કારિયાણી : ૧૦
તપે કરીને પોતાની પ્રસન્નતા કહી છે. અમારી ઇચ્છાએ કષ્ટ આવે તેને ટાળવા ઇચ્છવું નહિ. અમને એકને જ કર્તા જાણવા તે કલ્યાણનું પરમ કારણ છે. અમને સર્વ કર્તાહર્તા ન જાણે અને બીજા કાળકર્માદિકને કર્તા જાણે તે પંચમહાપાપીથી વધુ પાપી, નાસ્તિક ને ચંડાળ છે એની પાસે ઊભું ન રહેવું ને તેનું વચન પણ સાંભળવું નહિ. અમારા ભક્ત અમારા પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ જેવા થાય અને પ્રકૃતિપુરુષ, બ્રહ્મ તથા મૂળઅક્ષર જેવા પણ થાય, પણ અમારા જેવો થાવાને કોઈ સમર્થ નથી. એ સર્વે અમારા સેવક છે ને અમે એ સર્વેના સ્વામી છીએ. એવો ભાવ ટળી જાય અને અમને ને બીજા મૂળઅક્ષરાદિક અવતારોને સરખા મનાય એવા સંગનો તથા એવાં શાસ્ત્રનો શ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો. અમને સર્વ કર્તાહર્તા જાણવા. તપ કરવું અને પ્રેમલક્ષણા ભક્તિએ કરીને અમને ભજવા એ અમારો સિદ્ધાંત છે. એ સિદ્ધાંત આ લોક તથા પરલોકને વિષે પરમ સુખનો હેતુ છે. જેને તપ, ત્યાગનો સાચો ઇશક હોય તે કોઈ અંતરાયનો રોક્યો રોકાય નહિ. અમારા ભક્તને અમારા કરતાં વિશેષ ત્યાગ રાખવો. (૧૦૬)