વડતાલ : ૪
બત્રીશ લક્ષણે યુક્ત એવા જે અમારા સંત તેમનો મન, કર્મ, વચને સંગ રાખે તો તેના સંગમાં સર્વે સાધન આવી જાય. વૃત્તિને બે પ્રકારે કરીને એક વૃત્તિએ હૃદયને વિષે અમારી મૂર્તિનું ચિંતવન કરવું ને બીજી વૃત્તિએ નેત્ર આગળ છેટે અમારી મૂર્તિને ધારીને ચિંતવન કરવું અને મૂર્તિને અડખે પડખે બીજું પદાર્થ દેખાય તો નાસિકાગ્ર મૂર્તિ ધારવી, એમ કરતાં અડખે પડખે પદાર્થ દેખાય તો ભ્રકૂટિના મધ્યે ધારવી અને આળસ, નિદ્રા આવે તો મૂર્તિ છેટે ધારવી ને ઢૂકડી લાવવી ને અડખે પડખે ધારવી પછી સચેત થવાય ત્યારે નાસિકાગ્ર લાવવી ને ભ્રકૂટિમાં લાવીને હૃદયમાં ઉતારવી અને બે વૃત્તિઓ હોય તે એક કરવી, એમ કરતાં આળસ, નિદ્રા આવે તો મૂર્તિ બહાર લાવવી એવી રીતે જ્ઞાન, ઇન્દ્રિયો દ્વારે અમારી મૂર્તિ ધારવી. પછી ચૈતન્યમાં ધારવી તેમાં વ્યવહારિક વિક્ષેપ આવે તો મૂર્તિ ધારવી પડી મૂકવી નહિ, એ યોગકળાએ કરીને અમારી મૂર્તિ ધારવાનો ઉપાય છે. (૨૦૪)