પંચાળા : ૭

ધામ જે પોતાનું સ્વરૂપ કહેતાં પોતાને ધામ શબ્દથી કહ્યા છે. તે સત્ય સ્વરૂપ જેવું અક્ષર ધામને વિષે છે તેવું જ મનુષ્યરૂપે દેખાય છે એમ સમજે તેનું માયારૂપી કપટ રહેતું નથી. અજ્ઞાની જીવ અમને મનુષ્ય જેવા દેખે છે ને પોતાની પેઠે જ અમારે વિષે જન્મ મરણભાવ કલ્પે છે તે જ્યારે એની માયિક દૃષ્ટિ મટે ત્યારે અમને પરમ ચૈતન્ય સત્‌-ચિત્‌-આનંદમય જાણે છે. અમે મનુષ્યભાવ દેખાડીએ છીએ તે તો નટની પેઠે અમારી યોગમાયા છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાનનો દેહત્યાગાદિક જોઈને જ્ઞાની ભક્તને મોહ ન થયો, તેમ અમને યથાર્થપણે સમજનારા ભક્ત અમે જેવા અક્ષરધામમાં છીએ તેવા જ સમજે છે ને મૂર્ખ અમને સાકાર સમજે તો મનુષ્ય જેવા જ સમજે અને નિરાકાર સમજે તો તે દેહ દેહીભાવ સમજે. જેમ દેહમાં જીવ રહ્યો છે તેમ ભગવાન માયિક દેહમાં રહ્યા છે પણ સ્વરૂપે નિરાકાર છે એમ સમજે પણ અમે તો સદા દિવ્ય સાકાર છીએ તે સાકારપણું શ્રુતિ સ્મૃતિ પણ પ્રતિપાદન કર્યું છે. જેમ અગ્નિ જ્વાળારૂપે લોઢાને વિષે આવે છે ત્યારે લોઢાનો ગુણ દાબીને પોતાના ગુણને પ્રકાશ કરે છે, તેમ અમે પુરુષમાં અમારા પ્રકાશદ્વારે પ્રવેશ કરીએ છીએ ત્યારે જેમ સૂર્યના પ્રકાશમાં તારા-ચંદ્રનાં તેજ લીન થઈ જાય છે, તેમ પુરુષનો પ્રકાશ, ઐશ્વર્ય, સામર્થ્ય તે અમારા પ્રકાશમાં લીન થઈ જાય છે. પ્રકાશદ્વારે પુરુષમાં રહીને અમે ઉત્પત્તિ કરીએ છીએ અને તેમ જ માયામાં પ્રકાશદ્વારે પ્રવેશ કરીએ છીએ ત્યારે તે માયા થકી અનંત કોટિ બ્રહ્માંડને ઉત્પન્ન કરે એવા પ્રધાન પુરુષાદિક ઉત્પન્ન થાય છે તે માયાપણું ઢંકાઈ ગયું જાણવું. એવી જ રીતે ચોવીસ તત્ત્વ તથા વૈરાજાદિકને વિષે પણ ઉત્પત્યાદિક કાર્ય અમારા પ્રકાશદ્વારે કરીને કરીએ છીએ. નારદ સનકાદિક રૂપે એટલે મુક્તને વિષે અમે પ્રગટ વિરાજીને મોક્ષરૂપી કાર્ય કરીએ છીએ. જેમ લોઢામાં અગ્નિ રહ્યો જ છે પણ વિશેષ પ્રવેશ કર્યો હોય તે નીકળી જાય છે ત્યારે તે લોઢું હતું તેવું રહે છે તેમ અમે ઉત્પત્યાદિક કાર્ય કરી રહ્યા પછી વિશેષ પ્રવેશ કરેલો તે પ્રકાશ એમાંથી નીકળી જાય છે, ત્યારે તો તે સર્વ જેવા છે તેવા જ રહે છે અને તેમાં જે અધિક દૈવત જણાતું હતું તે અમારું હતું. અમે અમારા અક્ષરધામને વિષે સદા સાકાર મૂર્તિ છીએ. અમારી આ મૂર્તિમાં ત્યાગ ભાગ નથી માટે આ મૂર્તિનું જ ધ્યાન, ઉપાસના, ભક્તિ કરવી પણ ધામમાં બીજું સ્વરૂપ હશે અને આ બીજું સ્વરૂપ છે એમ ન સમજવું. આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ અમે ને અમારા ભક્ત દિવ્ય સાકાર રૂપે અતિશય પ્રકાશે યુક્ત અક્ષરધામમાં રહીએ છીએ. અમે ને અમારા ભક્ત અતિશય પ્રકાશે યુક્ત છીએ ને તમારા કલ્યાણને અર્થે કૃપા કરીને સર્વ શક્તિ પાર્ષદોએ સહિત મનુષ્ય જેવા દેખાઈએ છીએ. આવી રીતે સમજે તેણે જ અમને યથાર્થ જાણ્યા કહેવાય ને તેની જ માયા નિવૃત્ત થાય છે ને તે જ જ્ઞાની ને એકાંતિક ભક્ત છે. આવી અમારી દૃઢ ઉપાસના વાળાને કુસંગને યોગે અથવા પ્રારબ્ધે કરીને અવળું વર્તાઈ જાય તો પણ તેનું કલ્યાણ થાય, પણ તે વિના ઉર્ધ્વરેતા ને મહાત્યાગીનું પણ ન થાય. આવી સમજણવાળાને નિરાકાર પ્રતિપાદન કરનારાં શાસ્ત્ર સાંભળીને પણ સાકારપણામાં સંશય થાય જ નહિ તેની જ પરિપક્વ નિષ્ઠા જાણવી. (૧૩૩)