં વળાવ્યાં ખોટનાં રે, ખરી કરાવી છે ખાટ્ય;

દુર્બળનાં દુઃખ કાપિયાં રે, ન જોઈ જાત કુજાત;

અષાઢી મેઘે આવી કર્યા રે, ઝાઝાં બીજાં ઝાકળ.

જેટલું રાજાનું રાજ્ય, તેટલું રાણીનું રાજ્ય ! જેવો શ્રીહરિનો પ્રતાપ, તેવો શ્રીજીઇચ્છાથી તેમના મુક્તોનો પ્રતાપ ! આત્યંતિક કલ્યાણનો ડંકો વાગ્યો : કોઈ લ્યો મૂર્તિ ! કોઈ લ્યો મૂર્તિ ! કરાંચીમાં સં. ૧૯૮૩નો ફૂલડોલનો ઉત્સવ આત્યંતિક કલ્યાણનો અમૂલો અવસર બની રહ્યો.

એ અવસરનો વધુમાં વધુ લાભ કેવી રીતે વધુ ને વધુ જીવો લે તેવી દૃષ્ટિ સત્સંગ બગીચાના માળી સોમચંદભાઈએ ઘણી જ ચીવટથી રાખી હતી. બાપાશ્રી તો કૃપા વરસાવવા જ પધાર્યા હતા, ઝીલનારાનેય તૈયાર કરીને બેઠા હતા. અનન્ય અવસર બની રહ્યો. વહેલી સવારથી માંડીને મોડી રાત સુધી સૌ બાપાશ્રીને વીંટળાયેલા જ હોય ! કથાવાર્તા, પૂજા, દંડવત્‌, રંગ ઉત્સવ ને કીર્તન-રાસની રમઝટ, સોપો જ ન પડે ! બાપાશ્રીને ઘેરઘેર પધરાવ્યા, ઓરડે-ઓરડે ફેરવ્યા, બાગ-બગીચા-વાડીઓ પ્રસાદીની કરાવી. સમૂહમાં ફોટા પડાવી સંભારણાં કર્યાં, ચંદનપુષ્પ-ફળફૂલ-મેવાનો પાર ન આવે. અનેરા આનંદના ઓઘ વળ્યા ! સોમચંદભાઈ એટલે સજાગ શિક્ષક ! એકે ય મુમુક્ષુ લાભ વિહોણો રહી ન જાય તેનું તાન. બાપાશ્રીએ દુખિયાનાં દુઃખ હર્યાં. સૌનાં અંતર તણાઈ ગયાં. પંદર દિવસ તો જાણે આંખના પલકારામાં વહી ગયા- પણ એ પંદર દિવસો કલ્પે ય ન ભુલાય તેવી સુખની રેલમછેલ કરાવતા ગયા. એ માત્ર સાત્ત્વિક આનંદ ન હતો, એ તો નિર્ગુણ આનંદના હિલોળા હતા.

બાઈ હરિભક્તોને મર્યાદા ઘણી. બાપાશ્રી અને સંતોનાં દર્શનની અંતરમાં અતિશય પ્યાસ, પણ એ પ્યાસ છીપાય - ન છીપાય ને દર્શન બંધ ! બાઈઓએ સોમચંદભાઈને વિનંતી કરી : કાંઈ રસ્તો કાઢો, ને દર્શનનો લાભ અપાવો. સોમચંદભાઈએ અજબનો રસ્તો કાઢ્યો. રાત્રિ વેળાએ બાપાશ્રી ને સંતોની ચોકમાં સભા કરાવરાવી. એવી જગ્યાએ તે ગોઠવી કે સામે મેડો, તેમાં બિલકુલ અંધારામાં બાઈઓને ચૂપચાપ બેસાડી રાખેલાં. સભામાં પેટ્રોમેક્ષના ઝળહળતાં અજવાળાં. ત્રણ કલાક બાપાશ્રી અને સંતોના કથામૃતનો અલભ્ય લાભ સૌએ લીધો. એ દર્શન અને એ કથા - ભૂલી ન ભૂલાય.

બાપાશ્રીની એ વખતે ૮૨ વર્ષની અવસ્થા હતી, પણ હરિભક્તોના અગાધ પ્રેમ અને હેતથી ભીંજાઈને સૌને મહારાજની મૂર્તિનો આનંદ આપવામાં પોતે સહેજ પણ કમી ન રાખી. એ પંદર દિવસમાં બાપાશ્રી રોજ માંડ બે કલાક માટે પોઢ્યા હશે, આખો વખત હરિભક્તોના સમૂહને કિલ્લોલ કરાવી મૂર્તિના સુખમાં તરબોળ કરી દીધો.

સંતમંડળને થોડા વધુ દિવસ કરાંચી રોકાવાની ભલામણ કરી બાપાશ્રી દરિયામાર્ગે માંડવી જવા બંદરે પધાર્યા. હજારો હરિભક્તો વળાવવા આવ્યા. કીર્તનોની રમઝટ કાંઠે ને સ્ટીમરમાં સામસામી જામી. સૌને આ યાત્રાનું છેલ્લું સંભારણું બની રે તે માટે બાપાશ્રી મોજમાં આવી પોતાની પાસે ભેટ આવેલાં ફળોમાંથી પોતે એક એક ફળ કાંઠે ઊભેલા સંતો-હરિભક્તોના નામ દઈ-દઈને તેમના તરફ નાખવા માંડ્યા, ‘‘લ્યો ! સ્વામી વૃંદાવનદાસજી, આ સ્વામી શ્વરચરણદાસજી, પુરાણી હરિપ્રસાદદાસજી, દેવજીવનદાસજી, મુક્તવલ્લભદાસજી, આ પુરાણી ધર્મકિશોરદાસજી, આ આશાભાઈ, આ લાલુભાઈ, આ સમૈયાના અગ્રેસર સાંવલદાસભાઈ, સોમચંદભાઈ’’ - એમ કહી એક પછી એક ફળ નાખવા માંડ્યા, તે જેમનું નામ લઈ ફેંકે તે ફળ તેમના જ હાથમાં આવે. સૌ જન તે જોઈ મહદ્‌ આશ્ચર્ય પામ્યા.

એ ફળ તો મહારાજની મૂર્તિ પમાડવા રૂપી ફળ જ હતાં. ને ત્યાં તો બીજું અદભુત આશ્ચર્ય થયું. હજારો માણસોની હાજરીમાં તે વખતે અંતરિક્ષમાંથી ચંદનની વૃષ્ટિ થઈ. અલૌકિક આનંદથી સૌ કોઈ દિગ્મૂઢ થઈ ગયા ! એ ચંદનવૃષ્ટિ તે તો શ્રીજીકૃપાની વર્ષા હતી. સૌ હરિભક્તોના માનસપટમાં મુક્તોની આ લીલા દૃઢપણે આલેખાઈ ગઈ. મુક્તોની લીલા શ્રીજીમહારાજના સંબંધવાળી હોય તેથી તેમની લીલા યાદ આવી જવાથી શ્રીજીની મૂર્તિ સાંભરી આવે છે, ને તે હરિભક્ત પરમપદના અધિકારી બની જાય છે. શ્રીહરિજીની જેમ જ શ્રીહરિજીના મુક્તોનું વિચરણ અને તેમની ક્રિયા - લીલાચરિત્રો અનંત જીવના પરમકલ્યાણને અર્થે જ હોય છે.

બગાસું ખાવા મોં ઉઘાડેલું હતું ને અનાયાસે સાકરનો ગાંગડો મોંમાં પડ્યો ! કરાંચીના સૌ હરિભક્તોને બાપાશ્રીએ ને સંતમંડળે જે અનહદ કૃપારૂપી સાકરના ગાંગડા ખવરાવેલા તેને હજુ મમળાવતા હતા, ત્યાં સુખના બીજા ધોધનો લાભ લેવાનું આમંત્રણ આવ્યું ! બાપાશ્રીએ અનંત જીવોને શ્રીજીની મૂર્તિના સુખમાં ખેંચી જવા બ્રહ્મયજ્ઞ આદર્યો. વૃષપુરમાં સં. ૧૯૮૪ના ચૈત્ર સુદ તેરશથી ‘સત્સંગિજીવન’નું પારાયણ બેસાડ્યું. બાપાશ્રીએ સૌને કહેવરાવ્યું કે, ‘આ અમારો છેલ્લો જગન (યજ્ઞ) છે, પછી અમે અક્ષરધામમાં જઈને બેસીશું.’ કરાંચીના હરિભક્તોનો સંઘ તો બધો ય વિશ્વાસી. નાના-મોટા સૌ વચનમાં વર્તનારા. એ સૌ સુખ અને સેવાના આ અમૂલ્ય અવસર ઉપર વૃષપુર પહોંચી ગયા. લાલુભાઈ, સોમચંદભાઈ, વગેરે મુક્તોનો સૌને અનન્ય વિશ્વાસ. સેવાના કાર્યમાં ભક્તિભાવથી સૌ ડૂબી ગયા. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના હરિભક્તો આવ્યા; તેમજ એ બધાં પ્રદેશના હરિભક્તો જે ધંધા અર્થે બંગાળ-બિહાર-ઓરિસ્સા-મધ્યપ્રદેશ- મહારાષ્ટ્ર વગેરે સ્થળોએ વસેલા એ હજારો હરિભક્તો આ યજ્ઞમાં આવ્યા હતા. યજ્ઞની પ્રસાદીની સુખડી જે કોઈ જમશે તેનો આત્યંતિક મોક્ષ કરી શ્રીજીમહારાજ પોતાની મૂર્તિના સુખમાં રાખશે. એવું વરદાન એ સમયે બાપાશ્રીએ અનહદ પ્રસન્નતા જણાવી આપ્યું. આવા આ કલ્યાણયજ્ઞમાં સોમચંદભાઈ દીનદાસભાવે સૌની સેવા કરતા જાય ને ઘેરે રાગે કીર્તનોની રમઝટ બોલાવતા જાય. આરતી થઈ રહે ત્યારે શ્રીહરિજીની છડી પોકારે. જ્યાં જ્યાં સોમચંદભાઈ જાય, ત્યાં જાણે સમૈયામાં કીર્તનનો સમૈયો ! બાપાશ્રીને પ્રસન્ન કરવાનો એકે ય મોકો જવા ન દે.

રાજકવિ માવદાનજીએ બાપાશ્રીના ગુણનું ને દિવ્યભાવનું વર્ણન કવિતામાં બોલી બાપાશ્રીને ને સભાને આનંદિત કર્યા. બાપાશ્રીનો રાજીપો જાણી સોમચંદભાઈએ પણ સ્વરચિત છંદ ગાયો, જે સાંભળી બાપાશ્રીએ સોમચંદભાઈ પર અતિ પ્રસન્નતા જણાવી.

યજ્ઞની સમાપ્તિ થઈ. સૌ હરિભક્તો દિવ્ય સુખનો અનુભવ કરતા હતા ધીરે ધીરે વિખરાવા લાગ્યા.

એક રાત્રે કરાંચીથી આવેલા હરિભક્તોને બીજે દિવસે કરાંચી જવાનું હોવાથી એ રાત્રે જ તેઓ સૌએ બાપાશ્રીને હજારી ફૂલના હાર પહેરાવી કંકુમના ચાંદલા કર્યા, દંડવત્‌ કરી પ્રાર્થના કરી ત્યારે બાપાશ્રી પણ કંકુમ હાથમાં લઈ સૌને ચાંદલા કરતા બોલ્યા : ‘‘આ હું તમને અક્ષરધામના ચાંદલા કરું છું એમ જાણજો, તમે ટાણે ટાણે દરિયા ઊતરી-ઊતરીને અહીં આવો છો અને મહિમા જાણી તન, મન, ધનથી સેવાઓ કરો છો, તે બધું ય મારી જાણમાં છે !’’ એમ કહી સૌને મળ્યા ને કૃપા કરી બોલ્યા : ‘‘આ યજ્ઞમાં મહારાજે સંત-હરિભક્તો પર બહુ જ રાજીપો જણાવ્યો છે, તેથી આ બધી ય લીલા દિવ્ય જાણી સંભારજો ને આવું ને આવું હેત મહાપથારી સુધી રાખજો.’’ એમ કહી સૌના માથે હાથ મૂકી રજા આપી. તે વખતે એક કચ્છી હરિભક્તે કહ્યું : ‘બાપા ! આ કરાંચીના હરિભક્તોને આપનો મહિમા બહુ છે, કરાંચીથી નાના મોટા જેટલા અહીં આવે છે તેટલા જાણે નવા જ લાગતા નથી.’ ત્યારે બાપાશ્રી કહે : ‘મહારાજ ને મોટાની કૃપાદૃષ્ટિમાં આવે તે એવા થઈ જાય !’ એમ કહી, ‘આ અમારા ગરીબડા સેવક સોમચંદભાઈ ઉપર અમે અતિ પ્રસન્ન છીએ’ તેમ કહી સોમચંદભાઈના માથે ફરી હાથ મૂકી અતિ રાજીપો જણાવ્યો.

પછી સોમચંદભાઈ કરાંચીના હરિભક્તોના મંડળે સહિત કરાંચી આવ્યા. એમને ખબર ન હતી કે ૧૯૮૪ના ચૈત્ર વદ તેરસની બાપાશ્રીની પ્રસન્નતાભરી રાત્રિ એ બાપાશ્રીના મનુષ્યરૂપ દર્શનનો તેમને માટે છેલ્લો અવસર હતો. થોડા દિવસ વિત્યા, ત્યાં અબજીબાપાશ્રીએ મનુષ્યલીલા સંકેલી લીધાના વસમા સમાચાર આવી પડ્યા. સં. ૧૯૮૪ના અષાઢ સુદ પાંચમને રોજ બાપાશ્રીએ પોતાની દર્શનલીલા બંધ કરી. સૌ હરિભક્તો ભારે હૃદયે અંતિમવિધિમાં હાજરી આપવા આવ્યા. આત્યંતિક કલ્યાણનું આ અસાધારણ સદાવ્રત શ્રીજીમહારાજે સંકેલી લીધું !

પરંતુ ઝળહળતા પ્રકાશદીપે અનેક દીવા પ્રગટાવી દીધા હતા - જેના પ્રકાશથી અનેક મુમુક્ષુઓને પોષણ મળતું હતું. સોમચંદભાઈ પણ હવે બાપાશ્રીની કૃપાથી આવા તારક-દીપક બની રહ્યા.