વડતાલ : ૨

અમને અરૂપ ને અકર્તા રહે ને અમારા વિના બીજા કાળાદિકને કર્તા કહે તે અમારી ચંદન, પુષ્પાદિકે પૂજા કરે તો પણ તે અમારો દ્રોહી છે. અમને મૂર્તિમાન ને સર્વ કર્તાહર્તા સમજે તે સેવા માનીએ છીએ ને રાજી થઈએ છીએ. પરોક્ષ શાસ્ત્રને દૃષ્ટાંતે કરીને તે શાસ્ત્રના નામપૂર્વક પોતાના સ્વરૂપને સમજવાની રીત કહી છે, જે વેદમાં ભગવાનનું સ્વરૂપ નારાયણે કહ્યું પણ સમજાય એવું નથી અને સાંખ્યશાસ્ત્રે ચોવીશ તત્ત્વથી પર પરમાત્માને કહ્યા છે અને યોગશાસ્ત્રે ચોવીશ તત્ત્વથી પર પરમાત્માને કહ્યા છે અને યોગશાસ્ત્રે તત્ત્વથી પર જીવ, ઈશ્વરને કહીને તેથી પર પરમાત્માને કહ્યા છે, પણ યથાર્થ જ્ઞાન થયું નથી, અને પંચરાત્રશાસ્ત્રે ભગવાનને સાકાર મૂર્તિમાન અક્ષરધામમાં પાર્ષદોએ સહિત છે. અને સર્વ અવતારનું ધારણ કરે છે એમ કહ્યું છે માટે અમારા ભક્તોએ અમને જીવ, ઈશ્વર, બ્રહ્મ, અક્ષર, તે સર્વેથી પર સમજવા તે સાંખ્ય વિચાર જાણવો અને યોગશાસ્ત્ર જીવ, ઈશ્વરથી પર પરમાત્માને કહે છે તેમ પ્રધાનપુરુષ સુધી જીવ અને મૂળઅક્ષર સુધી ઈશ્વર ને તેથી પર અમારા તેજરૂપ બ્રહ્મ, તે બ્રહ્મથી પર અમને જાણીને અમારું ધ્યાન કરવું. વેદ કોઈક ભગવાન છે એમ કહે છે તે અમે આ પ્રત્યક્ષ છીએ એમ જાણવું. પંચરાત્રશાસ્ત્ર સદા સાકાર ને સર્વ કર્તા કહે છે તેવી રીતે અમને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વના કર્તાહર્તા ને સર્વ અવતારો માત્રના અવતારી સર્વને સુખદાતા, સર્વોપરી સમજવા. અમારી ભક્તિ કરવી અને અમારી પ્રતિમાની પૂજા, આરતી કરવી ને થાળ જમાડવા, પોઢાડવા એવી રીતે સેવા કરવી. આવી રીતે સમજે તેજ જ્ઞાની ભક્ત છે ને તે ઉપર અમે રાજી થઈએ છીએ. (૨૦૨)