જેતલપુર : ૪

પ્રત્યક્ષ ભગવાન અમે તે અમારું દર્શન ને અમારી અખંડ સ્મૃતિ તેણે કરીને કલ્યાણ થાય છે. અમારી અખંડ સ્મૃતિ એ જ ભક્તિ છે. વર્તમાનમાં કસરવાળો અમારી અખંડ સ્મૃતિ રાખે તો પણ તેનાથી કોઈનું કલ્યાણ થાય નહિ. તે એકાંતિક ન થાય, અમારા ધામને ન પામે ને એનાથી સત્સંગમાં ન બેસાય. અમારી અખંડ સ્મૃતિએ યુક્ત ને યથાર્થ ધર્મનિયમવાળા તમ જેવા સંતનાં દર્શન, સ્પર્શ, સેવા ઇત્યાદિક કરે તેનાં સર્વે પાપનો ક્ષય થાય છે. તમે જેને ધર્મ સંબંધી નિયમ ધરાવો છો તેનો મોક્ષ થાય છે. તમ જેવા ધર્મ-નિયમવાળા સંતની સર્વે ક્રિયા કલ્યાણકારી છે, કેમ જે પ્રત્યક્ષ શ્રી નરનારાયણ ઋષિ જે અમે તે તમારી સભામાં નિત્ય વિરાજીએ છીએ ને અમારો તમારે આશરો છે. તમારું ઐશ્વર્ય અમારું યથાર્થ સુખ આપવા સારુ અમે રોકી રાખ્યું છે. દ્રોહ બુદ્ધિએ ભજે તે અસુર છે. ભક્તિએ ભજે તે મુક્ત થાય છે. (૨૩૩)