ગઢડા છેલ્લું : ૩૪

અમારા વિના બીજેથી વાસના ટાળીને એક અમારે વિષે વાસના થયાનાં સાધન તો અમારે વિષે પ્રીતિ ને જ્ઞાને સહિત વૈરાગ્ય છે. અમારો નિશ્ચય ને વિશ્વાસ હોય ને પંચવિષયના ત્યાગ સંબંધી નિયમ તથા અમારી નવ પ્રકારની ભક્તિ સંબંધી નિયમમાં સાવધાન થકો વર્તે તો અમારા સંબંધી વાસના વૃદ્ધિ પામતી જાય. જીવને અમારા સન્મુખ કરવા ને તેમને અમારી આજ્ઞા પળાવવા માટે તેના ઉપર ક્રોધ કરવો તે ઠીક છે અને મોટા સાધુ સાથે હેત હોય ને પોતાના કલ્યાણનો સ્વાર્થ માન્યો હોય તો ક્રોધ જાય છે. તુચ્છ પદાર્થ સારુ સાધુ સાથે ક્રોધ કરે તેને સાધુનું માહાત્મ્ય સમજાણું નથી અને બુદ્ધિમાન તુચ્છ પદાર્થ સારુ સાધુ સાથે ક્રોધ કરે તો તેની બુદ્ધિ સાધુપણાની નથી. (૨૬૮)