પત્ર : ૧૫

સત્સંગમાં સત્સંગ ઓળખવો, એમ મોટા મુક્તો કહે છે. તે શું ? તો શ્રીજીમહારાજ જેવા બીજા કોઈ નહિ, અને તે જેવા ધામમાં છે તેવા જ અત્યારે મૂર્તિરૂપે દર્શન દે છે, અને એમના મુક્ત છે તે પણ જેવા અક્ષરધામમાં છે તેવા જ અહીં છે. આ બે સિવાય ક્યાંય હેત ન રહે તેવી ચોખ્ખી સમજણ કરવી.

બાપાશ્રી કહેતા કે, મૂર્તિ, મુક્ત ને ધામ એ ત્રણનું આપણે કામ છે, અને તે સદાય ભેળા છે. આત્માની ધામ સાથે એકતા કર્યા પછી આપણો ચૈતન્ય મહારાજના ધ્યાનથી સાકાર થાય છે, ત્યારે મૂર્તિ, મુક્ત ને ધામ એ ત્રણ સાથે જ સમજાય છે. એવું મનન થાય પછી બહાદુરવૃત્તિએ જોવાની તાણ ન રહે, એ સત્સંગમાં સત્સંગ સમજણો કહેવાય. દેહ મૂકીને ધામમાં જવું છે તેને બદલે હવે એમ મનાય છે કે આપણે મહારાજ ભેળા સદાય ધામમાં જ છીએ.