લોયા : ૧૮

નિશ્ચયની વાત સમજતાં ન આવડે તો અમારે વિષે મનુષ્યભાવ રહી જાય. અમને બીજા અવતારના જેવા જાણે તો દૂષણ આવે. મચ્છ, કચ્છાદિકના દૃષ્ટાંતપૂર્વક પોતાનો દિવ્યભાવ કહ્યો છે, જે અમે મનુષ્ય જેવા દેખાઈએ છીએ પણ અમારા ધામને વિષે સચ્ચિદાનંદ પ્રકાશમય મૂર્તિ છીએ અને અનંત કોટિ બ્રહ્માંડના પતિ, રાજાધિરાજ, સર્વનિયંતા, સર્વાંતર્યામી, અતિશય સુખરૂપ ને સદા દ્વિભુજ છીએ ને અમારી ઇચ્છાએ ક્યારેક ચતુર્ભુજાદિક તથા રામકૃષ્ણાદિક રૂપ ધારણ કરીએ છીએ અને કાર્ય થઈ રહ્યા પછી અદૃશ્ય કરીએ છીએ. શ્રીકૃષ્ણ ભગવાન ચતુર્ભુજ છે અને મચ્છાદિક સર્વ ચતુર્ભુજ અવતારોના નિયંતા છે. શ્રીકૃષ્ણને દૃષ્ટાંતે પોતાનું દિવ્યપણું કહ્યું છે, જે અમે મનુષ્ય જેવા જણાઈએ છીએ પણ અમારે વિષે અતિ પ્રકાશ ને સર્વ સુખ રહ્યાં છે. ધ્યાન, ધારણા ને સમાધિવાન અમને પ્રકાશેયુક્ત દેખે છે અથવા અમારી ઇચ્છાથી પણ અમે તેજોમય દેખાઈએ છીએ. શ્રીકૃષ્ણ ભગવાનને દૃષ્ટાંતે કહ્યું છે કે મૂઢ જીવ અમને મનુષ્ય જેવા જાણે છે તેમને અમારો નિશ્ચય નથી અને તે જરૂર સત્સંગમાંથી પડશે. અમારે વિષેથી મનુષ્યભાવ ટાળીને દિવ્યભાવ કરે તો જ પૂરો નિશ્ચય કહેવાય. અમને દિવ્ય જાણીને દર્શન કરે તેને જ અમારો નિશ્ચય જાણવો અને ત્યારે જ એને ધોખો ન થાય ને ગુણ અવગુણ ન આવે ને વિમુખ ન થાય માટે અમને ને પંચવર્તમાને યુક્ત અમારા ભક્તને દિવ્ય જાણવા. એવી રીતે પોતાનું દિવ્ય ને સર્વોપરીપણું પ્રતિપાદન કર્યું છે. દિવસમાં એક વાર એ વાત કરવાની આજ્ઞા કરી છે. (૧૨૬)