ગઢડા મધ્ય : ૬૬

આ જન્મે તથા જન્માંતરે અમારા મોટા ભક્તનો અપરાધ કર્યો હોય તેને હરિભક્તના દોષ સૂઝે ને પોતાના ન સૂઝે. અમારે આશ્રયે કરીને કલ્યાણ થાય છે ને ચાર સાધને કરીને અમારી પ્રસન્નતા થાય છે. જીવને નિરાકાર કહ્યો છે. જીવ જ્યારે અમારા ધામમાં જાય છે ત્યારે સાકાર થાય છે. અમારી તથા અમારા મુક્તની કૃપાથી અષ્ટાંગયોગ ને આત્મદર્શનની સિદ્ધિ થાય છે. તે અષ્ટાંગ યોગને વિષે ને આત્મદર્શનને વિષે વધુ લગની થાય તો અમારો તથા અમારા સંતનો મહિમા સમજીને અમારી ને અમારા સંતની સેવા કરવી પણ અષ્ટાંગ યોગને વિષે ને આત્મદર્શનને વિષે અમારા જેવી તથા અમારા ભક્તના જેવી લગની થવા દેવી નહિ. અમારા વિના બીજા પરચા ચમત્કાર જણાવે તેમાં જેને પ્રતીતિ આવે તે યથાર્થ ભક્ત નથી. અમારી ને અમારા સંતની પ્રાપ્તિ થઈ હોય તેને અમારાં કથા-કીર્તન કરતાં દિવસ ને રાત્રી વીતે. પોતાના જીવાત્માનું અમારા તેજરૂપ જે બ્રહ્મ તે રૂપે દર્શન થાય છે અને અમારા વિના બીજેથી વૈરાગ્ય થાય છે અને ધર્મમાં રહેવાય છે, અને દેહ મૂક્યા પછી અમારા જેવો જ સ્વતંત્ર થાય છે, ને અમારી અખંડ સેવામાં રહે છે. (૧૯૯)