ગઢડા મધ્ય : ૯

સર્વેથી પર એવા જે અમે તે તમને મળ્યા છીએ માટે અમારી મૂર્તિનું બળ અતિશય રાખવું. અમારું સર્વોપરીપણાનું બળ હોય તો તેથી સત્સંગથી બહાર જવાણું હોય તો પણ અમારે વિષેથી હેત ટળે નહિ ને તે અંતે અક્ષરધામને વિષે અમારે સમીપે રહેશે. હમણાં સત્સંગમાં રહેતો હોય ને શાસ્ત્રનાં વચનમાં પણ રહેતો હોય તો પણ અમારા સ્વરૂપની પાકી નિષ્ઠા ન હોય તો તે અમારા ધામ વિના બીજા લોકમાં જાય. જેને અમારા સ્વરૂપનું બળ હોય તે જ એકાંતિક ને પાકો સત્સંગી છે. એ અશુભ દેશકાળાદિકને યોગે કદાપિ ધર્મમાંથી ચળી જાય તો પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થાય પણ કલ્યાણના માર્ગથી પડે નહિ. અમારા સ્વરૂપની નિષ્ઠામાં કાચપ હોય ને ધર્મથી ચળી જાય તો નરકમાં પડી ચૂક્યો એમ જાણીને કલ્યાણને માર્ગે ચાલી શકે નહિ. જેને અમારે વિષે અતિશય પ્રીતિ હોય તેને કાંઈ કરવું રહ્યું નથી. જેને અમારે વિષે અતિશય પ્રીતિ ન હોય તેને તો અમારો મહિમા સમજવો. (૧૪૨)