પત્ર : ૧૩૯
સવાર-સાંજ સમય મળે ત્યારે એમની મૂર્તિ સામું જોઈ આનંદ પામવો - એમની લીલા સંભારવી. અક્ષરધામમાંથી આપણા માટે આવ્યા છે. છપૈયામાં પ્રગટ થઈ, ગઢપુરમાં ઘર માની રહ્યા. કાઠિયાવાડ પર બહુ જ રાજીપો જણાવ્યો. એ કાઠિયાવાડની ભૂમિ મહારાજને લઈને દિવ્ય થઈ ગઈ. કાઠિયાવાડમાં રહી અધમ જેવા જીવનો પણ ઉદ્ધાર કર્યો. સૌરાષ્ટ્ર, ગુજરાત વગેરે દેશનાં ગામોમાં પણ વિચરણ કર્યું. તે વખતે હવાઈ જહાજ કે મોટરો, ટ્રેન, બસોનાં સાધનો ન હતાં, તેથી માણકી ઉપર બેસી ગામેગામ સૌને દર્શન આપ્યાં. જેનો પ્રેમ જોયો તેના ઘરે જમ્યા-રમ્યા, અનેક પ્રકારની લીલાઓ કરી. આ બધું શાંતિ અને સુખ મળવાનું કારણ છે.