પત્ર : ૧૪૩

આપણે દરરોજ ગાઈએ છીએ : ‘‘અડસઠ તીર્થ ચરણે, કોટિ ગયા કાશી,’’ એ બરાબર છે. અડસઠ તો શાસ્ત્રમાં લખેલાં છે, પણ મહારાજના ચરણમાં તો અનંત તીર્થ છે, આ મૂર્તિ સર્વોપરી છે, તેથી તેનાં દર્શન થતાં કાંઈ બાકી રહે તેવું ક્યાં છે? મહિમા વચન એવાં છે કે અનંત તીર્થ, અનંત અવતાર, અનંત મુક્ત ને ધામ એ બધાયનો પ્રકાશ ભેળો કરીએ તોય શ્રી પુરુષોત્તમ નારાયણના એક રોમ જેટલો ય ન થાય. એવા મહાપ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાને આપણને પોતાના કર્યા, અનાદિ મુક્તો મળ્યા, મૂર્તિમાં રાખ્યાના આશીર્વાદ મળ્યા અને હજુ મળ્યા જ કરે છે, એવા અવસરમાં આપણે આવી ગયા તે આપણો ફેરો ફાવ્યો. જેને દેહ મૂકીને પામવાના હતા તે છતી દેહે મળ્યા. નિરભેની નોબત ને જીતનો ડંકો વાગ્યો. આત્યંતિક કલ્યણના કોલ આપ્યા. ખોટનાં ખાતાં વાળી નાખ્યાં, ને રંગડાની રેલ્યું વાળી, સોનાનો સૂરજ ઊગ્યો, અમૃતના મેહ વરસ્યા. આવું પ્રથમ બોલતા હતા તે બધું ય થઈ ગયું.