લોયા : ૧૭

માયાને વિપરીતપણામાં હેતુ કહી છે. દેહનો અનાદર, આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને માહાત્મ્યે સહિત અમારો નિશ્ચય હોય તો દેશકાળના અતિ વિષમપણામાં પણ મતિ અવળી થાય નહિ. દેશાભિમાનીને અમારો નિશ્ચય યથાર્થ હોય તો પણ પંચવિષયનો અભાવ ન હોય તેનું અમે કે સંત ખંડન કરીએ તો અભાવ લે ને શસ્ત્રે કરીને માથું મુકાવી દે એવો દ્રોહ કરે, વિષયની આસક્તિવાળાના વિષયનું ખંડન કરીએ નહિ ત્યાં સુધી સત્સંગમાં રહે અને ખંડન કરીએ ત્યારે અભાવ લઈને વિમુખ થાય. જે પોતાને આત્મસત્તારૂપ માને તેના વિષયનું ખંડન કરીએ તોય તેને અમારો ને સંતનો અભાવ ન આવે. જેવી તેવી વસ્તુમાં આનંદ હોય તેવો સારીમાં ન રહે ને મન મૂંઝાય તેને વિષયનો અભાવ છે. આત્મનિષ્ઠા ને વૈરાગ્ય હોય તથા સર્વના સુખથી અમારા સુખને અધિક જાણીને અમારે વિષે જોડાય તે અમારો પાડ્યો પણ પડે નહિ ને અમારા સંતનું માહાત્મ્ય બહુ સમજે અને તેને માન પણ રહે નહિ. જેને આવો મહિમા જાણ્યામાં ન આવ્યો હોય તેને સંતની આગળ માન આવે છે. જેને અમારું ને સંતનું માહાત્મ્ય નથી સમજાણું તેનો વિશ્વાસ નહિ. (૧૨૫)